મુંબઈને એલ્ફિન્સ્ટન અટકવાળા એક નહીં, બે ગવર્નર મળ્યા

Published: Sep 12, 2020, 17:51 IST | Deepak Mehta | Mumbai

બૉમ્બે ગ્રીન્સના માથે મૂક્યો મુગટ લૉર્ડ એલ્ફિન્સ્ટનેઃ સર ફ્રેરેએ કિલ્લો તોડ્યોઃ એક દરવાજાની જગ્યાએ ફ્લોરા ફાઉન્ટન

આકાશી નજરે આજનું હૉર્નિમન સર્કલ
આકાશી નજરે આજનું હૉર્નિમન સર્કલ

સારું થયું કે એ વખતે ‘પર્યાવરણ બચાવો’ની બૂમો પાડનાર બગલથેલાવાળાઓ નહોતા. સારા નસીબે એ વખતે ‘હેરિટેજ’નું રક્ષણ કરવા માટે કોર્ટે ચડનારા હઠીલા ઍક્ટિવિસ્ટો નહોતા. નહીંતર આજે પણ બૉમ્બે ગ્રીન્સ ખાલીખમ મેદાન જ રહ્યું હોત! જેમ-જેમ જરૂર પડતી ગઈ એમ ત્યાં મકાનો બંધાતાં ગયાં; સારાં, દેખાવડાં, ઉપયોગી, ટકાઉ. જોકે એના માથે ગોળાકાર મુગટ પહેરાવ્યો એ તો ગવર્નર લૉર્ડ એલ્ફિન્સ્ટને. મામલો જરા ભૂલભુલૈયા જેવો છે એટલે વાત સમજી લઈએ. મુંબઈને એલ્ફિન્સ્ટન અટકધારી બે ગવર્નર મળ્યા. પહેલા માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન. તેમનો જન્મ ૧૭૭૯ના ઑક્ટોબરની ૬ તારીખે, અવસાન ૮૦ વર્ષની ઉંમરે ૧૮૫૯ના નવેમ્બરની ૨૦ તારીખે. તેઓ ૧૮૧૯ની ૧ નવેમ્બરથી ૧૮૨૭ની ૧ નવેમ્બર સુધી મુંબઈના ગવર્નર રહ્યા. આખા મુંબઈ ઇલાકા (આજના મહારાષ્ટ્ર અને ગુજરાત)માં અંગ્રેજી પદ્ધતિના શિક્ષણનો પાયો તેમણે નાખ્યો, પણ સાથોસાથ એવો આગ્રહ પણ રાખ્યો કે શાળાનું શિક્ષણ ગુજરાતી-મરાઠી જેવી ‘દેશી’ ભાષાઓ દ્વારા જ અપાવું જોઈએ. એ માટે જરૂરી એવાં પાઠ્યપુસ્તકો સ્થાનિક ભાષાઓમાં તૈયાર કરાવી છપાવવામાં તેમનો મોટો હાથ હતો.

આ વિશે તેઓ કેટલા આગ્રહી હતા એનો એક કિસ્સો નોંધાયેલો છે. નામદાર ગવર્નર એલ્ફિન્સ્ટન બૉમ્બે પ્રેસિડેન્સીના જુદા-જુદા જિલ્લાઓમાં જાતતપાસ માટે ફરી રહ્યા છે. તેમનો મુકામ એક લશ્કરી છાવણી નજીક છે. સાહેબ તેમના તંબુમાં એકલા બેઠા છે. બાજુમાં ગુજરાતી-મરાઠી પુસ્તકોનો નાનો ઢગલો પડ્યો છે. હજી દેશમાં વીજળી તો આવી નહોતી એટલે ફાનસના ઝાંખા અજવાળે એક-એક પુસ્તક ધ્યાનથી જોતા જાય છે. ત્યાં એક લશ્કરી અફસર નામે બ્રિગ્સ સાહેબને મળવા આવે છે. પેલાં ‘દેશી’ ભાષાઓનાં પુસ્તકોના ઢગલા પર તેમની નજર પડે છે. પૂછે છે કે ‘સાહેબ, આવાં પુસ્તકો પાછળ સમય શા માટે બગાડો છો? આવાં પુસ્તકોનો આપણને શો ઉપયોગ?’ સાહેબ કહે છે, ‘આપણને હોય કે ન હોય, અહીંના લોકોને ભણાવવા માટે આ બહુ ઉપયોગી છે.’ બ્રિગ્સ કહે છે, ‘પણ સાહેબ, દેશીઓને ભણાવવા એટલે તો આપણા માટે સ્વદેશ પાછા જવાનો રસ્તો બાંધવો. આપ નામદાર, ગવર્નર થઈને આવા કામને પ્રોત્સાહન આપો એ માન્યામાં નથી આવતું.’ સાહેબ કહે, ‘ભવિષ્યમાં જે થવાનું હશે એ થશે. આ દેશીઓને ભણાવવા એ રાજ્યકર્તા તરીકે આપણી ફરજ છે અને ગમે તે સંજોગોમાં પણ પોતાની ફરજ ચૂકે એ ખરો અંગ્રેજ બચ્ચો નહીં.’

‘દેશી’ ભાષાઓને આ રીતે પ્રોત્સાહન આપવાની તેમની નીતિનો વિરોધ તો થયેલો જ. પહેલાં ગવર્નરની કાઉન્સિલના કેટલાક સભ્યોનો વિરોધ, પછી બ્રિટનમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કેટલાક ડિરેક્ટરનો વિરોધ; પણ એ બધાને સમજાવ્યા-પટાવ્યા, નવી સ્કૂલો શરૂ કરી, નવાં પાઠ્યપુસ્તકો બનાવ્યાં – ગુજરાતી-મરાઠીનાં એ પહેલવહેલાં પાઠ્યપુસ્તકો. લંડનમાં બેઠેલા કંપનીના ડિરેક્ટરો માનતા હતા કે જે અંગ્રેજોને હિન્દુસ્તાન કામ કરવા મોકલીએ તેમને હિન્દુસ્તાની ભાષા આવડે એટલે બસ. એટલે એ ભાષા શીખવવાની સગવડ પણ કરેલી, પરંતુ હિન્દુસ્તાન આવ્યા પછી એલ્ફિન્સ્ટને જોયું કે બૉમ્બે પ્રેસિડેન્સીમાં તો ગુજરાતી-મરાઠી વગેરે ભાષાઓનું ચલણ વધુ છે, હિન્દુસ્તાનીનું ઝાઝું નથી એટલે તેમણે બૉમ્બે પ્રેસિડેન્સી પૂરતો નિયમ બનાવ્યો કે સરકારી અધિકારીઓ ઓછામાં ઓછી એક સ્થાનિક ગુજરાતી કે મરાઠી વગેરે ભાષા શીખે એ પછી જ તેમને નોકરીમાં બઢતી મળી શકે. આ ભાષાઓ શીખવવાની અને એની પરીક્ષા લેવાની વ્યવસ્થા પણ તેમણે કરી. પરિણામે તેમના વખતમાં જે ૧૩૦ સિવિલ સર્વન્ટ કામ કરતા હતા એ બધા ઓછામાં ઓછી એક સ્થાનિક ભાષા તો જાણતા જ હતા.

તો બીજી બાજુ આ દેશમાં ઘણા સામાજિક સુધારા કરવાની જરૂર તેઓ સ્વીકારતા હતા, પણ કાયદા દ્વારા એ દિશામાં બહુ આગળ ન વધી શકાય. સુધારા માટેનું ખરું સાધન તો શિક્ષણ છે એમ તેઓ માનતા એટલે તેમણે શિક્ષણને ખૂબ પ્રોત્સાહન આપ્યું. આજે ફોર્ટ વિસ્તારમાં આવેલી એલ્ફિન્સ્ટન કૉલેજ મુંબઈના લોકોએ જાહેર ફાળો કરીને તેમના માનમાં સરકાર પાસે ઊભી કરાવેલી. એની શરૂઆત બૉમ્બે ગ્રીન પરના ટાઉન હૉલમાં થયેલી, પછી એ પરેલ ખસેડાઈ અને ત્યાંથી આજની કાલા ઘોડા નજીકની જગ્યાએ આવી. તેઓ સ્વદેશ પાછા ફર્યા એ પછી એક નહીં, બે વાર તેમને હિન્દુસ્તાનના ગવર્નર જનરલના પદની ઑફર થયેલી, પણ તેમણે કહ્યું કે ‘અત્યારે કરી રહ્યો છું એ કામ પૂરું ન થાય ત્યાં સુધી હું બીજી કોઈ જવાબદારી લેવા માગતો નથી.’ એવું તે શું કામ કરતા હતા તેઓ સ્વદેશ પાછા ફર્યા પછી? તેઓ હિન્દુસ્તાનના ઇતિહાસનું પુસ્તક લખતા હતા! તેમનું એ પુસ્તક ૧૮૪૧માં બે ભાગમાં પ્રગટ થયું હતું. ગુજરાતી-મરાઠીમાં થયેલો એનો સંક્ષિપ્ત અનુવાદ ઘણાં વર્ષો સુધી અહીંની સ્કૂલોમાં ભણાવાતો.

એલ્ફિન્સ્ટન અટકધારી બીજા ગવર્નર એ લૉર્ડ જૉન એલ્ફિન્સ્ટન. જન્મ ૧૮૦૭ની ૨૩ જૂને. માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન તેમના કાકા થાય. જૉનસાહેબ બે વખત ગ્રેટ બ્રિટનની પાર્લમેન્ટમાં સ્કૉટલૅન્ડના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવેલા. ૧૨મા લૉર્ડ એલ્ફિન્સ્ટનના તેઓ એકમાત્ર નબીરા. ૧૮૨૬માં તેઆ શાહી સૈન્યમાં દાખલ થયા. રૉયલ હૉર્સ ગાર્ડ્સ એટલે કે બ્રિટિશ શહેનશાહ અને મહારાણીના ઘોડેસવાર અંગરક્ષકોમાંના એક બન્યા. ૧૮૨૮માં લેફ્ટનન્ટ અને ૧૮૩૨માં કૅપ્ટન બન્યા, પણ પછી ૧૮૩૭માં લૉર્ડ મેલબર્ને એકાએક તેમની નિમણૂક મદ્રાસના ગવર્નર તરીકે કરી દીધી. કેમ? કહેવાય છે કે દેખાવડા જૉનસાહેબ અને યુવાન રાણી વિક્ટોરિયા વચ્ચે પ્રેમસંબંધ બંધાયો છે એવી અફવા ફેલાઈ હતી એટલે આમ કરવું પડ્યું હતું. ૧૮૪૨ સુધી તેઓ મદ્રાસ પ્રેસિડન્સીના ગવર્નર રહ્યા, પણ ગવર્નર તરીકે તેમણે ખાસ કશું ઉકાળ્યું નહીં, કારણ, તેમણે નીલગિરિ હિલ્સ પર બંગલો બંધાવ્યો હતો અને ઘણો વખત ત્યાં જ ગાળતા હતા. ૧૮૪૨માં રાજીનામું આપીને લાંબી મુસાફરીએ નીકળી પડ્યા હતા. એ દરમ્યાન તેમણે કાશ્મીરની મુલાકાત પણ લીધી હતી. કહેવાય છે કે કાશ્મીરની મુલાકાત લેનારા તેઓ પહેલા અંગ્રેજ હતા.

૧૮૪૫માં સ્વદેશ પાછા ફર્યા. ૧૮૪૭માં લૉર્ડ જૉન રસેલે તેમની નિમણૂક રાણીસાહેબાની ખિદમતમાં હાજર રહેનારા લૉર્ડ તરીકે કરી! ફરી તેમને દૂર રાખવાના આશયથી ૧૮૫૩માં તેમની નિમણૂક મુંબઈના ગવર્નર તરીકે થઈ અને ૧૮૬૦ સુધી તેઓ એ પદ પર રહ્યા, પણ એ વખતે આરામ અને સુખસગવડમાં રહી શકાય એમ નહોતું. કારણ, તેઓ ગવર્નર હતા એ દરમ્યાન જ ૧૮૫૭નો બળવો (અંગ્રેજો કહેતા) થયો. આ સંદર્ભે બૉમ્બે પ્રેસિડન્સીમાં ઘડાઈ રહેલું એક મોટું કાવતરું તેમણે પકડી પાડ્યું. પશ્ચિમ ભારતમાં બળવાનું જોર ઝાઝું દેખાયું નહીં એમાં તેમનો મોટો ફાળો. કંપની-સરકારે નીમેલા મુંબઈના તેઓ છેલ્લા ગવર્નર. કારણ, એ પછી ૧૮૫૮માં હિન્દુસ્તાનમાં બ્રિટિશ તાજનું રાજ્ય સ્થપાયું. તેઓ સ્વદેશ પાછા ફર્યા એ પછી ‘બેરન’ બન્યા. ૧૮૬૦ની ૧૯ જુલાઈએ લંડનમાં તેમનું અવસાન થયું. તેમણે લગ્ન કર્યાં નહોતાં એટલે પુરુષ વારસદારને મળતી તેમના કુટુંબની લૉર્ડની પદવીનો અંત આવ્યો.

મુંબઈમાં હતા એ દરમ્યાન તેમનું ધ્યાન બૉમ્બે ગ્રીન્સ પર ગયું. આખા વિસ્તારનો જુદી જ રીતે વિકાસ કરવાનું તેમણે ઠરાવ્યું. ટાઉન હૉલની સામે મોટો, ગોળ, સરસ બગીચો, જે આજે પણ છે. એ બગીચાને ફરતો ગોળાકાર રસ્તો. ૮ જુદી-જુદી દિશામાંથી આવીને મળતા રસ્તા અને ગોળાકાર રસ્તા પર એવા જ ગોળાકારમાં બંધાયેલાં મકાનો. બધાં મકાનોની બાંધણી બહારથી એકસરખી. ઊંચાઈ, રંગ પણ એકસરખાં. આ આખા વિસ્તારમાં એક સમયે આવેલી ઇમારતો અને ઑફિસોની યાદી વાંચીએ તો દેશ અને દુનિયાનાં કેટલાંયે પ્રતિષ્ઠિત નામ વાંચવા મળે. બ્રિટિશ બૅન્કો, વહાણવટાની જાણીતી કંપનીઓ, મોટી વેપારી પેઢીઓ એ બધાની કચેરીઓ આ વર્તુળાકાર રસ્તા પર અને એને આવીને મળતા રસ્તાઓ પર. આજે તો હવે મુંબઈમાં ઠેર-ઠેર ગગનચુંબી મકાનો ફૂટી નીકળ્યાં છે અને એની સામે આ બૉમ્બે ગ્રીન્સનાં મકાનો વામણાં લાગે છે, પણ આજ સુધી તેમનાં અસલનાં ઘાટઘૂટ, રંગરૂપ મોટા ભાગે જળવાઈ રહ્યાં છે.

આ આખા વિસ્તારનો વિકાસ કઈ રીતે કરવો એની યોજના ચાર્લ્સ ફૉર્જેટે તૈયાર કરી હતી. આ કામમાં લૉર્ડ એલ્ફિન્સ્ટને તો ઊંડો રસ લીધો જ હતો, પણ તેમના અનુગામી સર બાર્ટલ ફ્રેરેએ પણ એટલો જ રસ લીધો હતો. છેવટે ૧૮૬૩માં આખી યોજના પૂરી થઈ અને ત્યાં સુધીમાં લૉર્ડ એલ્ફિન્સ્ટનનું અવસાન થઈ ચૂક્યું હતું એટલે તેમની યાદગીરીમાં આ વિસ્તારને એલ્ફિન્સ્ટન સર્કલ નામ અપાયું. એલ્ફિન્સ્ટન રોડ અને એ જ નામનું રેલવે-સ્ટેશન મુંબઈમાં હતાં એ નામ પણ આ લૉર્ડ એલ્ફિન્સ્ટનના માનમાં અપાયાં હતાં. થોડા વખત પહેલાં એલ્ફિન્સ્ટન રોડનું નામ બદલાયું અને પછીથી એ રેલવે-સ્ટેશનનું નામ બદલીને પ્રભાદેવી કરવામાં આવ્યું.

મુંબઈના પોલીસ-કમિશનર ચાર્લ્સ ફૉર્જેટનો જન્મ ૧૮૦૮માં, અવસાન ૧૮૯૦માં. ૧૮૫૫થી ૧૮૬૪ સુધી તેઓ મુંબઈના પોલીસ-કમિશનર રહ્યા હતા. ગુજરાતી-મરાઠી જેવી ‘દેશી’ ભાષા તેઓ પૂરેપૂરી રીતે જાણતા એટલે લોકો સાથે, ગુંડાઓ અને ગુનેગારો સાથે પણ સીધો સંબંધ રાખી શકતા. સાથોસાથ મુંબઈના ચીફ મ્યુનિસિપલ કમિશનર પણ હતા. લોકો સાથેના સીધા સંબંધને કારણે બળવા વખતે તેમને મોટા કાવતરાની ગંધ આવી ગઈ. પરંતુ ચાલાક, વિચક્ષણ માણસ એટલે પોતે કશું જાણતા જ નથી એવો દેખાવ રાખ્યો અને વધુ ને વધુ માહિતી મેળવતા ગયા અને પછી બરાબર ટાંકણે કાવતરાખોરો પર ત્રાટક્યા. પોતે આ કામ કઈ રીતે કર્યું એનું વિગતવાર વર્ણન તેમણે પછીથી ‘અવર રિયલ ડેન્જર ઇન ઇન્ડિયા’ નામના પુસ્તકમાં કર્યું. આ પુસ્તક ૧૮૯૦માં લંડનથી પ્રગટ થયું હતું. એ જમાનાના ગોવાલિયા ટૅન્ક રોડથી તાડદેવ રોડ સુધીના રસ્તા સાથે તેમનું નામ જોડવામાં આવ્યું હતું. આજે પણ ટપાલ-ખાતું તો એ જ નામે આ રસ્તાને ઓળખે છે. આ રસ્તા પર આવેલી એક સોસાયટીમાં એક જમાનામાં જ્યોતીન્દ્ર દવે, હરીન્દ્ર દવે, તારક મેહતા જેવા આપણી ભાષાના જાણીતા લેખકો, અગ્રણી અભિનેતા દીપક ઘીવાળાના પિતા છોટાલાલ ઘીવાળા વગેરે રહેતા હતા.

બ્રિટનના તાજ દ્વારા નિમાયેલા મુંબઈના પહેલા ગવર્નર હતા સર હેન્રી બાર્ટલ ફ્રેરે. ૧૮૧૫ની ૨૯ માર્ચે જન્મ, ૧૮૮૪ની ૨૯ મેએ અવસાન. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કૉલેજમાં ભણી લીધા પછી ૧૮૩૪માં મુંબઈ સરકારમાં ‘રાઇટર’ તરીકે નિમાયા, ૧૮૩૫માં પુણેના કલેક્ટર, ૧૮૪૨માં મુંબઈના ગવર્નર સર જ્યૉર્જ આર્થરના પ્રાઇવેટ સેક્રેટરી, ૧૮૪૪માં ગવર્નર આર્થરની દીકરી કેથરિન સાથે લગ્ન, ૧૮૫૦માં સિંધના કમિશનર, ૧૮૬૨થી ૧૮૬૭ સુધી મુંબઈના ગવર્નર. એક જમાનામાં સલામતી માટે અનિવાર્ય હતો એ મુંબઈનો કિલ્લો (ફોર્ટ) બિનજરૂરી બની ગયો છે અને શહેરના વિકાસને રૂંધી રહ્યો છે એમ લાગતાં તેમણે કિલ્લો તોડી પડાવ્યો. કિલ્લાનો ‘ચર્ચગેટ’ નામનો દરવાજો હતો એ તોડી પડાવીને એ જ જગ્યાએ ફુવારો બાંધવાનો તેમણે નિર્ણય કર્યો. આજનું ફ્લોરા ફાઉન્ટન એ જ આ ફુવારો. આ ફુવારાનો ઇતિહાસ પણ રસિક છે, પણ એની વાત હવે પછી. અત્યારે તો એક વાત નોંધી લઈએ. મુંબઈનો કિલ્લો તોડી પડાયો, ફ્લોરા ફાઉન્ટન અને એની આસપાસનો વિસ્તાર વિકસવા લાગ્યો, એ સાથે જ બૉમ્બે ગ્રીન્સ કહેતાં એલ્ફિન્સ્ટન સર્કલનું મહત્ત્વ ઘટવા લાગ્યું. કિલ્લો હતો ત્યાં સુધી એ કિલ્લામાંના શહેરનું મુખ્ય સ્થળ અને કેન્દ્રબિંદુ હતું એ સર્કલ, પણ પછી એ જાણે પાછળ ધકેલાઈ ગયું અને છતાં ફરી એક વાર એનું નામ બદલાયું. એના આ ત્રીજા અવતારની વાત હવે પછી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK