મુંબઈ પોલીસની આબરૂના ધજાગરા કરતા બે વિડિયો ટિકટૉક પર થયા વાઇરલ

Published: Feb 08, 2020, 07:36 IST | Mehul Jethva | Mumbai

કૉન્સ્ટેબલ પર સિગારેટનો ધુમાડો છોડતા ને પોલીસ-કારમાંથી ઊતરતા બે યુવાનોને શોધી રહી છે પોલીસ

ટિકટૉક
ટિકટૉક

મુંબઈ પોલીસ-કૉન્સ્ટેબલ સામે જ માન્યા સુર્વેનો ડાયલૉગ બોલીને તેના મોઢા પર સિગારેટનો ધુમાડો ઉડાડતો વિડિયો ટિકટૉક પર વાઇરલ થયો છે. બીજી ઘટનામાં યુવક પોલીસ-વાહનમાંથી ઊતરીને વિડિયો બનાવતો જોવા મળે છે. મુંબઈ સાઇબર પોલીસ આ યુવકોને શોધી રહી છે.

વિડિયોમાં એક વ્યક્તિ બૉલીવુડની ફિલ્મ ‘શૂટ આઉટ ઍટ વડાલા’ના લોકપ્રિય ગીત ‘મૈં બમ્બઇ કા નયા બાપ માન્યા સર્વે’ની ધૂન પર નૃત્ય કરતો જોવા મળી રહ્યો છે, જે માન્યા સુર્વેના ઉદય, પતન અને એન્કાઉન્ટર પર આધારિત છે.

tiktok

આ શખસે માથામાં ટોપી અને ગળામાં સ્કાર્ફ લગાડેલું જૅકેટ પહેર્યું હતું અને તેણે ખુરસી પર બેઠેલા પોલીસ-કૉન્સ્ટેબલના મોઢા પર સિગારેટ પીને ધુમાડો ઉડાડ્યો હતો. આમાં આશ્ચર્યની વાત એ હતી કે યુવક પર કાર્યવાહી કરવાને બદલે એ પોલીસ ત્યાં જ બેસીને તેને જોતો રહ્યો હતો.


બીજી ઘટનામાં યુવક પોલીસના વાહનમાંથી ઊતરીને ટિકટૉક પર  વિડિયો બનાવતો જોવા મળ્યો હતો. આ વિડિયો ટિકટૉક પર વાઇરલ થતાં મુંબઈ પોલીસની આબરૂના ધજાગરા ઊડ્યા છે.

tiktok-01

મુંબઈ સાઇબર પોલીસ-સ્ટેશનના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ વિડિયો સોશ્યલ મીડિયા પર  વાઇરલ થતાં મુંબઈ પોલીસ છબિ ખરડાઈ છે. આ બે વિડિયોમાં જે યુવકો દેખાઈ રહ્યા છે તેમની શોધખાળ ચાલી રહી છે. બહુ જલદી આ બન્ને યુવકોની ધરપકડ કરીશું.

સાઇબર સેલના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ વિશાલ ઠાકુરે જણાવ્યું હતું કે વિડિયો બનાવનાર અને એમાંના ઍક્ટરની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

આ પહેલી વાર નથી, જ્યારે મુંબઈ પોલીસની મજાક ઉડાડતા વિડિયો સામે આવ્યા છે. સાઇબર પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસને ધ્યાનમાં રાખતાં લગભગ અડધો ડઝન વિડિયોની હાલમાં તપાસ ચાલી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK