૬ દિવસ સુધી આપણે કંઈ પણ ખાધા-પીધા વિના અને ચહેરો બાંધેલો હોય તો રહી શકીએ? પરંતુ પાલઘરમાં એક ભટકતા શ્વાન સાથે આવો આઘાતજનક બનાવ બન્યો હતો. આ શ્વાનનો આખો ચહેરો સતત ૬ દિવસ એક પ્રોટીન સપ્લિમેન્ટના ડબ્બામાં ફસાઈ ગયો હતો. ગળાથી લઈને આખું મોઢું ડબ્બામાં ફસાઈ ગયું હોવાથી તે ખૂબ હેરાન થયો હતો. આવી હાલતમાં તે રસ્તા અને વિવિધ સોસાયટીઓમાં ફરી રહ્યો હતો. ડબ્બામાં રહેલા એક નાનકડા હોલમાંથી તે એક આંખે થોડું જોઈ શકતો હતો. ખાધા-પીધા વગર આવી હાલતમાં ફરી રહેલા આ શ્વાનને મદદ કરવાનો ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે એટલો ગભરાઈ ગયો હતો કે એની નજીક કોઈને આવવા નહોતો દેતો અને આ જ કારણસર એ કોઈના હાથમાં આવતો નહોતો. અંતે આઠ જણની ટીમે એને ફિશિંગ-નેટની મદદથી પકડી પાડ્યો અને રેસ્ક્યુ કર્યો હતો.
રેસ્ક્યુ કરનારી ટીમ
પાલઘર-વેસ્ટમાં સ્ટેશન-રોડ પાસે રહેતાં ગુજરાતી ઍનિમલ ઍક્ટિવિસ્ટ વૈશાલી ચૌહાણને પાલઘર-વેસ્ટના રસ્તા પર પ્રોટીન પાઉડરના ડબ્બામાં શ્વાનનો ચહેરો ફસાઈ ગયો હોવાના અસંખ્ય ફોન આવી રહ્યા હતા એથી આ શ્વાનને પહેલાં શોધવામાં આવ્યો, એને રેસ્ક્યુ કરવાના પ્રયત્ન કરાયા, પરંતુ એ કોઈના હાથમાં આવતો નહોતો. શ્વાનની હાલત ખરાબ થઈ જશે એવી ચિંતા વધવા લાગતાં સર્પ મિત્ર નામના ગ્રુપના લોકોની મદદ લીધી એમ કહેતાં ઍનિમલ ઍક્ટિવિસ્ટ વૈશાલી ચૌહાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ખાવાની શોધમાં એણે પ્રોટીન પાઉડરના ડબ્બામાં મોઢું નાખ્યું હશે અને એમાં એનું મોઢું ફસાયું હશે. એ શ્વાનને શોધીને પકડવાના અમે પ્રયાસ કર્યા હતા. એ શ્વાન ડબ્બાના હોલમાંથી જોઈ રહ્યો હતો અને ડરનો માર્યો ભાગવા માંડતો હતો, પરંતુ વધુ દિવસ એને આવી હાલતમાં રખાય એમ ન હોવાથી ગામના સર્પ મિત્ર ગ્રુપ સાથે અમે આઠ જણની ટીમ બનાવી હતી. શ્વાનને શોધ્યો, પરંતુ અમને જોઈને જ એ ભાગવા માંડ્યો હતો. ત્યાર બાદ ફિશિંગ નેટની મદદથી એને પકડી પાડ્યો અને એના હાથ-પગ પકડીને ડબ્બાને નાની છરીથી કાપી નાખ્યો હતો. ડબ્બો કાપતા હતા ત્યારે પણ ડરનો માર્યો એણે ભાગી છૂટવાની ઘણી કોશિશ કરી હોવાથી અમને એને છરી વાગી ન જાય એની ચિંતા હતી. અંતે આટલા દિવસ બાદ એને રેસ્ક્યુ કરાવતાં શ્વાનનો જીવ બચી ગયો હતો. ડબ્બામાં ચહેરો હોવાથી તે ડીહાઇડ્રેટ અને ભૂખ્યો થયો હતો. એને રેસ્ક્યુ કરાયો ન હોત તો કદાચ એ જીવી ન શક્યો હોત.’
૬ દિવસમાં શ્વાનની કેવી હાલત થઈ હતી એ વિશે એક સ્થાનિક મહિલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રેસ્ક્યુ થયાના ત્રણ દિવસ પહેલાં જ મેં શ્વાનને રસ્તા પર ભાગતો જોયો હતો. સતત ત્રણ દિવસ એને એ હાલતમાં જોતાં ખૂબ ચિંતા થવા લાગી હતી. મને પહેલાંથી શ્વાનથી ખૂબ ડર લાગે છે છતાં એને માટે પાણી લઈને ગઈ હતી. એનાથી થોડે દૂર પાણી રાખ્યું અને એણે ડબ્બાના હોલમાંથી જોયું અને હું ગયા બાદ તેણે પાણી પીવાની કોશિશ કરી હતી, પણ પી ન શક્યો. એને ખૂબ તરસ લાગી હોવાથી પાણી જોઈને એને પીવા ઉપર-નીચે થઈ રહ્યો હતો. આ જોઈને હું ખૂબ ભાવુક થઈ ગઈ હતી. અમુક સ્થાનિક બાળકો એને જોવા માટે દોડી રહ્યાં હતાં અને ડરનો માર્યો ડૉગી દૂર ભાગી રહ્યો હતો. શ્વાનને બરાબર દેખાતું નહોતું અને તે ફુલ સ્પીડમાં ભાગતો રહેતો હોવાથી એક વખત તો અકસ્માત થતાં બચી ગયો હતો.’
શ્વાનને રેસ્ક્યુ કરનાર ટીમના સફાળેમાં રહેતા સભ્ય અને ઍનિમલ ઍક્ટિવિસ્ટ પ્રશાંત માણકરે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘મને અમુક લોકોના ફોન આવ્યા ત્યારે તેઓ કહેતા હતા કે શ્વાનને ડબ્બાની અંદર ગભરામણ થઈ રહી હોવાથી તે ભાગી રહ્યો છે. શ્વાન ડબ્બામાંથી મોઢું કાઢવા માટે માથું હલાવ્યા કરતો હતો, પરંતુ બિચારાથી એ નીકળતું જ નહોતું.’
Mumbai Drug Case: મંત્રીના જમાઇને ન્યાયિક અટક, ડ્રગ્સ મામલ કરાઇ ધરપકડ
18th January, 2021 15:00 ISTલોકલમાં પ્રવાસી વધી રહ્યા છે, સુવિધાઓ નહીં
18th January, 2021 13:08 ISTKEM Hospital: ડૉક્ટર્સના મોબાઇલ પર કોરોના દર્દીઓની અપડેટ
18th January, 2021 12:29 ISTમુંબઈમાં કોરોનાનો વ્યાપ વધે તો આ માણસ પણ જવાબદાર
18th January, 2021 11:21 IST