પહેલી તારીખ પહેલાં જૂના ભાવે ટ્રેનનો પાસ કઢાવી લો

Published: 22nd December, 2012 08:59 IST

મુંબઈ અર્બન ટ્રાન્સર્પોટ પ્રોજેક્ટની લોનની ભરપાઈ માટે વધુ સરચાર્જ વસૂલવામાં આવશે
લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા લોકોએ પહેલી જાન્યુઆરીથી વધુ સરચાર્જ ચૂકવવો પડશે એટલે મુંબઈમાં લોકલનો પ્રવાસ મોંઘો થવાનો છે. આની સત્તાવાર જાહેરાત ગઈ કાલે નવી દિલ્હીમાં કરવામાં આવી હતી. માત્ર ૧૦ કિલોમીટર કે એનાથી ઓછા અંતરના પ્રવાસ માટે એમાં કોઈ વધારો થવાનો નથી. વળી પહેલી જાન્યુઆરી ૨૦૧૩ પહેલાં કઢાવવામાં આવેલી ટિકિટોને પણ આ વધારાથી બાકાત રાખવામાં આવી છે. એનો અર્થ એ છે કે પહેલી જાન્યુઆરી પહેલાં સીઝન ટિકિટ ખરીદવામાં આવશે તો આ વધારો લાગુ નહીં પડે.

લોકલ ટ્રેનમાં મિનિમમ ભાડું એટલું જ રહેશે. ૧૦ કિલોમીટરના અંતર પછીના પ્રવાસ માટે આ સરચાર્જમાં વધારો થશે. લોકલ ટ્રેનમાં સેકન્ડ ક્લાસમાં પ્રવાસ કરવા માટે હવે સરચાર્જ એકને બદલે ત્રણ રૂપિયા ચૂકવવો પડશે, જ્યારે ફસ્ર્ટ ક્લાસમાં આ સરચાર્જ બે રૂપિયાને બદલે છ રૂપિયા ચૂકવવો પડશે. આમ એમાં બેથી લઈને ચાર રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. સેકન્ડ ક્લાસના માસિક પાસ પર સરચાર્જમાં વધારો ૩૦થી લઈને ૬૦ રૂપિયા જ્યારે ફસ્ર્ટ ક્લાસમાં ૬૦થી લઈને ૧૨૦ રૂપિયા જેટલો થશે. મુંબઈ અર્બન ટ્રાન્સર્પોટ પ્રોજેક્ટની લોન ચૂકવવા માટે પૅસેન્જરો પાસેથી આ વધારો વસૂલ કરવામાં આવવાનો છે જેનો પૅસેન્જર અસોસિએશનોએ વિરોધ કર્યો છે. આ વધારાથી રેલવે દર વર્ષે ૧૬૦ કરોડ રૂપિયા સરચાર્જરૂપે મેળવશે.

પાસમાં કેટલો સરચાર્જ વધશે?


સેકન્ડ ક્લાસ મન્થ્લી પાસ : ૧૧થી ૫૦ કિલોમીટરના અંતર માટે ૧૦થી વધી ૩૦ રૂપિયા, ૫૧થી ૧૦૦ કિલોમીટરના અંતર માટે ૧૫થી વધી ૪૫ રૂપિયા અને ૧૦૧થી ૧૫૦ કિલોમીટરના અંતર માટે ૨૦થી વધી ૬૦ રૂપિયા.

સેકન્ડ ક્લાસ ક્વૉર્ટર્લી પાસ : ૧૧થી ૫૦ કિલોમીટરના અંતર માટે ૩૦ થી વધી ૯૦ રૂપિયા, ૫૧થી ૧૦૦ કિલોમીટરના અંતર માટે ૪૫ થી વધી ૧૧૫ રૂપિયા અને ૧૦૧થી ૧૫૦ કિલોમીટરના અંતર માટે ૬૦થી વધી ૧૮૦ રૂપિયા.

ફર્સ્ટ ક્લાસ મન્થ્લી પાસ : ૧૧થી ૫૦ કિલોમીટરના અંતર માટે ૨૦થી વધી ૬૦ રૂપિયા, ૫૧થી ૧૦૦ કિલોમીટરના અંતર માટે ૩૦ થી વધી ૯૦ રૂપિયા અને ૧૦૧થી ૧૫૦ કિલોમીટરના અંતર માટે ૪૦થી વધી ૧૨૦ રૂપિયા.

ફર્સ્ટ ક્લાસ ક્વૉર્ટર્લી પાસ : ૧૧થી ૫૦ કિલોમીટરના અંતર માટે ૬૦થી વધી ૧૮૦ રૂપિયા, ૫૧થી ૧૦૦ કિલોમીટરના અંતર માટે ૯૦થી વધી ૨૭૦ રૂપિયા અને ૧૦૧થી ૧૫૦ કિલોમીટરના અંતર માટે ૧૨૦થી વધી ૩૬૦ રૂપિયા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK