મહારાષ્ટ્ર સરકારે વડી અદાલતમાં ૧૨ જાન્યુઆરીએ સબર્બન ટ્રેનોમાં જનરલ પબ્લિકને પ્રવાસની છૂટ વિશે નિર્ણય લેવાની બાંયધરી ઉચ્ચારી હતી, પરંતુ ગઈ કાલે પણ રાજ્ય સરકારે કોઈ નિર્ણય જાહેર નહીં કરતાં રેલવે તંત્રના અધિકારીઓ વિમાસણમાં પડ્યા હતા. ગઈ કાલે રેલવેના અધિકારીઓએ એ બાબતમાં રાજ્ય સરકારના અધિકારીઓ તરફથી કોઈ સૂચના ન મળી હોવાનું જણાવ્યું હતું.
રાજ્ય સરકાર લોકલ ટ્રેનોમાં લૉકડાઉન હટાવવા બાબતે ચેન્નઈ પૅટર્ન અપનાવવાનું વિચારે છે. જોકે એ બાબતે રાજ્ય સરકાર તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી. ચેન્નઈ પૅટર્નમાં પાંચ તબક્કામાં લોકલ ટ્રેન સર્વિસ જનતાને ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ છે. એમાં પ્રથમ તબક્કામાં ઇમર્જન્સી વર્કર્સ, બીજા તબક્કામાં પીક-અવર્સ ન હોય ત્યારે મહિલાઓને છૂટ, ત્રીજા તબક્કામાં જનરલ પુરુષોને પીક-અવર્સ સિવાય રાતના વખતે, ચોથા તબક્કામાં મહિલાઓ માટે ૨૪ કલાકની છૂટ અને પાંચમા તબક્કામાં રોગચાળાના લૉકડાઉન પૂર્વેની સ્થિતિ પ્રમાણે સૌને સર્વસામાન્ય રીતે પ્રવાસની છૂટની વિચારણા ચાલે છે, પરંતુ એ બાબતે રેલવે અધિકારીઓને કે અન્યોને કોઈ સત્તાવાર માહિતી અપાઈ નથી.