આજે રાજ ઠાકરેનો પાકિસ્તાની અને બંગલાદેશી ઘૂસણખોરો વિરોધી મોરચો

Published: Feb 09, 2020, 08:27 IST | Dharmendra Jore | Mumbai

આજે રાજ ઠાકરેના મોરચા પછી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના જમણેરી વળાંકને નવું જોમ મળે અને પક્ષ રાજકીય દૃષ્ટિએ વધુ ધારદાર બને એવી સંભાવના છે.

રાજ ઠાકરે
રાજ ઠાકરે

આજે રાજ ઠાકરેના મોરચા પછી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના જમણેરી વળાંકને નવું જોમ મળે અને પક્ષ રાજકીય દૃષ્ટિએ વધુ ધારદાર બને એવી સંભાવના છે. પાકિસ્તાન, બંગલા દેશ અને અફઘાનિસ્તાનથી આવેલા ગેરકાયદે મુસ્લિમ હિજરતીઓને કાઢી મૂકવાની માગણી સાથે દક્ષિણ મુંબઈના મરીન લાઇન્સસ્થિત હિન્દુ જિમખાનાથી આઝાદ મેદાન સુધી મનસેનો મોરચો યોજાઈ રહ્યો છે. મોરચાને યાદગાર બનાવવાના ઇરાદા સાથે કેટલાક દિવસોથી તૈયારીઓ ચાલતી હતી. આ મોરચા માટે મનસેએ સમગ્ર રાજ્યમાંથી બે લાખ કાર્યકરોને સક્રિય બનાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. કાર્યકરોની સહભાગિતા અને શિસ્તના સંદર્ભોમાં મોરચાને યાદગાર બનાવવાનો સંકલ્પ મનસેએ જાહેર કર્યો હતો.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ તાજેતરમાં છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રા સહિતનો નવો ભગવો ધ્વજ અપનાવ્યો હતો. એ ઉપરાંત પક્ષના પ્રમુખ રાજ ઠાકરેએ કેન્દ્ર સરકારની ગેરકાયદે ઘૂસણખોરોને ભગાડવાની વ્યવસ્થાને સમર્થન જાહેર કર્યું છે. જોકે રાજ ઠાકરેએ એમના વિદેશી ઘૂસણખોરો વિરોધી વલણને નાગરિકતા કાયદાને પૂરક ગણાવવાનો ઇનકાર કર્યો હતો. વિવાદના ઝંઝાવાતનો સામનો કરતા નવા કાયદાની બંધારણીય યોગ્યતાને પડકારવામાં આવી છે. જોકે રાજ ઠાકરે નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સના વહેલી તકે અમલનો આગ્રહ રાખે છે. રાજ ઠાકરે શિવસેનાથી અલગ વલણ અપનાવીને હિન્દુત્વતરફી મતોને મનસેની ઝોળીમાં નાખવાની વેતરણમાં હોવાનું મનાય છે.

મુંબઈ પોલીસ સામાન્ય રીતે મોરચાની તરફેણમાં હોતી નથી, પરંતુ એમને આઝાદ મેદાનમાં સભાઓ યોજવા સામે કોઈ વાંધો હોતો નથી, પરંતુ આજના મનસેના મોરચાને પૂર્ણ સહકારની મુંબઈ પોલીસે બાંયધરી આપી છે.

હિન્દુ જિમખાનાથી મોરચો આઝાદ મેદાન પહોંચ્યા પછી જાહેરસભા

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા શિરીષ સાવંતે જણાવ્યું હતું કે ‘આજે મરીન લાઇન્સ સ્થિત હિન્દુ જિમખાના ખાતે મનસેના કાર્યકરો એકઠા થશે અને ત્યાં બપોરે બાર વાગ્યે અમારા પક્ષપ્રમુખ રાજ ઠાકરે જોડાશે. ત્યાર પછી અમારો મોરચો દક્ષિણ મુંબઈ તરફ આગળ વધીને મરીન લાઇન્સ, મેટ્રો સિનેમા અને ફૅશન સ્ટ્રીટના રસ્તે આઝાદ મેદાન પહોંચશે. ત્યાં રાજ ઠાકરે સભાને સંબોધશે. પક્ષના કાર્યકરોને એમનાં વાહનો મરીન ડ્રાઇવ પાર્કિંગ, એનસીપીએ પાસેનો વિસ્તાર અને પી.ડીમેલો રોડ પર મૂકીને આઝાદ મેદાનમાં જોડાવાની સૂચના આપવામાં આવી છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK