મુંબઈ : આવતી કાલે મનસેનું રેલવે પ્રવાસ આંદોલન

Published: 20th September, 2020 10:45 IST | Mumbai Correspondent | Mumbai

બસમાં ભારે ભીડ થાય છે, સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નથી તો લોકલ ટ્રેન શરૂ કરવામાં શું વાંધો છે? એમએનએસના કાર્યકરો ડોમ્બિવલી, કલ્યાણ, વસઈ-વિરાર, દાદર, પનવેલ, પરેલ વગેરે રેલવે-સ્ટેશનોએ જઈને ટ્રેનમાં પ્રવાસ કરશે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોના મહામારીનો અંત મુંબઈમાં ક્યારે આવશે એનો કોઈ અંદાજ નથી, પરંતુ મુંબઈના લોકો મુંબઈની લાઇફલાઇન ગણાતી ટ્રેન બંધ હોવાથી આકરી પરીક્ષાનો સામનો કરી રહ્યા છે. રાજ્ય સરકાર લોકલ ટ્રેન પર કોઈ ઉપાય યોજના કરીને એને શરૂ કરે એવી માગણી સાથે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) ૨૧ સપ્ટેમ્બરે જનતાના હિત માટે ‘મનસેચા રેલવે પ્રવાસ’ એવું આંદોલન કરશે.

આ આંદોલન વિશે માહિતી આપતાં એમએનએસના વરલીના વિધાનસભાના અધ્યક્ષ સંતોષ ધુરીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘એક બાજુ બધું અનલૉક થઈ રહ્યું છે. મોટા ભાગનાં બધાં ટ્રાન્સપોર્ટ ચાલુ થઈ ગયાં છે અને એની સાથે ઘણી ઑફિસો ચાલુ થઈ હોવાથી લોકો બેસ્ટની બસમાં અને એસટીમાં પ્રવાસ કરે છે. જ્યાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવું કંઈ જોવા જ મળતું નથી. જો બસમાં એટલી ભીડ થાય જ છે તો લોકોની સુવિધા માટે લોકલ ટ્રેન કેમ શરૂ કરવામાં આવતી નથી. કોરોના ક્યારે જશે એનો કોઈ અંદાજ નથી. એથી કોરોના જશે એના ભરોસે બેસી રહેવાનો કોઈ અર્થ નથી. રાજ્ય સરકારે કોઈ ઉપાય યોજના વિચારીને ટ્રેન શરૂ કરવી જરૂરી છે. ઑફિસના સમયમાં બદલાવ કરવાથી ભીડ ઓછી થશે. લોકોની નોકરી જોખમમાં છે એથી તેઓ બાઇક, પ્રાઇવેટ વાહનમાં શૅરિંગ સિસ્ટમ કરીને પૈસા ન હોય તો ઉધાર પૈસા લઈને પેટ્રોલ ભરીને પ્રવાસ કરી રહ્યા છે. લાંબા અંતરે કામે જતા લોકોનો તો મરો જ છે. આવી અનેક સમસ્યાને ધ્યાનમાં લઈને એમએનએસના કાર્યકરો ડોમ્બિવલી, કલ્યાણ, વસઈ-વિરાર, દાદર, પનવેલ, પરેલ વગેરે રેલવે-સ્ટેશનોએ જઈને ટ્રેનમાં પ્રવાસ કરીને આંદોલન કરવાના છે. અમારા આંદોલનને અનેક નાગરિકો સાથે ઉપનગરીય રેલવે પ્રવાસી એકતા સંસ્થા (મહાસંઘ) દ્વારા પણ અમને સપોર્ટ મળ્યો છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK