૨૬ જાન્યુઆરીએ ગણતંત્ર દિવસને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે શનિવારે તમામ ૧૨ ઝોનમાં ઑલ આઉટ ઑપરેશન હાથ ધર્યું હતું. સામાન્ય રીતે ગણતંત્ર દિવસ, સ્વાતંત્ર્ય દિવસ, દિવાળી, નવરાત્રિ, ગણેશોત્સવ જેવા તહેવારો દરમ્યાન આતંકવાદીઓ કોઈ હરકત કરતા હોવાથી પોલીસ આ રીતે સર્ચ ઑપરેશન હાથ ઘરે છે. જોકે મુંબઈગરાઓ માટે રાહતની વાત એ છે કે આ ઑપરેશનમાં પોલીસને આતંકવાદી ગતિવિધિઓ સંબંધિત કંઈ હાથ નથી લાગ્યું. આ સર્ચ ઑપરેશનની પોલીસ માટે પૉઝિટિવ સાઇડ એ હતી કે તેમને મોટી સંખ્યામાં વૉન્ટેડ આરોપીઓ મળી આવ્યા હતા તેમ જ તેમણે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા ૨૪૭૯ લોકો સામે કાર્યવાહી કરી હતી.
ગણતંત્ર દિવસને ધ્યાનમાં રાખીને મુંબઈમાં આવેલા તમામ ૧૨ ઝોનમાં શનિવારે ઑલ આઉટ ઑપરેશન હાથ ધરાયું હતું. ૨૨૩ જગ્યાએ કૉમ્બિંગ ઑપરેશન કરાયું હતું, જેમાં ૧૩૬૯ આરોપીની તપાસ કરાતાં વિવિધ ગુનામાં સંકળાયેલા ૩૪૯ ગુનેગારો મળી આવવાની સાથે બાવન વૉન્ટેડ અને ફરાર થઈ ગયેલા ગુનેગારો પોલીસને હાથ લાગ્યા હતા.
ઘાટકોપર પોલીસ સ્ટેશનની હદમાં એક યુવતીનો મોબાઇલ આંચકીને ભાગી રહેલા બે આરોપી કૉમ્બિંગ ઑપરેશન દરમ્યાન પોલીસની નજરે ચડતાં તેમનો પીછો કરીને ઝડપી લેવાયા હતા. આ કાર્યવાહીમાં નશીલા પદાર્થનું સેવન અને હેરફેર કરવાના આરોપસર ૬૬ લોકો સામે પગલાં લેવાયાં હતાં.
પોલીસે શહેરભરમાં ૧૦૧ જગ્યાએ નાકાબંધી કરી હતી, જેમાં લોકોની તપાસ દરમ્યાન ગેરકાયદે શસ્ત્ર ધરાવતા ૩૩ લોકો સામે કાર્યવાહી કરીને તેમની પાસેનાં શસ્ત્ર જપ્ત કરાયાં હતાં. પોલીસે કુલ ૮૫૯૭ ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર ચકાસ્યાં હતાં, એમાંથી ટ્રાફિક નિયમના ભંગ બદલ ૨૪૭૯ વાહનધારકો સામે પગલાં લેવાયાં હતાં.
શહેરમાં ગેરકાયદે રહેતા લોકોને શોધવા માટે ૭૩૯ હોટેલ, લૉજ અને મુસાફિરખાનાની તપાસ કરાઈ હતી. તડીપાર કરાયેલા ૩૧ લોકો સામે મકોકા હેઠળ કાર્યવાહી કરાઈ હતી. આ સિવાય શહેરમાં ફુટપાથ પર ગેરકાયદે સામાન વેચતા ફેરિયાઓ સામે પણ પોલીસે પગલાં લીધાં હતાં.
ઉલ્લેખનીય છે કે દિવાળી, સ્વતંત્ર દિવસ કે ગણતંત્ર દિવસના એક કે બે દિવસ પહેલાં શહેરમાં કોઈ અઘટિત બનાવ ન બને એ માટે પોલીસ દ્વારા આવી રીતે ઑલ આઉટ ઑપરેશન હાથ ધરીને ગુનેગારો અને અસામાજિક તત્ત્વોને પકડવાની પ્રક્રિયા કરાય છે.
Mumbai: TV એક્ટ્રેસ સાથે અનેકવાર રેપ, ઓશવિરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
6th March, 2021 18:24 ISTWomen's Day:જ્યારે દહેજ દૂષણના વિરોધમાં ડૉ. વિભૂતિ પટેલે છોડ્યું સોનું
6th March, 2021 16:53 ISTમુંબઇમાં છઠ્ઠા માળથી કૂદીને આપ્યો જીવ, જાણો વધુ
6th March, 2021 14:10 ISTખટ્ટર સરકાર પર ઘેરાયાં સંકટનાં વાદળો, ચૌટાલાની શાખ પર સટ્ટો
6th March, 2021 13:06 IST