રાતના ૧૧થી ૭ તમારી સ્પીડ પર નજર

Published: 7th December, 2011 06:15 IST

રૅશ ડ્રાઇવિંગ સામે સ્ટેટ ટ્રાન્સર્પોટ ડિપાર્ટમેન્ટની ખાસ ઝુંબેશ : મોડી રાત અને વહેલી સવારે થતા મોટા ભાગના ઍક્સિડન્ટ જીવલેણ નીવડતા હોવાથી લેવાયેલો નિર્ણય(શશાંક રાવ)

મુંબઈ, તા. ૭

આડેધડ ડ્રાઇવિંગ કરતા ચાલકોને જોઈને રાહદારીઓ અને બીજા વાહનચાલકોના પેટમાં ફડકો પેસે છે. આ પ્રકારના આડેધડ ડ્રાઇવિંગને લગતી હકીકત એ છે કે મોડી રાત્રે અને વહેલી સવારે બેજવાબદારીભર્યા ડ્રાઇવિંગને કારણે થતા અકસ્માતો સૌથી વધારે જીવલેણ સાબિત થાય છે. આ સમસ્યાને ધ્યાનમાં લઈને રાજ્યના ટ્રાન્સર્પોટ ડિપાર્ટમેન્ટ દ્વારા રાતે અગિયારથી સવારે સાત વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન આડેધડ ડ્રાઇવિંગ વિરુદ્ધ ખાસ ડ્રાઇવ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પગલું જાન્યુઆરી મહિનાથી શરૂ થનારા રોડ સેફ્ટી ફોર્ટનાઇટ ૨૦૧૨ અંતર્ગત લેવામાં આવ્યું છે. તાજેતરમાં ઉપલબ્ધ આંકડા પ્રમાણે જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૧૦માં મુંબઈમાં ૨૩,૪૯૯ જેટલા અકસ્માતો નોંધાયા છે, જેમાં ૫૪૯ લોકો મૃત્યુ પામ્યા છે અને ૪૮૯૬ લોકોને ઈજા થઈ છે. આ આંકડા જોઈને જ ટ્રાન્સર્પોટ ડિપાર્ટમેન્ટે અકસ્માતો થતા અટકાવવા આ ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું છે. આ મુદ્દે વાત કરતાં સ્ટેટ ટ્રાન્સર્પોટ કમિશનર વી. એન. મોરેએ કહ્યું હતું કે ‘અમે મોડી રાત્રે થતા અકસ્માતો પર અંકુશ મૂકવા માગીએ છીએ. સામાન્ય રીતે મોટા ભાગના ઍક્સિડન્ટ મોડી રાત્રે અથવા તો વહેલી સવારે જ થતા હોય છે. અકસ્માતનો ભોગ બનતાં વાહનોમાં મોટા ભાગે ટ્રક, ટૅન્કર, રિક્ષા અને બસનો સમાવેશ છે.’

અકસ્માત સાથે સંકળાયેલા આંકડાઓ વિશે વાત કરતાં રીજનલ ટ્રાન્સર્પોટ ઑફિસ (આરટીઓ) સાથે સંકળાયેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘હકીકતમાં દિવસે કેટલા અકસ્માત થાય છે અને રાત્રે કેટલા અકસ્માત થાય છે એની સ્પષ્ટતા કરતા કોઈ ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી. ઍક્સિડન્ટની યોગ્ય તપાસપ્રક્રિયા તરફ હંમેશાં ઉદાસીનતા સેવવામાં આવે છે, જેને કારણે ઍક્સિડન્ટના રેકૉર્ડ યોગ્ય રીતે જળવાતા નથી. તપાસ કરવા સાઇટ પર ગયેલી પોલીસ પણ હંમેશાં ભારે વાહનના ડ્રાઇવર વિરુદ્ધ જ ગુનો નોંધે છે, પછી ભલે વાંક નાના વાહનચાલકનો કેમ ન હોય. સામાન્ય રીતે દિવસ અને રાત્રે થતા અકસ્માતોનું પ્રમાણ સરખું હોય છે. જોકે એ વાત અલગ છે કે દિવસના સમયે  રસ્તા પર ટ્રાફિકનું પ્રમાણ ૮૫ ટકા જેટલું હોય છે, જે રાતના સમયે ઘટીને ૧૫ ટકા જેટલું જ થઈ જાય છે.’

ટ્રાફિક-પોલીસનું શું કહેવું છે?

મુંબઈ ટ્રાફિક-પોલીસના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ નંદકુમાર ચૌગુલેએ આડેધડ ડ્રાઇવિંગ વિરુદ્ધ શરૂ થનારી ડ્રાઇવ વિશે કહ્યું હતું કે ‘હકીકતમાં દરેક વાહનચાલકની વ્યક્તિગત ફરજ છે કે તે રાતના સમયે પણ ટ્રાફિકના નિયમોનું બરાબર પાલન કરે. રાતના સમયે પણ મહત્વના સમયે લાલ સિગ્નલ લાગેલું હોય ત્યારે વાહનચાલકની ફરજ છે કે તે સિગ્નલનું બરાબર પાલન કરે. કેટલાંક જંક્શન પર કેસરી લાઇટ હોય તો વાહનચાલકે એના નિયમનું પાલન કરીને વાહન ધીમું ચલાવવું જોઈએ.’

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK