મુંબઈમાં આજેય લહેરાય છે, પારંપારિક ગરબાના સૂર

Published: Sep 29, 2019, 12:20 IST | ભક્તિ ડી દેસાઈ | મુંબઈ

ભવ્ય રીતે આયોજિત થતી કમર્શિયલ નવરાત્રી, કપડાં, નૃત્ય, સંગીત, ગરબા-આ બધું ઇન્ડોવેસ્ટર્ન સંસ્કરણમાં પરિવર્તિત થઈ રહ્યું છે, પણ એ છતાંય મુંબઈ જેવા મોડર્ન શહેરમાં આજે પણ પરંપરાગત નવરાત્રીનો આગ્રહ રાખનારા અને એવી જ રીતે નવરાત્રી મનાવનારા લોકો પણ છે.

મુંબઈના ગરબા
મુંબઈના ગરબા

ભારતની પરંપરાઓ અને તહેવારો પર ક્યાંક આધુનિકીકરણ અને પશ્ચિમીકરણની અસર વર્તાઈ રહી હોય એવું ઘણી બાબતોમાં જણાય છે, જેમ કે ભવ્ય રીતે આયોજિત થતી કમર્શિયલ નવરાત્રી, કપડાં, નૃત્ય, સંગીત, ગરબા-આ બધું ઇન્ડોવેસ્ટર્ન સંસ્કરણમાં પરિવર્તિત થઈ રહ્યું છે, પણ એ છતાંય મુંબઈ જેવા મોડર્ન શહેરમાં આજે પણ પરંપરાગત નવરાત્રીનો આગ્રહ રાખનારા અને એવી જ રીતે નવરાત્રી મનાવનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે.
ફક્ત વડીલો જ નહીં, પણ યુવા પેઢીમાં પણ એવા ખેલૈયા છે, જેઓ પોતાનાં વડીલોએ શરૂ કરેલી પરંપરાને નિભાવવા અને ગુજરાતમાં મૂળ સ્વરૂપમાં રમાતાં રાસ-ગરબાની સંસ્કૃતિના વારસાને મુંબઈમાં રહી આગળ ધપાવી રહ્યા છે. આ લોકો પોતાનાં બાળકોને નાની ઉંમરથી જ પારંપારિક રીતે ગરબા રમવાની પદ્ધતિ શીખવી રહ્યા છે. જે લોકો આવા વારસાગત રીતે રાસ-ગરબા રમે છે, તેઓ કમર્શિયલ ગરબામાં રમવા જવાનો શોખ ધરાવતા નથી.
સામાન્ય રીતે વારસાગત રીતે અથવા પારંપારિક ગરબાનો વિષય નીકળે તો પોતાના મકાનના પરિસરમાં અંબે માતાની છબીની ફરતે વર્તુળાકારમાં ત્રણ તાળીવાળા ગરબા રમનારી બહેનો તરત જ નજર સમક્ષ હાજર થઈ જાય! આના ઉત્તમ ઉદાહરણમાં વર્ષ ૧૯૬૦ની ફિલ્મ ‘મહેંદી તે વાવી માળવે’નો પ્રચલિત અને લોકપ્રિય ગરબો ‘મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે’, જેમાં બહેનોએ કરેલું ત્રણતાળી ગરબા લોકનૃત્ય અચૂક યાદ આવે. આજે પણ એની લોકપ્રિયતા પરથી એ ગરબો અને એ નૃત્ય વડીલોના હૃદયમાં તાજું હોય એવું લાગે છે. આ તો બહેનોની વાત છે, પણ પુરુષો પણ પરંપરાગત ગરબા રમવામાં એટલા જ માહિર હોય છે. ખૂબ જૂના તથા મૂળ પદ્ધતિથી રમાતા રાસ-ગરબામાં એવા દાવ રમાતા કે જે આજે લુપ્ત થઈ રહ્યા છે. કદાચ ઇન્ડોવેસ્ટર્ન ગરબા રમનારા આજના યુવા વર્ગે એ પદ્ધતિઓ ક્યારેય જોઈ પણ નહીં હોય. આ રીતે રમાતા ગરબા એટલી ઝડપથી રમાતા હોય છે કે દોઢ કલાકનો સમય પણ ઘણો થઈ જાય છે. કારણ, જ્યારે ઢોલના તાલ પર ઝડપી ગતિ સાથે ખેલૈયા રમે છે ત્યારે વધારે સમય રમવાની તાકાત એક યુવાન ખેલૈયામાં પણ બચતી નથી. અલબત્ત, પહેલાંના જમાનામાં લોકો આખી રાત રાસ રમતા હતા પણ ત્યારે લોકો શાંતિનું જીવન જીવતા અને આજના જીવન જેવો તણાવ એ સમયે નહોતો. આજના લોકો પાસે સમય અને શાંતિનો અભાવ છે, છતાં તેઓ અપરંપાર ઉત્સાહી છે એથી જ આખો દિવસ કામ પર જઈ, રાત્રે સજી-ધજીને ગરબા રમવા હાજર થઈ જાય છે અને ફરી બીજે દિવસે સવારે કામ પર હાજર થઈ જાય છે.
પુરુષોના ગરબાના વિવધ રૂઢિગત દાવ
મલાડ પૂર્વમાં કાઠિયાવાડી નવરાત્રી ચોકમાં એટલે કે જ્યાં ચાર રસ્તા ભેગા થાય છે, ત્યાં ૫૬ વર્ષથી પારંપારિક ગરબાની પ્રથા ચાલી રહી છે અને એમાં આજેય ખેલૈયાના ઉત્સાહમાં કે એમની સખ્યામાં કોઈ ઘટાડો નથી થયો. પોતાની અનોખી રાસ-ગરબાની પદ્ધતિ સમજાવતાં અર્જુનભાઈ પટેલ કહે છે, “અમારે ત્યાં વર્ષોથી તબલા અને મંજીરાના તાલ પર પુરુષો ગુજરાતની લોકકલા પ્રમાણે ગરબાના વિવિધ દાવ રમે છે. અહીં છેલ્લા ત્રણ દિવસમાં સ્ત્રીઓ પણ રાસ-ગરબા રમવા આવે છે, પણ આટલાં વર્ષોથી સ્ત્રી અને પુરુષો અહીં અલગ-અલગ જ રમે છે. સ્ત્રીઓએ પણ દેશી રીતે જ રમવાનું હોય છે. અહીં દેશી ગરબા ગાવાય છે અને અમારામાંથી જ અમુક સભ્યો ગાયક-ગાયિકાઓ પણ છે.”
તેઓ આગળ ચોખવટ કરતાં કહે છે, “અમારી કોઈ સંસ્થા નથી. આ પરિસરમાં પહેલાં ઘણા કાઠિયાવાડીઓ રહેતા હતા, એથી અમારા વડીલોએ ભેગા મળીને આ ઉત્સવની શરૂવાત કરી અને નામ રાખ્યું કાઠિયાવાડી નવદુર્ગા રાસમંડળ, હવે તો અહીં મહારાષ્ટ્રીયન અને બીજી નાતના લોકો પણ રમે છે, પણ એમને અમે ત્યારે જ રમાડીએ છીએ જો તેઓને અમારી રીતે રમતાં આવડે અથવા તેઓ અમારી પાસે શીખે.”
તેઓ એમની રમવાની રીત અને પહેરવેશની માહિતી આપતાં કહે છે, “અહીં અમે સાત દાવ રમીએ છીએ, જેમ કે એક દાવ છે, હથીંગો, જેમાં આમનેસામને રમતા બન્ને સાથીદારો સાપની જેમ આડા-અવળા ચાલે, ઉપરથી જોનારને સાપ ચાલતો હોય એવું દેખાય. પછી એક ચોકડી રમાય, જેમાં ચાર-ચાર જણની જોડી રમે, બીજો એક દાવ છે ‘પાછી’, જેમાં દાંડિયાથી નહીં, પણ રૂમાલ હાથમાં રાખી રમાય. આવા વિવિધ દાવ છે, જે વર્ણવવાનો નહીં પણ જોવાનો વિષય છે. અહીં અમે દાંડિયા પણ રમીએ છીએ, જે લાકડાના નથી હોતા અને સ્ટીલના હોય છે. પહેલાંના જમાનામાં સ્ટીલના દાંડિયા વપરાતા, જેથી જ્યારે તે આમને-સામને ભટકાય ત્યારે એમાંથી એક સંગીતમય ધ્વનિ ઉત્પન્ન થાય અને એનો સુમેળ તબલાના તાલ સાથે થાય અને આ મીઠા અવાજથી રાસની મજા બમણી થઈ જાય.”
અહીંના ખેલૈયા કેડિયું અને ચોયણી-આ પરંપરાગત પહેરવેશ પહેરે છે અને નવાઈની વાત એટલે એ સફેદ જ હોવા જોઈએ! સફેદ રંગના કેડિયા પર ભરતકામ કર્યું હોય તો ચાલે, પણ એ રંગબિરંગી ન હોવા જોઈએ.
અનોખી ગરબી
એમણે પોતાની હજી એક વિશેષતા વર્ણવતાં કહ્યું, “આખા મુંબઈમાં અમારી ગરબી જેવી ગરબી ક્યાંય જોવા નહીં મળે! ચાંદીનો આ ગરબો છે, જે વીજળીની મદદથી ફર્યા કરે છે, જે ૫૦ વર્ષ પહેલાં અમારા એક સભ્ય, પરષોત્તમભાઈ મિસ્ત્રીએ બનાવી છે. એવી ગરબી બીજી બનાવવી નહીં, એમ એમણે એમના પુત્રને પણ કહ્યું હતું. એક જ મોટર પર આશરે છ ફીટની આ અખંડ કારીગીરી છે, આમાં ચાર માતાજીના ફોટો છે, જે વારાફરથી સામે પ્રગટ થતાં દેખાય, એની પર રાધાકૃષ્ણ છે, અને એની પર ગરબો છે. આ ગોળ ફર્યા કરે છે. ફોલ્ડિંગ છે, જેથી એને સાચવવામાં અને એની સ્થાપના કરવામાં સરળતા રહે.”
હાલમાં અહીં આ સભ્યોનાં નાનાં બાળકો પણ આમ જ રાસ રમે છે અને આ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે.
ઢોલ-શરણાઈના તાલ પર રમાતા ગરબા
વડાલા પશ્ચિમના આઝાદ નગર નવરાત્રી ચોકમાં એક અદ્ભુત રાસ-ગરબાની ૭૨ વર્ષની પ્રથા વિષે જણાવતાં આ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ રાજગોર કહે છે, “અમારે ત્યાં કચ્છ-ભૂજથી ઢોલ અને શરણાઈવાદક આવે છે. ગરબા ગાવાની પ્રથા અમારે ત્યાં નથી. માત્ર શરણાઈ અને ઢોલના તાલ સાથે ગરબાના તાલ મેળવી પારંપારિક રીતે ચાલતા આવતા દાવ અમે રમીએ છીએ. પહેલાં અમારે સોસાયટી હતી, પછી પુનર્વિકાસ માટે પંદર વર્ષ પહેલાં એને તોડી નાખી. હાલમાં માત્ર માતાજીનો એક રૂમ અહીં રાખ્યો છે. અહીંના લોકોમાં સંપ એટલો છે કે અલગ-અલગ સ્થળે રહેવા ગયેલા સોસાયટીના લોકો નવરાત્રી રમવા હાજર થઈ જાય છે. લગભગ સો-દોઢસો ખેલૈયા અહીં રમે છે. પાંચ વર્ષનાં બાળકથી લઈને ૭૫ વર્ષ સુધીના લોકો રાસ-ગરબામાં ભાગ લે છે. હવે અહીં પાંચમી પેઢી રમી રહી છે. સપ્તમીને દિવસે જોગણીઓની આરતી થાય છે અને અષ્ટમીએ હવન અને બ્રહ્મભોજન થાય છે. ”
તેઓ આગળ પોતાના વાદકો વિષે માહિતી આપતાં કહે છે, “અહીંના ઢોલવાદક ગફૂરભાઈ અને એમનો બાર વર્ષનો પુત્ર ફાઉદ પણ ઢોલ વગાડવા આવે છે. શરણાઈવાદકનું નામ જયો છે. ગફૂરભાઈના પિતા શરણાઈવાદક હતા. આ લોકો પાંચ પેઢીથી અમારે ત્યાં આવે છે અને પોતાની કળાના માધ્યમ દ્વારા ખેલૈયાને નવરાત્રી રમાડે છે.”
હાલની નવરાત્રીની તુલના પેહેલાંની નવરાત્રી સાથે કરતાં મહેન્દ્રભાઈ કહે છે, “પહેલાં મુંબઈમાં પણ ઢોલના તાલ પર નવરાત્રી રમાતી, હવે થોડાં વર્ષોથી નવરાત્રીનું રૂપ બદલાઈ ગયું અને એને વ્યવસાયનું સ્વરૂપ લઈ લીધું, ત્યારથી સમયની પાબંદીઓ પણ આવી ગઈ.”
અત્યંત સાદાઈથી મનાવાય છે નવરાત્રી
ચીરાબજાર સ્થિત શંકરબારી લેનના નવયુગ મિત્રમંડળનાં યોગેશભાઈ કાનાબાર કહે છે, “છેલ્લાં ૬૦ વર્ષોથી પણ વધારે સમયથી અમારે ત્યાં ખૂબ જ સાદાઈથી અંબે માતાજીની વર્ષો જૂની એક ફૂટની ધાતુની મૂર્તિ અને ગરબીની સ્થાપના કરીને એની ફરતે રેકોર્ડમાં ગુજરાતી ગરબાઓ વગાડી રાસ રમાય છે. નવ દિવસ માટે વિવિધ ડ્રેસકોડ રાખવામાં આવે છે. અહીં ગરબા પછી નાસ્તાની વ્યવસ્થા પણ હોય છે. દર દિવસે સોસાયટીના અલગ-અલગ નિવાસીઓની આરતી હોય છે અને જે દિવસે જેમની આરતી હોય, એ દિવસે એમના તરફથી ખેલૈયા માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે. લોકોનો ઉત્સાહ બનાવી રાખવા હરીફાઈ તથા ઇનામ આપવામાં આવે છે. અહીં આશરે ૧૫૦ જણ રાસ-ગરબામાં સહભાગી થાય છે.
નવરાત્રીને બહાને લોકો મળે છે
કાંદીવલી કમલા નગર સોસાયટીના એક સભ્ય ભરતભાઈ શ્રોફ જણાવે છે, “અમારે ત્યાં મૂર્તિની સ્થાપના પહેલેથી સોસાયટીની ઑફિસમાં કરેલી જ છે, દસ દિવસ માટે અમે આ મૂર્તિને બહાર લાવી સાદાઈથી નવરાત્રી મનાવી ફરી પાછી અંદર મૂકી દઈએ છીએ. અમારી સોસાયટીમાં ગાર્ડન છે. એથી માતાજીને આરતી-સ્તવન કરી, બહેનો પાંચ ગરબા કરે છે, પછી જેમની જે ઇચ્છા હોય એ પ્રમાણે વડા-પાંવ, સમોસા મંગાવીએ છીએ. લગભગ સવાસો જેટલાં બાળકો, યુવાનો, વડીલો ભેગા મળે અને નવરાત્રીમાં એકબીજા સાથે સમય પણ વિતાવે. અમે ગરબાનો અવાજ એટલો ધીમો રાખીએ કે માત્ર અમારા ગાર્ડનમાં જ સંભળાય, એથી કોઈને તકલીફ થાય એવો પ્રશ્ન પણ નથી આવતો.
ભરતભાઈ એમની સોસાયટીમાં નવરાત્રીમાં થતા વિવિધ કાર્યક્રમો વિષે કહે છે, “અમે અષ્ટમીએ નાનો અન્નકૂટ કરીએ છીએ. દરેક જણ પોતપોતાની સ્વેચ્છાએ મીઠાઈ, ફળ, ચોકલેટ, એમ જે લાવવું હોય એ ભોગ ધરાવે છે. સાદાઈથી મનાવાતી આ નવરાત્રી માટે અમે ખાસ ફાળો જમા નથી કરતા. દાનપેટી રાખીએ, જેને યથાશક્તિ જે આપવું હોય એ આપે અને બાકી ખર્ચો થોડા વડીલો અને યુવાનો મળીને ભોગવી લે છે. દશેરાનો ખર્ચો સોસાયટીનો હોય છે, અને એ બહાને એક ગેટ-ટુ-ગેધર થાય છે. બધા મળી શકે અને નવરાત્રી ઉજવી શકાય એ જ ઉદ્દેશ છે.”
જેસલમેરના વાજેશ્વરી માની
ભાઈંદર પશ્ચિમમાં મેક્સસ મોલની બાજુમાં આવેલી સદાસત્ય અપાર્ટમેંટ અને પુષ્પાનિકેતન અપાર્ટમેંટ, આ બે સોસાયટીની વચ્ચે સાદાઈથી છતાં મોટા પાયે અહીં નવરાત્રી મહોત્સવ મનાવાય છે. અહીં જેસલમેરનાં માતાજીની સ્થાપના થાય છે. એમની માહિતી આપતાં શિવકીર્તિ મિત્રમંડળના અધ્યક્ષ બીપીનભાઈ પોસારિયા કહે છે, “અમારે ત્યાં બાળકો ગરબા રમે છે અને પૂજાપાઠ અને ભક્તિ પર વધારે ભાર દેવામાં આવે છે. અમારી પ્રથા માતાજીના ગરબા પર જ રાસ-ગરબા રમવાની છે. ”
એમનાં માતાજી વિષે માહિતી આપતાં બિપીનભાઈ કહે છે, “અમારે ત્યાં વાજેશ્વરી માતાજીની આઠ ફૂટની મૂર્તિની સ્થાપના થાય છે. આ માતાજી મહાકાલીનું જ બીજું સ્વરૂપ છે. જેસલમેરમાં આ માતાજીનું નવું મંદિર બની રહ્યું છે અને માતાજી પણ ત્યાનાં જ છે. આ વર્ષે એમનું સ્વરૂપ જલદેવીનું હશે અને ગયા વર્ષે દશ ભૂજાવાળાં માતંગી માંનું સ્વરૂપ હતું. અમારો મૂર્તિકાર એક જ છે, જે આ માતાજીની મૂર્તિ બનાવે છે. અહીં કુમારિકા ભોજન તથા મહાપ્રસાદ ભંડારો જેવા કાર્યક્રમો પણ કરવામાં આવે છે.
એક તરફ પરંપરાથી ચાલતી આવતી નવરાત્રી અને બીજી તરફ કમર્શિયલ નવરાત્રી. કોણે ક્યાં જવું અને શું કરવું એ દરેકની પોતપોતાની પસંદગી છે, પણ એક વાત ચોક્કસ છે કે જે લોકો ગરબાનાં મૂળ સ્વરૂપનું આજે પણ જતન કરી રહ્યા છે અને એ સંસ્કૃતિનો લાભ અને એ કળા આગળની પેઢીને આપી રહ્યા છે એમનું યોગદાન આપણા સમાજમાં જ નહીં, પણ ભારતમાં નોંધપાત્ર ગણાશે. કારણ, તેઓ ભારતની કળાને લુપ્ત થવાથી બચાવી રહ્યા છે.
ફક્ત મુંબઈમાં જ નહીં, પણ જે ભારતીય ગુજરાતી, વિદેશમાં રહે છે તેઓ પણ ગરબાની મજા માણવા તથા એમના બાળકોને ધાર્મિક સંસ્કાર અને સંસ્કૃતિ મળે એથી નવરાત્રી ઉત્સવ મનાવે છે. ખાસ કરીને, કૅલિફોર્નિયા, ન્યૂ જર્સી અને ટેક્સસમાં વધારે પ્રમાણમાં નવરાત્રી મનાવાય છે. સમયના અભાવથી અને વિવિધ બંધનોને કારણે ઘણી પરંપરા લુપ્ત થતી હોય એવું દેખાય છે, પણ નવરાત્રીની પરંપરાનો રંગ ક્યારેય ફીકો નહીં પડે. નવરાત્રી ઉત્સવ વિવિધ સંસ્કૃતિ અને નાત-જાતનાં લોકોને જોડવાની આ ઉત્તમ કડી બની ગઈ છે.

mataji

 ૭૪ વર્ષોથી રમાય છે ગરબા

દક્ષિણ મુંબઈના શ્રી રામવાડી નવરાત્રી મંડળ, કાલબાદેવીના કાર્યકર્તાઓના કહેવા મુજબ ૭૪ વર્ષોથી તેઓ રાસ-ગરબાની મૂળ પદ્ધતિ અનુસાર નવરાત્રી મનાવતા આવ્યા છે. અહીંની વિશેષતા એ છે કે અહીં ૪૫ કિલો ચાંદીની ગરબીની સ્થાપના કરાઈ છે. આ સ્થળે માતાજીની છબી મૂકી પરંપરાગત રીતે ગરબા રમાય છે. આ મંડળ શરૂઆતથી જ ગરબા રમવા આવનારાં બહેનો અને બાળકોને વિવિધ વસ્તુઓની લ્હાણી કરે છે. અહીં સાદાઈથી રાસ-ગરબા રમાય છે, છતાં એમના કહેવા મુજબ વિવિધ ક્ષેત્રોની હસ્તીઓ અહીં હાજરી આપે છે. અષ્ટમીને દિવસે તેઓ ખેલૈયાને અમુક રંગનાં કપડાં પહેરવાની ફરજ પાડે છે, કરણ એ એક દિવસ તેઓ હરીફાઈનું આયોજન કરે છે. રમનારાઓનો ઉત્સાહ બનાવી રાખવા તેઓ બધાને જ આશ્વાસન ઇનામ આપે છે. એ ઉપરાંત સ્ત્રી, પુરુષ અને બાળકો એમ દરેક કક્ષામાં ત્રણ વિજેતાઓને જાહેર કરી એમને ઇનામ આપે છે.
આ ગરબાની શરૂઆત ૭૪ વર્ષ પહેલાં એક નિવાસી પુરુષોત્તમ શેઠે કરી. તેઓ લૉટરી વહેંચવાનો વેપાર કરતા અને એમાંથી થોડા પૈસા બચાવી એમણે અને અન્ય લોકોએ મળીને ૪૫ કિલો ચાંદીની ગરબી બનાવી અને આજે તેઓ માટે એમની આ ગરબી મોટી પૂંજી છે.
રામવાડી ભાજીગ્લ્લીમાં શ્રી નવકેતન મિત્રમંડળના અધ્યક્ષ ચંદ્રકાંતભાઈ પરમાણી માહિતી આપતાં કહે છે, “છેલ્લાં ૪૦ વર્ષોથી અહીં રાસ-ગરબા થાય છે. અમારી લેનનાં બિલ્ડિંગોના લોકો અહીં સહભાગ લે છે. પુરુષો દાંડિયા રમે છે. સ્ત્રીઓ પણ જૂની પદ્ધતિ પ્રમાણે રાસ-ગરબા રમે છે. દર વર્ષે સ્ત્રીઓની ઉંમરને આધારે ત્રણ જૂથ બનાવી હરીફાઈ યોજાય છે અને ઇનામ પણ આપવામાં આવે છે. માતાજીની ચાંદીની મૂર્તિ સાથે જૂની પ્રથાનુસાર ગરબા રમાય છે અને અમને આજે પણ બસો ખેલૈયાનો પ્રતિસાદ મળે છે.”

ગ્રીટિંગ કાર્ડનાં માતાજીમાંથી થયું નવરાત્રી ઉત્સવનું આયોજન
સાદાઈથી અને જૂની રીતે ગરબા રમવાની પ્રથા માત્ર વડીલોએ જ શરૂ કરી એવું નથી, અંધેરી પૂર્વ તરુણભારત સોસાયટીના ૨૮ વર્ષના કૉરિયૉગ્રાફર અંકિત શાહે ૧૬ વર્ષ પહેલાં એટલે કે ૧૧ વર્ષની કૂમળી વયમાં એક બાળક તરીકે નવરાત્રીની શરૂઆત કરી હતી અને એમણે આ ઉપક્રમ લાગ-લગાટ દર વર્ષે મહેનત કરી ચાલુ રાખ્યો અને હવે અહીં સાદાઈથી રમાતી આ નવરાત્રી રમવા માટે બાળકો, યુવાનો અને વડીલો, આમ બધી જ ઉંમરના ખેલૈયા આવે છે.

અંકિતભાઈ પોતાની આટલી નાની ઉંમરમાં આ પ્રથા શરૂ કરવાની રસપ્રદ કથા વર્ણવતાં કહે છે, “મારો એક મિત્ર જ્યાં રહેતો હતો, ત્યાં એમની સોસાયટીના પરિસરમાં ગરબાનું આયોજન થતું અને બધા નીચે આવીને ગરબા રમતા. મને નૃત્યનો નાનપણથી જ ખૂબ શોખ હતો, પણ ગરબા રમતાં આવડતું નહીં. હું ખૂબ નાનો હોવાથી મને કોઈ ગરબા રમવા લઈ જતું નહોતું. ઇચ્છાશક્તિ એવી વસ્તુ છે કે જે અશક્યને પણ શક્ય કરી દે છે. મારી નવરાત્રીમાં રાસ રમવાની તીવ્ર અભિલાષા, નવરાત્રીનાં આયોજનમાં પરિવર્તિત થશે એ મેં સ્વપ્ને પણ નહોતું વિચાર્યું. બન્યું એવું કે મને નાનપણમાં ગ્રીટિંગ કાર્ડનો સંગ્રહ કરવાનો અનેરો શોખ હતો. એક દિવસ અંબે માના ફોટોવાળું એક ગ્રીટિંગ કાર્ડ મારી પાસે આવ્યું, જે ખૂબ જ સુંદર અને આકર્ષક હતું, મને એટલું ગમી ગયું કે મેં મારી સોસાયટીમાં એક ટૅબલ પર એ કાર્ડ મૂક્યું, એમની સમક્ષ દીવો પ્રગટાવ્યો અને અમુક મિત્રોએ અને મેં સાથે મળી ગરબા રમવાનું શરૂ કર્યું. બસ, એ વર્ષથી આજ સુધી આ પ્રથા સતત ચાલતી આવી છે. હવે અમે માતાજીનો એક મોટો ફોટો પણ બનાવ્યો છે, આજે પણ પૂજા-આરતી માટે મુખ્ય છબી તરીકે મારી નાની ગ્રીટિંગ કાર્ડવાળી મઢાવેલી છબી જ મૂકવામાં આવે છે. હવે અમે અષ્ટમીનો હવન કરીએ છીએ. આખી નવરાત્રીનું આયોજન નાના પાયે કરીએ છીએ, એથી નવરાત્રી મનાવવા અમારી પાસે ખાસ મોટી રકમ નથી હોતી, પણ અમે મિત્રો મળીને અથવા અહીં વિસ્તારની અમુક હસ્તીઓ પણ થોડી મદદ કરે છે અને આમ ખર્ચો નીકળી રહે છે. જે રીતે ફાળો આવે, એ પ્રમાણે અમે એનો સદુપયોગ કરીએ છીએ.”

નવરાત્રીના આયોજન માટે ઘણી સુવિધાઓ કરવી પડે છે, આગળથી નિયોજન કરવું પડે છે. અહીં એક વાત ખૂબ જ સકારાત્મકતા સાથે સામે આવે છે કે આ બધા નિર્ણયો લેવા માટે વડીલો, યુવા પેઢી અને બાળકો વ્યસ્તતામાંથી સમય કાઢી આ પરંપરાનું જતન કરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK