Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અરૂપ પટનાયકની હકાલપટ્ટી, સત્યપાલ સિંહ મુંબઈના નવા પોલીસ-કમિશનર

અરૂપ પટનાયકની હકાલપટ્ટી, સત્યપાલ સિંહ મુંબઈના નવા પોલીસ-કમિશનર

23 August, 2012 08:19 AM IST |

અરૂપ પટનાયકની હકાલપટ્ટી, સત્યપાલ સિંહ મુંબઈના નવા પોલીસ-કમિશનર

અરૂપ પટનાયકની હકાલપટ્ટી, સત્યપાલ સિંહ મુંબઈના નવા પોલીસ-કમિશનર



arup-patnaik-out

 



ભૂપેન પટેલ


મુંબઈ, તા. ૨૪

 ૧૯૮૦ બૅચના આ ઑફિસરે અત્યાર સુધી કુલ ત્રણ કમિશનરની જગ્યાએ પદભાર સંભાળ્યો છે, જેમાંથી બે પર તો ભ્રષ્ટાચારમાં સંડોવણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ૧૧ ઑગસ્ટે આઝાદ મેદાનમાં થયેલી હિંસાની ઘટનાને કાબૂમાં લેવામાં નિષ્ફળ જવા બદલ અરૂપ પટનાઈકના સ્થાને સત્યપાલ સિંહને મુંબઈના પોલીસ-કમિશનર બનાવવામાં આવ્યા છે. અરૂપ પટનાઈકની પ્રાઇવેટ સિક્યૉરિટી તથા વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન (વીઆઇપી)ની સુરક્ષા સંભાળતા મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા મહામંડળ (એમઆરએસએમ)ના ડિરેક્ટર જનરલ તરીકે બદલી કરવામાં આવી છે.


પોલીસના રેકૉર્ડ પ્રમાણે માર્ચ ૨૦૦૩માં તેમને મુંબઈના જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ  (ક્રાઇમ) શ્રીધર વાગલેની જગ્યાએ મૂકવામાં આવ્યા હતા. શ્રીધર વાગલે હાલ સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશનના સ્પેશ્યલ આઇજીપી તરીકે કામ કરી રહ્યા છે. કરોડો રૂપિયાના નકલી સ્ટૅમ્પ-પેપરના તેલગી કૌભાંડમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે શ્રીધર વાગલે સહિત અન્ય કેટલાક આઇપીએસ ઑફિસરની ધરપકડ કરી હતી. સત્યપાલ સિંહના હાથ નીચે કામ કરી ચૂકેલા ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ કહ્યું કે ‘તેલગી ગોટાળા સમયે પણ ઘણા આઇપીએસ ઑફિસરોની સંડોવણી તથા એ વખતના પોલીસ-કમિશનર રાકેશ શર્મા પણ જેલના સળિયા પાછળ ધકેલાતાં મુંબઈપોલીસનું મનોબળ સાવ તળિયે બેઠું હતું. મુંબઈપોલીસના જુસ્સાને ફરી બેઠો કરવા માટે મુંબઈમાં તેમને લાવવામાં આવ્યા હતા.’

જુલાઈ ૨૦૦૮માં પણ ભ્રષ્ટાચારમાં સંડોવણીને કારણે પુણેના કમિશનર જયંત ઉમરાનીકરની જગ્યાએ સત્યપાલ સિંહે પદભાર સંભાળ્યો હતો. માર્ચ ૨૦૦૭માં પુણેના પોલીસ-કમિશનર તરીકેનો પદભાર સંભાળનારા જયંત ઉમરાનીકર સામે ઍન્ટિ-કરપ્શન બ્યુરોએ કાર્યવાહી કેમ નથી કરી એમ બૉમ્બે હાઈ ર્કોટે કહ્યું હતું. આમ અરૂપ પટનાઈકની જગ્યાએ તેમની વરણી એ આ રીતનો ત્રીજો બનાવ છે. પુણેના પોલીસ-કમિશનર તરીકેના કાર્યભાર દરમ્યાન તેઓ એનસીપીની નારાજગીનો ભોગ પણ બન્યા હતા, કારણ કે રાજ્યકક્ષાના હોમ મિનિસ્ટર રમેશ બાગવે વિરુદ્ધ ભૂતકાળમાં ઘણા ક્રિમિનલ કેસો હોવાથી તેમણે પાસપોર્ટ રિલીઝ કરવાની ના પાડી દીધી હતી.

આઇપીએસ =  ઇન્ડિયન પોલીસ સર્વિસ

એમએસસી = માસ્ટર્સ ઇન સાયન્સ

એમફિલ = માસ્ટર્સ ઇન ફિલોસૉફી

પીએચ.ડી. =  ડૉક્ટર ઇન ફિલોસોફી

એમબીએ  =  માસ્ટર્સ ઇન બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન

સીબીઆઇ- સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન્સ

પ્રોફાઇલ

સત્યપાલ સિંહનો જન્મ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આવેલા બસઉલીમાં થયો હતો. મેરઠ યુનિવર્સિટી તેમણે કેમિસ્ટ્રી વિષય સાથે એમએસસીની પદવી મેળવી હતી તેમ જ ત્યાર પછી દિલ્હી યુનિવર્સિટીમાંથી એમફિલની પદવી પ્રાપ્ત કરી હતી.

થાણેમાં તાલીમ મેળવ્યા પછી તેમને અસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (એએસપી) બનાવવામાં આવ્યા હતા તેમ જ તેમને પહેલું પોસ્ટિંગ નાશિકમાં આપ્યું હતું. ગારચૂલામાં પોતાના કાર્યકાળ દરમ્યાન આંધþ પ્રદેશ તથા મધ્ય પ્રદેશમાં ફેલાયેલા નક્સલવાદની સમસ્યામાં રસ પડતાં આ વિશે તેમણે પીએચ.ડી. પણ કર્યું હતું. નાગપુર યુનિવર્સિટીમાંથી પબ્લિક ઍડ્મિનિસ્ટ્રેશન વિષય સાથે પીએચ.ડી. કર્યું તેમ જ એમાં સારા માર્ક્સ સાથે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો એટલું જ નહીં, એમબીએની ડિગ્રી મેળવવા માટે ઑસ્ટ્રેલિયા પણ ગયા હતા. ત્યાર બાદ સીબીઆઇમાં ટ્રાન્સફર થતાં ઇમ્પોર્ટ-એક્સપોર્ટને લગતા કેસની તપાસ પણ કરી હતી.

૨૦૦૪માં તેમની સર્વિસ દરમ્યાન તેમને રાષ્ટ્રપતિ હસ્તક પોલીસ મેડલ પણ મળ્યો હતો.

આઝાદ મેદાનની ઘટનામાં કેટલીક ભૂલો થઈ હતી : સત્યપાલ સિંહ

મુંબઈના પોલીસ-કમિશનર તરીકેનો હોદ્દો સંભાળ્યાં પછી નવા કમિશનર સત્યપાલ સિંહે આ શબ્દો કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘૧૧ ઑગસ્ટે આઝાદ મેદાનની હિંસાની ઘટનામાં કેટલીક ભૂલો થઈ હતી એ હું સ્વીકારું છું, પરંતુ અમે ભૂલોમાંથી શીખીશું. પોલીસ પરથી લોકોનો વિશ્વાસ ઓછો થઈ ગયો છે જેને પુન: સ્થાપિત કરવા માટેનાં પગલાં ભરવાં મારી પહેલી પ્રાથમિકતા હશે. આ ઘટનાને કારણે પોલીસનું મનોબળ પણ નીચું ગયું છે, જેને કઈ રીતે પાછું લાવી શકાય એ વિશે મારા અધિકારીઓ જોડે ચર્ચા કરીશું. પોલીસ પ્રત્યેનું માન એટલે જ મારા પ્રત્યેનું માન. લોકો માટે એક સશક્ત, કાર્યક્ષમ તથા પારદર્શક પોલીસ-ફોર્સ લાવવાનું કામ કરીશું, જેને લોકો આવકારે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે ચિંતા ઊભી થઈ હતી એટલે પરિસ્થિતિને સામાન્ય કરવી ખૂબ જ જરૂરી છે.’

વસંત ઢોબળે જશે

મોડી રાત સુધી પાર્ટી કરનારાઓ માટે એક સારા સમાચાર છે, કારણ કે નવા કમિશનર આવતાં સોશ્યલ સર્વિસ બ્રાન્ચના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ વસંત ઢોબળેની પણ અન્ય કોઈ પદે બદલી થાય એવી શક્યતા છે. સત્યપાલ સિંહે કહ્યું હતું કે સોશ્યલ સર્વિસ બ્રાન્ચને ક્રાઇમ બ્રાન્ચના નેજા હેઠળ લાવવાની મારી યોજના છે. હું અંગત રીતે એના પર દેખરેખ નહીં રાખું. અરૂપ પટનાઈકના સમર્થનને કારણે વસંત ઢોબળે જે રેઇડ પાડતા હતા એ હવે નહીં પાડી શકે.

Whatsapp-channel Whatsapp-channel

23 August, 2012 08:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK