વસઈમાં અઠવાડિયામાં વધુ એક કપલના સુસાઇડથી ખળભળાટ

Published: 22nd November, 2020 07:33 IST | Mumbai Correspondent | Mumbai

પત્નીની ડેડ બોડી બેડ પર જ્યારે પતિની છત સાથે લટકેલી હતી: એવરશાઇન નગરના સેક્ટર-૪ની હાઈ-પ્રોફાઇલ સોસાયટીમાં કપલના મૃતદેહ મળવાથી પોલીસ પણ ચોંકી ઊઠી

વસઈના જ્યોતિ અને રાહુલ ચવાણના મૃતદેહ મળ્યા.
વસઈના જ્યોતિ અને રાહુલ ચવાણના મૃતદેહ મળ્યા.

વસઈમાં એક અઠવાડિયામાં બીજા કપલે આત્મહત્યા કરવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. અહીંના ભોયદાપાડા પરિસરમાં ભોજનમાં ઝેર નાખીને પતિ-પત્નીએ જીવન ટૂંકાવ્યા બાદ શુક્રવારે રાત્રે વસઈના એવરશાઈન નગરના સૅક્ટર-૪ની હાઈ પ્રોફાઈલ સોસાયટીમાં પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા હતા. પત્નીનો મૃતદેહ બૅડ પર તો પતિનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

તુળીંજ પોલીસના જણાવ્યા મુજબ શુક્રવારે મોડી રાત્રે પતિ-પત્નીના મૃતદેહ ઘરમાં હોવાની જાણ થયા બાદ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી હતી. ૨૩ વર્ષની જ્યોતિ રાહુલ ચવાણનો મૃતદેહ બૅડ પર પડેલો હતો, જ્યારે તેના ૨૮ વર્ષના પતિ રાહુલની ડેડ બોડી ઘરની છતના હૂક સાથે દોરીથી બનાવાયેલા ગળાફાંસો સાથે લટકતી હાથ લાગી હતી. બન્ને મૃતદેહને તાબામાં લઈને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દેવાયા હતા.

પ્રાથમિક તપાસમાં પોલીસે આશંકા વ્યક્ત કરી હતી કે રાહુલે પહેલા પત્નીની હત્યા કરી હશે અને બાદમાં પોતે ગળાફાંસો ખાઈ લીધો હશે. જોકે તેનું મૃત્યુ કેવી રીતે થયું છે તે તો પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.

પોલીસે આપેલી માહિતી મુજબ વસઈ (પૂર્વ)ના એવરશાઈન સિટી સૅક્ટર-૪માં આવેલી એક્યુરિયસ નામની સોસાયટીમાં ચવાણ યુગલ રહેતું હતું. શુક્રવારે રાત્રે મોડે સુધી તેના ઘરની લાઈટ બંધ હોવાથી એ જ સોસાયટીમાં રહેતા ચવાણના સંબંધીઓને શંકા જતા પોલીસને બોલાવી હતી. દરવાજો અંદરથી બંધ હોવાથી એ તોડ‌ીને પોલીસે પ્રવેશ કર્યો હતો ત્યારે બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા.

પોલીસની તપાસમાં જણાયું હતું કે રાહુલ ચવાણ મેટ્રોમાં અંધેરી ખાતે સિક્યૉરિટી ગાર્ડની જોબ કરતો હતો. તેણે શા માટે આ પગલું ભર્યું હતું એ જાણવા તુળીંજ પોલીસ સ્ટેશનની ટીમ કામે લાગી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK