બી અલર્ટ

Published: 6th January, 2021 11:51 IST | Prakash Bambhrolia | Mumbai

રસીકરણ બહુ જ જલદી શરૂ થવાનું છે ત્યારે સોશ્યલ મીડિયામાં એના રજિસ્ટ્રેશન માટેના મેસેજ અને ફોન શરૂ થઈ ગયા છે, પણ પોલીસનું કહેવું છે કે આ એક ઑનલાઇન ફ્રૉડનો ભાગ હોવાથી લોકોએ સાવચેત રહેવું

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

અસંખ્ય લોકોને ભરખી જનારા કોરોના વાઇરસથી બચવા માટે કેન્દ્ર સરકારે કોવિશીલ્ડ અને કોવૅક્સિનનો ઇમર્જન્સીમાં ઉપયોગ કરવાની મંજૂરી આપ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આગામી ૧૦ દિવસમાં વૅક્સિનેશન શરૂ થવાનું ગઈ કાલે જાહેર કર્યું હતું. રજિસ્ટ્રેશન કરાવનારાઓને જ વૅક્સિનના ડોઝ અપાવાની વાતો થઈ રહી છે ત્યારે વૅક્સિનેશનના ઓઠા હેઠળ આધાર કાર્ડ, પૅન-નંબર, ઈ-મેઇલ આઇડી વગેરે મેળવવા માટેના ફોનકૉલ્સ, મેસેજ અને ઈ-મેઇલ આવવાનો મારો શરૂ થયો છે. રાજ્ય કે પાલિકાના આરોગ્ય વિભાગ સિવાયની કોઈ પણ વ્યક્તિ આવી માહિતી શૅર કરવાનું કહે તો સાવધાન, આ સાઇબર ફ્રૉડ હોવાથી તમે મુશ્કેલીમાં આવી શકો છો. મુંબઈ પોલીસના સાઇબર ક્રાઇમ વિભાગે કોઈને પણ તમારી માહિતી ન આપવાની સલાહ આપી છે.

કોરોના વાઇરસમાં ભલભલા પરિવારો તબાહ થઈ ગયા છે અને અત્યારે યુરોપમાં ફેલાયેલો કોરોનાનો નવો સ્ટ્રેન સુપર સ્પ્રેડર હોવાથી લોકોમાં આ વાઇરસનો ખૂબ ડર બેસી ગયો છે. બધા વૅક્સિનેશન શરૂ કરવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે કેટલાક લેભાગુઓ પર્સનલ માહિતીઓ મેળવીને લોકોને છેતરવાના પેંતરા ઘડી રહ્યા હોવાનું જણાઈ આવ્યું છે.

વૅક્સિન તૈયાર થઈ જવાથી લઈને એના ડોઝ આપવાની તૈયારીઓ આરંભાઈ છે ત્યારે આ ડોઝ લેવા માટે સરકારે અમુક માર્ગદર્શિકા જાહેર કરી છે, પણ એનો જ ફાયદો લઈને અમુક ચીટરો તમારી પાસે વૅક્સિનેશન સેન્ટરનો ભાગ હોવાનો ડોળ કરીને અમુક માહિતીઓ માગવાનું શરૂ કર્યું છે. એટલે લોકોએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે.

હકીકત એ છે કે વૅક્સિનેશન તબક્કાવાર થવાનું છે. શરૂઆતમાં ફ્રન્ટલાઇન વર્કર્સને વૅક્સિનેશન કરવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશ મુજબ આ લોકોને રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. જોકે બીજા અને ત્રીજા તબક્કામાં સામાન્ય લોકોએ તેઓ જ્યાં રહેતા હોય એ વિસ્તારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ઊભી કરાયેલી સિસ્ટમમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અત્યાર સુધી આ પ્રક્રિયા શરૂ કરાઈ નથી.

છેલ્લા કેટલાક સમયમાં કોરોના વૅક્સિન રજિસ્ટ્રેશનમાં અજાણ્યા લોકો ફોન કરીને નામ, ઈ-મેઇલ, આધાર કાર્ડ વગેરેની માહિતી માગી રહ્યા છે. આધાર કાર્ડ નોંધવા માટે ઓટીપી માગે છે. ઓટીપી શૅર કર્યા બાદ ઑનલાઇન ચીટિંગ થઈ રહી હોવાનું ધ્યાનમાં આપ્યું છે. આવા કેટલાક મામલા સામે આવ્યા છે.

મુંબઈ પોલીસના સાઇબર ક્રાઇમનાં ઇન્ચાર્જ ડીસીપી ડૉ. રશ્મિ કરંદીકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોવિડની વૅક્સિન મેળવવા માટે રજિસ્ટ્રેશન કરવાના કૉલ સાઇબર ફ્રૉડ છે. ફોન કરનારી વ્યક્તિ આધાર કાર્ડથી પૅન કાર્ડ સુધીની કોઈ માહિતી માગે તો આપવી નહીં, કારણ કે આવી કોઈ માહિતી મેળવવાની પ્રક્રિયા હજી શરૂ નથી કરાઈ. આરોગ્ય વિભાગ જ્યારે રજિસ્ટ્રેશન કરાવવા માટેની ગાઇડલાઇન્સ જાહેર કરશે ત્યારે એ ધ્યાનથી જોઈને ઑનલાઇન રજિસ્ટ્રેશન કરવું. કોઈ આ સાઇબર ક્રાઇમનો ભોગ બન્યું હોય તો તેમણે અમને  cyberpst-mum@mahapolice.gov.in આઇડી પર ઈ-મેઇલ કરવી. ચીટિંગ થઈ હોય અને ફરિયાદ કરશો તો અમે આરોપીઓ સુધી પહોંચી શકીશું.’

કોવિડની વૅક્સિન મેળવવા માટે રજિસ્ટ્રેશન કરવાના કૉલ સાઇબર ફ્રૉડ છે. ફોન કરનારી વ્યક્તિ આધાર કાર્ડથી પૅન કાર્ડ સુધીની કોઈ માહિતી માગે તો આપવી નહીં, કારણ કે આવી કોઈ માહિતી મેળવવાની પ્રક્રિયા હજી શરૂ નથી કરાઈ.

- ડૉ. રશ્મિ કરંદીકર, મુંબઈ પોલીસના સાઇબર ક્રાઇમનાં ઇન્ચાર્જ ડીસીપી

ક્યાં ફરિયાદ કરવી?

વૅક્સિનને નામે પર્સનલ માહિતીના સાઇબર ફ્રૉડનો ભોગ બનો તો આ ઇ-મૅઈલ પર ફરિયાદ કરવી. cyberpst-mum@mahapolice.gov.in

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK