મુલુંડમાં કચ્છી લોહાણા વેપારીનો પંદરમા માળેથી મોતનો કૂદકો

Published: Sep 20, 2019, 07:21 IST | મુંબઈ

મનીષ ઠક્કરનું શૅરબજારનું કામકાજ હતું : છ મહિનાથી ડિપ્રેશનમાં હતો

મનીષ ઠક્કર
મનીષ ઠક્કર

મુલુંડ-પશ્ચિમના વૈશાલીનગરમાં રહેતો ૪૬ વર્ષનો કચ્છી લોહાણા વેપારી ૧૫મા માળના ટાવરની ટેરેસ પરથી કૂદીને આત્મહત્યા કરતાં સનસનાટી મચી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં તેને મુલુંડની એમટી અગ્રવાલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. ડિપ્રેશનને કારણે તેણે જીવન ટૂંકાવ્યું હોવાનું પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મુલુંડ પોલીસે આત્મહત્યાનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરીને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો.

મુલુંડ-પશ્ચિમના વૈશાલીનગરમાં આવેલા દૈવત ટાવરની ‘બી’ વિન્ગના છઠ્ઠા માળે ૬૦૩ નંબરના ફ્લૅટમાં રહેતા મનીષ મગનલાલ રાયમગિયા (ઠક્કર)એ ગઈ કાલે ટાવરની ટેરેસ પરથી ઝંપલાવીને મોતને વહાલું કર્યું હતું. મનીષ જે ટાવરમાં રહેતો હતો એ જ ટાવરમાં ભોંયતળિયે તેની શૅરબજારની ઑફિસ છે. મનીષ ઠક્કરનો શૅરમાર્કેટમાં બિઝનેસ હતો અને છેલ્લા ૬ મહિનથી તે ડિપ્રેશનમાં હતો, એવું મુલુંડપોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રવિ સરદેસાઈએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.

મુલુંડ પોલીસ-સ્ટેશનના તપાસ અધિકારી એપીઆઇ વાલ્મીક શિંદેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘શૅરબજારનું કામકાજ કરતા અને મુલુંડ-પશ્ચિમના વૈશાલીનગરના દૈવત ટાવરમાં રહેતા મનીષ ઠક્કરે ગઈ કાલ ટાવરની ટેરેસ પરથી ઝંપલાવ્યું હતું. અમને કોઈ સુસાઇડ-નોટ મળી ન હોવાથી આત્મહત્યાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. ૧૫ માળના મકાનની ટેરેસ પરથી ઝંપલાવનાર મનીષ ઠક્કરનો મૃતદેહ બિલ્ડિંગના પરિસરમાં લોહીના ખાબોચિયામાં પડ્યો હતો. તેના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ વિશે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’

મનીષ ઠક્કર પત્ની અને બે સંતાનો સાથે રહેતો હતો. મનીષ સાંજે પાંચ વાગ્યે ઑફિસથી ઘરે જવાને બદલે સીધો ટેરેસ પર ગયો હતો અને ત્યાંથી તેણે છલાંગ મારી હતી. મનીષ જ્યાં રહેતો હતો એ ટાવરની સામે સ્વપ્નનગરી સોસાયટીમાં તેનાં માતા-પિતા રહે છે. મનીષ ઠક્કરના મામલે પોલીસે આત્મહત્યાનો કેસ નોંધીને ઠક્કરના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો : 500 ચોરસફુટ સુધીનાં ઘરોનો પ્રૉપર્ટી ટૅક્સ માફ : હજી પ્રૉપર્ટી બિલ્સ નથી મોકલાયા

મનીષ ઠક્કરે વૉચમૅન પાસેથી ટેરેસની ચાવી લીધી હતી

દૈવત ટાવરમાં ‘એ’ અને ‘બી’ એમ બે વિન્ગ છે. બન્ને વિન્ગને સાંકળતી ટેરેસના દરવાજા અલગ-અલગ છે. બન્ને વિન્ગની ટેરેસના દરવાજાને હંમેશાં તાળાં મારેલાં હોય છે અને એની ચાવી બિલ્ડિંગના વૉચમૅન પાસે હોય છે. મનીષે બિલ્ડિંગના વૉચમૅન પાસેથી ટેરેસની ચાવી માગી હતી. વૉચમૅને ચાવી આપ્યાના થોડા સમય બાદ બિલ્ડિંગ પરિસરમાં મનીષ ઠક્કર લોહીના ખાબોચિયામાં પડ્યો હતો. પોલીસે વૉચમૅનની પણ પૂછપરછ કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK