મુંબઈ : લૉકડાઉનમાં ફેરિયાઓની લાઇસન્સ-ફી બચાવી વકીલે

Published: 29th November, 2020 10:43 IST | Mumbai Correspondent | Mumbai

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ફી ભરવા દબાણ કરાતાં કચ્છી યુવાને પહેલ કરી

મુંબઈના ફેરિયાઓને લેટ-પેમેન્ટ પેનલ્ટીથી વેવર અપાવનાર મયૂર ફુરિયા.
મુંબઈના ફેરિયાઓને લેટ-પેમેન્ટ પેનલ્ટીથી વેવર અપાવનાર મયૂર ફુરિયા.

કોરોના મહામારીને કારણે મુંબઈમાં માર્ચ મહિનાથી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. લૉકડાઉનની શરૂઆતમાં સરકારી કાર્યાલયમાં ફક્ત પાંચ ટકા સ્ટાફની હાજરી હતી. કોરોના સંક્રમણની ચેઇન તોડવા રાજ્ય સરકારે કડક પાયે લૉકડાઉનનું પાલન કરવા જનતાને આગ્રહ કર્યો હતો. લૉકડાઉનનું પાલન કરાવવા પોલીસની લાઠી પણ ચાલી હતી.

જ્યારે બધું જ બંધ હોય ત્યારે આવા સંજોગોમાં લાઇસન્સ રિન્યુ કઈ રીતે કરાવી શકાય એમ છતાં સાઉથ મુંબઈના એક ફેરિયા પર બીએમસીએ લાઇસન્સ-ફી પર લેટ-પેમેન્ટની પેનલ્ટી મારવાનું કહેતાં તે ખૂબ ચિંતામાં મુકાઈ ગયો હતો.

તેણે ફોર્ટમાં રહેતા ૩૧ વર્ષના કચ્છી વકીલ મયૂર ફુરિયાનો સંપર્ક કર્યો હતો. અનેક પ્રયાસો છતાં બીએમસી દ્વારા તેને પેનલ્ટી ભરવી જ પડશે એવું સ્પષ્ટ કરાતાં મયૂર અને ફેરિયાએ કોર્ટનો દરવાજો ખખડાવવાનો નિર્ણય લીધો હતો. મયૂરે પોતાના ખર્ચે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (પીઆઇએલ) ફાઇલ કરી અને અંતે મુંબઈભરના ફેરિયાઓને એનો ફાયદો થયો છે. કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી એ દરમ્યાન બીએમસીએ લાઇસન્સ-ફી પર લેટ-પેમેન્ટની પેનલ્ટીને વેવર કરવાની જાહેરાત કરતાં તેમની પાર્શિયલી જીત થઈ અને મુંબઈના અનેક ફેરિયાઓને ઘણી રાહત મળી હતી.

લૉકડાઉનની શરૂઆતમાં રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને અપીલ કરાઈ હતી કે જેઓ ઘરનાં ભાડાં ન ભરી શકે તેમનાં ભાડાં બની શકે તો માફ કરવામાં આવે અને બીજી બાજુ બીએમસી જ ફેરિયાઓ પાસે માર્ચ મહિનાથી અત્યાર સુધીની ફી સહિત પેનલ્ટી લેવા દોડી રહી હતી. આ વિશે સંપૂર્ણ માહિતી આપતાં મયૂર ફુરિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘લૉકડાઉન લાગતાં મુંબઈના ફેરિયાઓનું કામ બંધ છે અને તેમના ખાવાનાં પણ ફાંફાં થઈ ગાં છે છતાં તેમની પાસે લાઇસન્સ-ફી માગવાની સાથે લેટ-પેમેન્ટની પેનલ્ટી પણ મારવામાં આવી રહી હતી. એ ન કરવા પર ડિપોઝિટ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું કહેવાયું. એક ફેરિયાએ તો કોરોના થઈ જતાં હૉસ્પિટલનું સાડાત્રણ લાખ રૂપિયાનું બિલ દીકરીના દાગીના વેચીને ચૂકવ્યું હતું. એમાં બીએમસી માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધીની ફી અને પેનલ્ટી ભરવાનું કહી રહી હતી. તેમને કામ શરૂ કરવાની અનુમતિ પણ અપાઈ નથી. આગરીપાડાના સુગર કૅનનો જૂસ વેચતા રિઝવાન ખાન નામના લાઇસન્સવાળા ફેરિયાએ મારો સંપર્ક કરીને જાણ કરી હતી કે તેનું કામ માર્ચ મહિનાથી બંધ હતું અને બીએમસી કાર્યાલય પણ બંધ હોવાથી લાઇસન્સ રિન્યુ કરાવી શક્યો નહોતો. હવે બીએમસી કહે છે કે બે હજાર રૂપિયાની પેનલ્ટી સહિત લાઇસન્સ-ફી ભરવી પડશે. એમ ન કરતાં ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે. એથી મેં તેને કહ્યું કે એક પત્ર લખીને વૉર્ડ-ઑફિસમાં સવિસ્તર જાણ કરે. તેણે એ પણ કર્યું, પરંતુ તેને રાહત મળી નહોતી. આ નાના માણસ પર અન્યાય જેવી વાત થઈ ગઈ એથી અમે આ સંદર્ભે કોર્ટમાં પીઆઇએલ દાખલ કરી હતી. જેમાં લેટ-પેમેન્ટ પેનલ્ટી વેવર કરવા અને લાઇસન્સ-ફી માફ કરવાની માગણી કરી હતી.’

બીએમસીએ પોતે જ લેટ-પેમેન્ટ પેનલ્ટી વેવર કરવાની જાહેરાત કરી એમ કહેતાં મયૂર ફુરિયા કહે છે કે ‘કોર્ટમાં દલીલો થઈ એમાં મેં લૉકડાઉનમાં લાઇસન્સ-ફી અને પેનલ્ટી કઈ રીતે લઈ શકાય એવું કહ્યું હતું. કોર્ટે ચાર અઠવાડિયાંમાં આ સંદર્ભે નિર્ણય લઈને જવાબ આપવા કહ્યું હતું. જોકે કોર્ટની સમયમર્યાદામાં બીએમસી દ્વારા જવાબ ન અપાતાં કન્ટેટ ઑફ કોર્ટ થતાં અમે કન્ટેટ કોર્ટ ફાઇલ કર્યો હતો, પરંતુ દિવાળીનું વેકેશન જાહેર થતાં એની સુનાવણી પેન્ડિંગ છે. એ દરમ્યાન જ બીએમસી દ્વારા લૉકડાઉનમાં લેટ-પેમેન્ટ ચાર્જિસની પેનલ્ટી વેવર કરવાની જાહેરાત કરાઈ હતી. આમ અમારી પાર્શિયલી જીત થઈ છે અને મુંબઈના હજારો લાઇસન્સવાળા ફેરિયાઓને જેને ઘર ચલાવવાનાં પણ ફાંફાં થઈ ગયા છે તેમને રાહત પણ મળી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK