Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જાંબલી ગલીના દેરાસરમાં શત્રુંજય તીર્થની પ્રતિકૃતિરૂપ પટ બનાવાયો

જાંબલી ગલીના દેરાસરમાં શત્રુંજય તીર્થની પ્રતિકૃતિરૂપ પટ બનાવાયો

01 December, 2020 10:47 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

જાંબલી ગલીના દેરાસરમાં શત્રુંજય તીર્થની પ્રતિકૃતિરૂપ પટ બનાવાયો

બોરીવલીની જાંબલી ગલીના દેરાસરમાં જુહારવામાં આવેલો શત્રુંજય પટ.

બોરીવલીની જાંબલી ગલીના દેરાસરમાં જુહારવામાં આવેલો શત્રુંજય પટ.


કોરોનાએ અનેકના જીવનમાં તો ઘણી ધાર્મિક પ્રવૃત્તિઓને પણ પરિવર્તિત કરી દીધી છે. બોરીવલી (વેસ્ટ)ની જાંબલી ગલીમાં આવેલી સંભવનાથ જૈન દેરાસર પેઢીએ પણ ગઈ કાલના કાર્તિકી પૂર્ણિમાના પ્રસંગને નૅશનલ પાર્કના ત્રિમૂર્તિ પાસે આવેલી ગાંધી ટેકરીને બદલે જાંબલી ગલીના દેરાસરમાં ઊજવવો પડ્યો હતો. આ પેઢીની પચાસ વર્ષ પછી ઉજવણીની પરંપરામાં પરિવર્તન કરવું પડ્યું હતું. આ પેઢી તરફથી પચાસ વર્ષથી કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભાવનગર પાસે આવેલા શત્રુંજય જૈન તીર્થની આબેહૂબ પ્રતિકૃતિરૂપી શત્રુંજય પટ જુહારવામાં આવે છે જેનાં દર્શનનો હજારો ભાવિક જૈનો લાભ લેતા હતા. જ્યારે ગઈ કાલે શત્રુંજય પટને દેરાસરમાં જુહારીને આ પ્રસંગ ઊજવવામાં આવ્યો હતો જેમાં ત્રણ હજાર શ્રદ્ધાળુઓને બુંદીના લાડવાની પ્રભાવના કરવામાં આવી હતી.

ચાતુર્માસની પૂર્ણાહુતિ કાર્તિકી પૂનમને દિવસે થાય છે. જૈનોના શત્રુંજય તીર્થમાં ચાતુર્માસ પછીની યાત્રાનો પ્રારંભ કરવામાં આવે છે. ચોમાસાના ચાર મહિના બહુમતી જૈન સાધુ-સાધ્વીઓ અને જૈન શ્રદ્ધાળુઓ શત્રુંજય તીર્થની યાત્રા કરતાં નથી. આથી કાર્તિકી પૂનમના દિવસે હજારો જૈનો શત્રુંજય યાત્રા કરવા જાય છે. એની સાથે દેશભરનાં જૈન દેરાસરોમાં આ મહત્ત્વના દિવસે શત્રુંજય પટ જુહારવામાં આવે છે. જે જૈનો શત્રુંજય તીર્થ યાત્રા કરવા પહોંચી શકતા નથી તેઓ તેમના નજદીકનાં દેરાસરોમાં અને જ્યાં જૈનોના પ્રથમ તીર્થંકર અને શત્રુંજય તીર્થના મૂળનાયક આદીશ્વર ભગવાન મૂળ નાયક હોય એવાં ધાર્મિક સ્થળોએ જઈને શ્રાવક-શ્રાવિકાઓ શત્રુંજય પટનાં દર્શનનો લાભ લે છે.

શત્રુંજય તીર્થ ડુંગર પર હોવાથી એની મહત્તા જળવાઈ રહે એ માટે બોરીવલી (વેસ્ટ)નો જાંબલી ગલી જૈન સંઘ છેલ્લાં પચાસ વર્ષોથી કાર્તિકી પૂર્ણિમાના દિવસે નૅશનલ પાર્કની ગાંધી ટેકરી પર શત્રુંજય પટ જુહારતો આવ્યો છે, જેનાં દર્શન બોરીવલી અને આસપાસનાં ઉપનગરોના હજારો જૈન શ્રદ્ધાળુઓ ટેકરી પર કરવા જતા હતા. સંઘમાં ચાતુર્માસ માટે બિરાજમાન સાધુસંતો આ દિવસે સંઘના શ્રદ્ધાળુઓ સાથે વાજતે-ગાજતે ગાંધી ટેકરી પર જતા હતા. ત્યાં જઈને જરૂરી ધાર્મિક ક્રિયાઓ કરીને કાર્તિકી પૂનમની ઉજવણી કરાવતા હતા. આ પ્રસંગે સંઘ તરફથી દર્શનાર્થીઓ માટે સાકરનું પાણી, કેસરનું દૂધ અને સેવ-ગળી બુંદીની વ્યવસ્થા કરવામાં આવતી હતી. આમ આ પ્રસંગની ગાંધી ટેકરી પર ભવ્ય ઉજવણી ગઈ કાર્તિકી પૂર્ણિમા સુધી કરવામાં આવતી હતી.



જોકે ગઈ કાલના કાર્તિકી પૂર્ણિમાના દિવસે કોવિડની પરિસ્થિતિમાં અમારા આયોજનમાં ફેરફાર કરવામાં આવ્યા હતા એવી માહિતી આપતાં સંભવનાથ જૈન દેરાસર પેઢીના મૅનેજિંગ ટ્રસ્ટી સ્નેહલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારના સંજોગોએ અમારી પચાસ વર્ષ જૂની પરંપરામાં પરિવર્તન કરવું પડ્યું હતું. અમારા સંઘમાં ચાતુર્માસ માટે બિરાજમાન આચાર્ય ધર્મસૂરીશ્વરજી મહારાજસાહેબના સમુદાયના આચાર્યશ્રી રાજરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ, આચાર્યશ્રી રશ્મિરત્ન મહારાજસાહેબ અને સાધ્વીશ્રી વિશ્વરત્નાશ્રીજીની નિશ્રામાં કાર્તિકી પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. અમે સાધુભગવંતોના આદેશથી અમારા ઉપાશ્રયમાં જ શત્રુંજય પટ જારીને શ્રદ્ધાળુઓને શત્રુંજય પટનાં દર્શન કરાવ્યાં હતાં. આ પ્રસંગે અમારા સંઘની પ્રથા પ્રમાણે અમે લાડવાની પ્રભાવના કરી હતી, જેનો ત્રણ હજાર ભાવિકજનોએ સરકારના કોવિડના નિયમોનું પાલન કરીને લાભ લીધો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

01 December, 2020 10:47 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK