મુંબઈ મૅરથૉનમાં ભાગ લેવો છે, પણ જરૂરી સર્ટિફિકેટ નથી?

Published: 28th July, 2012 05:05 IST

આવતી કાલે વહેલી સવારે પહોંચી જાઓ કાંદિવલી : ખાસ ચૅલેન્જ રનનું આયોજન

merethone-certyficatમુંબઈ મૅરથૉનમાં ભાગ લેવા માટે આ વખતે નિયમોમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે અને દરેક કૅટેગરીમાં દોડવા માટે ખાસ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે એટલે જે કોઈ વ્યક્તિને આવા માપદંડ ધરાવતું સર્ટિફિકેટ લેવું હોય અને જેમની ક્ષમતા દોડ પૂરી કરવાની હોય તેમના માટે આવતી કાલે કાંદિવલી (વેસ્ટ)ના મહાવીરનગરમાં એક ચાન્સ છે. મહાવીરનગર ફેડરેશને કાલે સવારે છ વાગ્યે આખા મુંબઈના લોકો ભાગ લઈ શકે એવી ૧૦ કિલોમીટરની ‘ચૅલેન્જ રન’નું આયોજન કર્યું છે. ૯૦ મિનિટમાં ૧૦ કિલોમીટરનું અંતર દોડીને પૂરું કરનારા સ્પર્ધકને ફેડરેશન તરફથી એક સર્ટિફિકેટ આપવામાં આવશે, જે બતાવીને તે ૨૦૧૩ની ૨૦ જાન્યુઆરીએ યોજાનારી મુંબઈ મૅરથૉનમાં ભાગ લઈ શકશે.

મુંબઈ મૅરથૉનનું રજિસ્ટ્રેશન ૧૯ જુલાઈથી શરૂ થઈ ગયું છે અને આ વખતે જે કૅટેગરીમાં ભાગ લેવાનો હોય એ કૅટેગરીમાં અગાઉ ભાગ લીધો હોવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. વળી એ કૅટેગરી માટે નક્કી કરેલા સમયમાં એ દોડ પૂરી પણ કરેલી હોવી જરૂરી છે. આવી દોડ મુંબઈ મૅરથૉનના આયોજન પહેલાંના ૨૪ મહિનામાં રાજ્યના કોઈ પણ માન્યતાપ્રાપ્ત ઍથ્લેટિક અસોસિએશને આયોજિત કરેલી હોવી જરૂરી છે. ફુલ મૅરથૉન માટે ૪૨ કિલોમીટરનું અંતર સાત કલાકમાં, હાફ મૅરથૉન માટે ૨૧ કિલોમીટરનું અંતર સવાત્રણ કલાકમાં અને ૧૦ કિલોમીટરનું અંતર ૯૦ મિનિટમાં કાપેલું હોવું જરૂરી છે. આવું સર્ટિફિકેટ બતાવ્યા પછી જ મુંબઈ મૅરથૉનમાં ભાગ લેવા મળવાનો છે. આમ આવા નિયમોને કારણે ઘણા લોકો આ મૅરથૉનથી વંચિત રહે એવું લાગતું હતું ત્યારે મહાવીરનગર ફેડરેશને આ ‘ચૅલેન્જ રન’નું આયોજન કરીને સ્પર્ધકોને એક માર્ગ ખોલી આપ્યો છે.

મહાવીરનગર ફેડરેશનના સેક્રેટરી અરુણ કેજરીવાલે કહ્યું હતું કે આ સ્પર્ધાનું આયોજન માસ્ટર્સ ઍથ્લેટિક અસોસિએશન ઑફ મુંબઈ સબર્બન ડિસ્ટ્રિક્ટના સહયોગમાં કરવામાં આવ્યું છે. વળી મુંબઈ મૅરથૉન માટે દોડવીરોને તૈયાર કરતી રન ઇન્ડિયા રન નામની સંસ્થાનો પણ અસોસિએશનને સાથ મળ્યો છે. આવતી કાલે સવારે છ વાગ્યે કાંદિવલી (વેસ્ટ)માં મહાવીરનગરમાં કપોળ વિદ્યાનિધિ સ્કૂલ પાસે આ સ્પર્ધા યોજાઈ છે. સ્પૉટ એન્ટ્રી સવારે પોણાછ વાગ્યાથી શરૂ થશે. આ સ્પર્ધા આખા મુંબઈના ઍથ્લીટો માટે ખુલ્લી છે. ૩૦થી ૪૦ વર્ષની વયજૂથ ઉપરાંત ૫૦ વર્ષ નીચેનાં અને ૬૦ વર્ષ નીચેનાં સ્ત્રી-પુરુષો પણ એમાં ભાગ લઈ શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK