મુંબઈ: માત્ર સારવાર જ નહીં, તાતાએ ભોજન અને આશરો પણ આપ્યો

Published: Apr 20, 2020, 08:11 IST | Arita Sarkar | Mumbai

પરેલમાં આવેલી તાતા મેમોરિયલ હૉસ્પિટલે બહારગામથી આવેલા ૨૦૦ જેટલા પેશન્ટો અને તેમના પરિવાર માટે રહેવા તેમ જ જમવાની વ્યવસ્થા કરી

હૉસ્પિટલની બહાર ફુટપાથ પર ઊભેલી જળગાંવથી પોતાના ૧૦ મહિનાના કૅન્સરથી પીડિત બાળક સાથે આવેલી ભાવના પાટીલ તેમને રહેવાના સ્થળે લઈ જતી બસની રાહ જોઈ રહી છે. તસવીર : પ્રદીપ ધિવાર
હૉસ્પિટલની બહાર ફુટપાથ પર ઊભેલી જળગાંવથી પોતાના ૧૦ મહિનાના કૅન્સરથી પીડિત બાળક સાથે આવેલી ભાવના પાટીલ તેમને રહેવાના સ્થળે લઈ જતી બસની રાહ જોઈ રહી છે. તસવીર : પ્રદીપ ધિવાર

પરેલમાં આવેલી તાતા મેમોરિયલ હૉસ્પિટલમાં કૅન્સર પેશન્ટો ઉપરાંત હિન્દમાતા ફ્લાયઓવરની નીચે તેમ જ નજીકની ફુટપાથ પર રહેતા પેશન્ટો અને તેમના સંબંધીઓ સહિત ૨૦૦ જેટલા લોકોને હૉસ્પિટલના મૅનેજમેન્ટ દ્વારા મહિનાની શરૂઆતથી રહેવા તેમ જ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

હૉસ્પિટલના વરિષ્ઠ પીઆરઓ સૈયદ હુમાયુ જાફરીએ જણાવ્યું હતું કે હૉસ્પિટલમાં સારવાર લેતા કે પછી હાલમાં જ સારવાર પૂરી કરનારા લગભગ ૬૦ જેટલા લોકો હૉસ્પિટલની નજીક તેમ જ ફ્લાયઓવરની નીચે રહેતા હતા. ૧૮ પેશન્ટ્સ અને તેમના ૫૦ જેટલા સંબંધીઓને મરોલસ્થિત ઝૈદ ઇન્ટરનૅશનલ હોટેલમાં ખસેડી તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પેશન્ટોને સારવાર કરાવવી આવશ્યક હોવાથી અમે તેમને હૉસ્પિટલ લાવવા-લઈ જવા માટે બેસ્ટની બસની વ્યવસ્થા કરી હતી.

આ પેશન્ટોમાંના કેટલાક મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોના તો કેટલાક બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના હતા. લૉકડાઉનને કારણે તોએ પોતાના ઘરે જવા અસમર્થ હોવાથી તેમના તેમ જ તેમના પરિવારજનો માટે પણ આવી જ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘાટકોપરની સર્વોદય હૉસ્પિટલમાં ૧૦ પેશન્ટની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમની સારવાર માટે પણ બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. બીએમસીની મદદથી અન્યોને દાદરમાં અહુજા હૉલ અને બાંદરામાં ઉત્તર ભારતીય સંઘ હૉલમાં ખસેડવામાં આવ્યા હતા.

હૉસ્પિટલના ડિરેક્ટર ડૉક્ટર સી. એસ. પ્રણેશે કહ્યું હતું કે જેમની સારવાર પૂર્ણ થઈ ચૂકી હતી, તેમને ખારઘરમાં શ્રદ્ધા ફાઉન્ડેશનમાં રાખવામાં આવ્યા હતા તેમ જ કારની વ્યવસ્થા કરીને રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં તેમ જ બિહારના કેટલાક લોકોને પાછા ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK