મુંબઈ : મસાલા માર્કેટના વેપારીના પરિવારને નડ્યો કાર-અકસ્માત

Published: 28th November, 2020 10:52 IST | Rohit Parikh | Mumbai

જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહેલા દોઢ વર્ષના બાળક માટે પૂજા-અર્ચના અને નમાજ

રોડ-ઍક્સિડન્ટમાં કચ્ચરઘાણ થઈ ગયેલી તેમની કાર
રોડ-ઍક્સિડન્ટમાં કચ્ચરઘાણ થઈ ગયેલી તેમની કાર

ગુજરાતના ઇડર ગામમાં કુળદેવીનાં દર્શનાર્થે અને પૌત્રના બાબરી પ્રસંગે ગયેલા નવી મુંબઈની એપીએમસી માર્કેટના મસાલાના અગ્રણી વેપારી પંચાવન વર્ષના અમરીશ બારોટનો પરિવાર ગયા શનિવારે તેમની કારમાં મુંબઈ પાછો ફરી રહ્યો હતો ત્યારે ગુજરાતના હિંમતનગર પાસે એક ટ્રક કાર સાથે અથડાતાં કારમાં બેઠેલાં અમરીશ બારોટનાં પત્ની રીટાબહેન અને તેમનો પૌત્ર નમન ગંભીર ઈજા પામ્યાં હતાં. કાર અકસ્માતને કારણે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહેલા નમનના દીર્ઘ આયુષ્ય માટે નાશિક અને અમદાવાદના સ્વામ‌ીનારાયણ મંદિરમાં નમનના નામે અભિષેક, મહામૃત્યુંજય જાપ અને હવન ચાલી રહ્યા છે. કોરોનાને લીધે સામૂહિક કાર્યક્રમો યોજ્યા વગર નવી મુંબઈથી લઈને અમેરિકા સુધી બારોટ પરિવારના હિતેચ્છુઓ, એપીએમસી માર્કેટના વેપારીઓ પ્રાર્થના કરી રહ્યા છે. સૌથી મહત્ત્વનું તો એ છે કે સાઉથમાં એક મુસ્લિમ વેપારી મીરાસાહેબ નમન બારોટ વહેલી તકે કટોકટીમાંથી બહાર આવી જાય એ માટે નમાજ અદા કરી રહ્યા છે.

masala

ઇડરમાં આવેલા કુળદેવીના મંદિરમાં દોઢ વર્ષના નમન સાથે અમરીશ બારોટ અને તેમનો પરિવાર

અમરીશ બારોટ તેમના પંચાવન વર્ષનાં પત્ની રીટાબહેન, પુત્ર ધ્રુવ, પુત્રવધૂ શૈલી અને પૌત્ર નમન સાથે નવી મુંબઈથી કાર લઈને દિવાળીના તહેવારોમાં ૧૪ નવેમ્બરે નીકળીને ગુજરાતના ઇડર ગામમાં આવેલા તેમના કુળદેવી ભામરેશ્વરી માતાના મંદિરે તેમના પૌત્ર નમન માટે રાખેલી માનતા પૂરી કરવા અને નમનના બાબરી (વાળ ઉતારવા) પ્રસંગ માટે ગયા હતા.

અમરીશ બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લીંબડિયા ગામ નજીક નૅશનલ હાઇવે પર અમારી કાર ડ‌િવાઇડર પર ચડી ગઈ હતી. હું અને પુત્ર ધ્રુવ કારમાં આગળ બેઠા હતા, જ્યારે પાછળની સીટમાં બેસેલાં પત્ની રીટા અને મારો પૌત્ર નમન લોહીલુહાણ થઈ ગયાં હતાં. નમનની હાલત ગંભીર હતી. અમે નમનને નરોડાની ઍપલ ચિલ્ડ્રન હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યારે રીટાને ઍમ્બ્યુલન્સમાં પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી.’

આ બનાવને યાદ કરીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડતાં અમરીશ બારોટે ઉમેર્યું હતું કે ‘રીટા તો મોતના મુખમાંથી પાછી આવી ગઈ છે, પણ મારો લાડકવાયો નમન અત્યારે હૉસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. માથાનાં બે ઑપરેશન કરવામાં આવ્યાં છે. ડૉક્ટરે અમને ૭૨ કલાકનો સમય આપ્યો છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK