મુલુંડના અકાઉન્ટન્ટ ગુજરાતી સિનિયર સિટિઝનને ટ્રેનમાં ચક્કર આવતાં તબિયત લથડી

Published: Mar 13, 2020, 11:16 IST | Mumbai

દાદર સ્ટેશને ધસારાના સમયે પ્રવાસીઓને ઊભા રહેવાની જગ્યા નથી મળતી ત્યારે દાદર રેલવે પોલીસે મુલુંડ-વેસ્ટમાં રહેતા એક ગુજરાતી વૃદ્ધ પ્રવાસીને સારવાર કેન્દ્ર સુધી લઈ જઈને સમયસર સારવાર અપાવીને પ્રાણ બચાવ્યા હતા.

દાદર સ્ટેશને ધસારાના સમયે પ્રવાસીઓને ઊભા રહેવાની જગ્યા નથી મળતી ત્યારે દાદર રેલવે પોલીસે મુલુંડ-વેસ્ટમાં રહેતા એક ગુજરાતી વૃદ્ધ પ્રવાસીને સારવાર કેન્દ્ર સુધી લઈ જઈને સમયસર સારવાર અપાવીને પ્રાણ બચાવ્યા હતા. રેલવે પોલીસની ટીમ પ્લૅટફૉર્મ ૧ ઉપરથી ૬ નંબરના પ્લૅટફૉર્મ સુધી પ્રવાસીને ખભા ઉપર ઊંચકીને લઈ ગઈ હતી.

મધ્ય રેલવેના અતિવ્યસ્ત સ્ટેશનમાં સ્થાન પામતા દાદર સ્ટેશન પર ધસારાના સમયે માર્ગ કાઢવો પ્રવાસીઓ માટે મુશ્કેલભર્યું કામ છે, ત્યારે દાદર રેલવે પોલીસે મુલુંડમાં રહેતા વ્યવસાયે અકાઉન્ટન્ટ ૬૦ વર્ષના ગુજરાતી સિનિયર સિટિઝન કિરણ સંઘવીને સમયસર સારવાર અપાવતાં તેમના પ્રાણ બચી ગયા હતા. મસ્જિદ બંદરની ઑફિસમાં કામ કરતા ગુજરાતી વૃદ્ધ સાંજે સ્લો ટ્રેનમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે દાદર સ્ટેશન પહેલાં તેમની તબિયત અચાનક લથડી હતી. સફોકેશનના કારણે ચક્કર આવવા લાગ્યા હતા અને અન્ય પ્રવાસીઓએ હેલ્પ હેલ્પની બૂમો પાડી હતી.

દાદર રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રસાદ પાંઢરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે દાદર એક એવું સ્ટેશન છે જ્યાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઊતરતા-ચડતા હોય છે. દરેક પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા માટે અમારી ટીમ હંમેશાં તહેનાત રહેતી હોય છે ત્યારે પ્રવાસીઓને મેડિકલી કે પછી અન્ય કોઈ મુશ્કેલી જણાય તો અમારી ટીમ એ દિશામાં હંમેશ તત્પર રહેતી હોય છે.

આવો જ એક કેસ સોમવારે સાંજના સમયે બન્યો હતો. મુલુંડમાં રહેતા કિરણ સંઘવીને ટ્રેનમાં સફોકેશનને કારણે ચક્કર આવ્યા હતા અને બેશુદ્ધ થઈ ગયા હતા. આ અંગેની માહિતી મળતાં જ અમારી ટીમ પ્લૅટફૉર્મ નંબર ૧ પર પહોંચી ગઈ હતી. સારવાર કેન્દ્ર પ્લૅટફૉર્મ નંબર ૬ ઉપર છે. કિરણ સંઘવીની હાલત અને દાદર સ્ટેશન પરની ભીડને જોતાં સ્ટ્રેચર પર લઈ જવું કે પછી હમાલની મદદ લેવી શક્ય ન હોવાથી હવાલદાર મચિંદ્ર નાગરગોરજે સંઘવીને ખભા પર ઊંચકી લીધા હતા અને તેની સહાય નંદકુમાર શિંદે અને મંગેશ કોળીએ કરી હતી.

કિરણ સંઘવીના મુલુંડ વેસ્ટમાં રહેતા નાના ભાઈ વસંત સંઘવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મારા મોટા ભાઈ સાંજના સમયે નિયમિત ઘરે આવી જતા હોય છે, પણ સોમવારે તેઓ થોડા મોડા પડ્યા હતા. મોડી સાંજે તેમની તબિયત લથડી હોવાનો દાદર રેલવે પોલીસ સ્ટેશનથી ફોન આવતાં હું તાબડતોબ ત્યાં પહોંચી ગયો હતો. જોકે હું પહોંચ્યો ત્યારે કિરણભાઈ સ્વસ્થ જણાતા હતા. કિરણભાઈની તબિયત બગડી ત્યારે પરિવારનો કોઈ પણ સભ્ય ત્યાં તાબડતોબ પહોંચી શકે એમ નહોતો અને પોલીસે જે રીતે મારા ભાઈને સમયસર સારવાર અપાવી એ બદલ તેમનો આભારી છું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK