મુંબઈ: આગામી 48 કલાકમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Published: 29th July, 2020 07:28 IST | Mumbai correspondent | Mumbai

સતત બીજે દિવસે મન મૂકીને વરસાદ વરસ્યો, તળ મુંબઈમાં ૪ ઇંચ, તો પરામાં બે-ત્રણ ઇંચ પાણી પડ્યું

પરેલમાં ગઈ કાલે વરસાદનાં પાણી ભરાતાં ધીમી ગતિએ ચાલતો વાહનવ્યવહાર.
પરેલમાં ગઈ કાલે વરસાદનાં પાણી ભરાતાં ધીમી ગતિએ ચાલતો વાહનવ્યવહાર.

મુંબઈમાં ગઈ કાલે બીજા દિવસે પણ વરસાદે સારી હાજરી નોંધાવી હતી. દિવસ દરમ્યાન ૧૨ કલાકમાં તળ મુંબઈમાં ૪ ઇંચ, તો પરા વિસ્તારમાં ૨-૩ ઇંચ જેટલું પાણી પડ્યું હતું. હવામાન વિભાગે આગામી ૪૮ કલાકમાં હળવાથી ભારે તો ૧ ઑગસ્ટથી કોકણની સાથે મુંબઈ, થાણે, નવી મુંબઈમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી કરી છે.

મુંબઈમાં ગઈ કાલે વહેલી સવારથી વરસાદ પડવાની શરૂઆત થવાથી વાતાવરણમાં ઠંડક છવાઈ જવાની સાથે નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. હવામાન ખાતાની આ અઠવાડિયામાં સારા વરસાદની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે. તળ મુંબઈના હિન્દમાતા, દાદર, પરેલ, વરલી સહિતના વિસ્તારોમાં ચાર ઇંચ જેટલો વરસાદ થવાથી પાણી ભરાયાં હતાં.

હવામાન ખાતાએ જણાવ્યા મુજબ તળ મુંબઈમાં દિવસના ૧૨ કલાક દરમ્યાન ૯૪.૨૮ મિમી એટલે કે ૪ ઇંચ જેટલો તો દહિસર, બોરીવલી, કાંદિવલી અને મલાડમાં ૫૮ મિમીથી ૮૩ મિમી જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે સેન્ટ્રલ મુંબઈમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હતું. મુંબઈને અડીને આવેલા થાણે અને નવી મુંબઈમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. આ ચોમાસામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેતાં મુંબઈને પાણી પૂરું પાડતાં તળાવોમાં જૂજ પાણી બચ્યું હોવાથી જો ચોમાસાના આગળના રાઉન્ડમાં વરસાદ નહીં પડે તો પાણીની ગંભીર સમસ્યા ઊભી થવાની શક્યતા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK