Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ : અનલૉક પછી પહેલા દિવસે મુંબઈગરાઓનો મેટ્રોને મોળો પ્રતિસાદ

મુંબઈ : અનલૉક પછી પહેલા દિવસે મુંબઈગરાઓનો મેટ્રોને મોળો પ્રતિસાદ

20 October, 2020 07:37 AM IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

મુંબઈ : અનલૉક પછી પહેલા દિવસે મુંબઈગરાઓનો મેટ્રોને મોળો પ્રતિસાદ

મેટ્રો

મેટ્રો


કોરોનાને કારણે લૉકડાઉન પિરિયડમાં બંધ રહેલી મુંબઈની કાર્યરત એકમાત્ર મુંબઈ મેટ્રો-1 (વર્સોવાથી ઘાટકોપર) ગઈ કાલે સવારે ૮.૩૦થી રાતે ૮.૩૦ વાગ્યા દરમ્યાન શરૂ થઈ હતી, પણ પહેલા દિવસે મુંબઈગરાએ એને ઠંડો આવકાર આપ્યો હતો. બહુ જૂજ લોકોએ જ એમાં પ્રવાસ કર્યો હતો. લૉકડાઉન પહેલાં જે રીતે મેટ્રો સ્ટેશનોનાં પ્લૅટફૉર્મ પર લોકોની કતારો લાગતી એને બદલે ગઈ કાલે એકલદોકલ પ્રવાસીઓ અને આખી ટ્રેનમાં પીક-અવર્સમાં પણ માંડ સરેરાશ ૪૦ લોકો જ પ્રવાસ કરતા જોવા મળ્યા હતા.

મેટ્રો ઑથોરિટી દ્વારા કહેવાયું હતું કે સામાન્ય સંજોગોમાં તેમની એક ટ્રેનમાં અંદાજે ૧૩૦૦થી ૧૫૦૦ લોકો પ્રવાસ કરતા હોય છે, પણ કોરોનાને કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવાનું હોવાથી માત્ર એક ટ્રેનમાં મૅક્સિમમ ૩૦૦ લોકોને જ પ્રવાસ કરવાની અનુમતિ અપાઈ હતી પણ એ સામે લોકો જ ન ફરકતાં પહેલા દિવસે મેટ્રો એકદમ ખાલી-ખાલી દોડી રહી હતી.



metro-04


પહેલા દિવસે પણ મુંબઈગરાઓએ મેટ્રોમાં પ્રવાસ કરવા બહુ ઉમળકો બતાવ્યો નહોતો. આ વિશે ‘મિડ-ડે’ દ્વારા જ્યારે ટિકિટ-કાઉન્ટર પર બેઠેલા તેમના કર્મચારીને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે ‘ઘણા લોકોને ખબર નથી કે આજથી મેટ્રો ચાલુ થઈ ગઈ છે. બીજું, હાલ કોરોનાને કારણે લોકો બહાર ઓછા નીકળે છે. વળી વેસ્ટર્ન અને સેન્ટ્રલ લાઇનની કનેક્ટિવિટીની ટ્રેનો બંધ છે. પ્રાઇવેટ ઑફિસો પણ બંધ છે એથી અને આજે પહેલો જ દિવસ હોવાથી બહુ ઓછા લોકો છે. ધીમે-ધીમે પ્રવાસી વધશે એવું અમને લાગી રહ્યું છે.’

અંધેરીથી ઘાટકોપરનો પ્રવાસ કરનાર એક ગુજરાતી મહિલાએ કહ્યું હતું કે ‘મને જાણ હતી કે આજથી મેટ્રો શરૂ થાય છે અને મારે અંધેરીમાં કામ હતું એટલે મેં મેટ્રોમાં પ્રવાસ કર્યો. તેમણે સુરક્ષાની વ્યવસ્થા સારી રાખી છે.’


જ્યારે સાકીનાકામાં ઑફિસ ધરાવતા એક સરકારી કર્મચારીને કામસર ચર્ચગેટ જવું પડ્યું હતું. તેમણે પણ મેટ્રોનો પ્રવાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું ‘મેટ્રો સેફ છે અને સહુલિયતભરી છે. સરકારી કર્મચારી હોવાથી અમને ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ છે છતાં આજથી મેટ્રો ચાલુ થતાં એ વધુ સેફ હોવાથી મેં એમાં પ્રવાસ કર્યો.’

Whatsapp-channel Whatsapp-channel

20 October, 2020 07:37 AM IST | Mumbai | Bakulesh Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK