Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વરસાદને કારણે ટ્રેનસર્વિસ ખોરવાઈ

વરસાદને કારણે ટ્રેનસર્વિસ ખોરવાઈ

28 August, 2012 05:29 AM IST |

વરસાદને કારણે ટ્રેનસર્વિસ ખોરવાઈ

વરસાદને કારણે ટ્રેનસર્વિસ ખોરવાઈ


train-stop-rainરવિવાર સાંજથી શરૂ થયેલા વરસાદને કારણે ગઈ કાલે મુંબઈગરાઓની હાલત કફોડી થઈ ગઈ હતી. કેટલીક ટ્રેનસર્વિસ કૅન્સલ કરવામાં આવી હતી તો ઘણી ટ્રેનો ૩૦ મિનિટ મોડી દોડતી હતી. ડબ્બામાં પ્રવેશવા માટે તેમ જ પ્લૅટફૉર્મ પર ઊભા રહેવા માટે પણ મુસાફરોએ ભારે સંઘર્ષ કરવો પડે એવી સ્થિતિ હતી. ઘણી જગ્યાએ પાણી ભરાવાને કારણે તો કેટલાંક સ્થળોએ સિગ્નલ ખોટકાવાને કારણે સેન્ટ્રલ, હાર્બર તથા વેસ્ટર્ન લાઇનની ટ્રેનો મોડી પડી હતી.

વેસ્ટર્ન રેલવેના પબ્લિક રિલેશન્સ ઑફિસર (પીઆરઓ) શરત ચંદ્રાયને કહ્યું હતું કે વરસાદને કારણે કોઈ ટ્રેન મોડી પડી નથી કે કૅન્સલ પણ કરવામાં નથી આવી. સેન્ટ્રલ રેલવેના પીઆરઓ એ. કે. સિંહે કહ્યું હતું કે ૧૫ મિનિટ ટ્રેનો મોડી હતી, પરંતુ સમસ્યાનું નિરાકરણ લાવવાથી હવે ટ્રેનો સમયસર દોડી રહી છે. સેન્ટ્રલ રેલવેમાં અંદાજે ૩૦ જેટલી સર્વિસ કૅન્સલ કરવામાં આવી હતી.



સવારે પડેલા ભારે વરસાદને કારણે ઘણા લોકોએ ઑફિસ જવાનું માંડી વાળ્યું હતું તો કેટલાક લોકો સ્ટેશન પરની ભીડ જોઈને જ પાછા ઘરે ગયા હતા. મલાડથી ગ્રાન્ટ રોડ જતી આફરીન શેખે કહ્યું હતું કે ‘ટ્રેન સમયસર મળી રહે એ માટે હું ઘરેથી જલદી નીકળી, પરંતુ ભીડને કારણે ડબ્બામાં પ્રવેશી નહીં શકી. મને ૨૦૦૫ની ૨૬ જુલાઈની ઘટનાના પુનરાવર્તનની બીક લાગતાં મેં ઘરે પાછા જવાનું નક્કી કર્યું.’


કેટલાક લોકો હિંમત કરીને ઑફિસમાં પહોંચ્યા તો ત્યાં પણ ઓછી હાજરી જોવા મળી હતી. જોકે ઘણા લોકો મુંબઈ શહેરમાં પડેલા વરસાદને કારણે રાજી પણ થયા હતા, કારણ કે વરસાદ ઓછો પડતાં ઘણી વિકટ પરિસ્થિતિની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી.

વૃક્ષ રિક્ષા પર પડતાં ડ્રાઇવર ઘાયલ : ચાર વાહનોને નુકસાન


ગઈ કાલે ચેમ્બુરમાં આવેલા આંબેડકર ગાર્ડન નજીક ગુલમહોરનું એક વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં રિક્ષાડ્રાઇવર ઘાયલ થયો હતો. સવારે સવાદસ વાગ્યે ભારે અવરજવર ધરાવતા આ વિસ્તારમાં વૃક્ષને કારણે અન્ય ત્રણ વાહનોને પણ નુકસાન થયું હતું. ૪૪ વર્ષના સુધાકર કુંભારકર નામના રિક્ષાડ્રાઇવરને કેટલાક રાહદ્વારીઓ હૉસ્પિટલમાં તેમ જ ત્યાર બાદ બપોરે સાડાત્રણ વાગ્યે સાયન હૉસ્પિટલમાં લઈ ગયા હતા.

સાયન હૉસ્પિટલમાં તેને લાવવામાં આવ્યો ત્યારે પીઠના ભાગે થયેલી ઈજાને કારણે તેને ચાલવામાં મુશ્કેલી પડતી હતી.

આ વૃક્ષને કારણે ત્યાં પાર્ક કરેલી હૉન્ડા સિટી કાર, સ્વિફ્ટ ડિઝાયર અને બોલેરો જીપને પણ નુકસાન થયું હતું. ચેમ્બુર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રમેશ સોનાનંદકરે કહ્યું હતું કે આ ઘટનાને કારણે રિક્ષાને બહુ નુકસાન થયું હતું.

વરસાદથી મુંબઈગરાને ગરમીમાં રાહત

મૉન્સૂનની સીઝનમાં પણ લાંબા સમયથી વરસાદ ન પડતાં ગરમી અને બફારાથી હેરાન થઈ રહેલા મુંબઈગરાને ગઈ કાલે ધોધમાર વરસાદ તૂટી પડતાં રાહત થઈ હતી. પશ્ચિમ કિનારે દરિયામાં સર્જાયેલા દબાણને કારણે અને દક્ષિણ-પશ્ચિમી પવનો વાતાં આ વરસાદ થયો હતો. શક્ય છે કે વરસાદ થતાં આવનારા દિવસોમાં પાણીની ખેંચ ઓછી પડે.

મુંબઈમાં પડેલા આ વરસાદ વિશે વધુ માહિતી આપતાં કોલાબા વેધશાળાના ડિરેક્ટર વી. કે. રાજીવે કહ્યું હતું કે ‘થોડા દિવસ પહેલાં જે ડલ વાતાવરણ હતું એ હવે પલટાઈ ગયું છે. દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે એટલું જ નહીં, દરિયામાં પણ હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે જેને કારણે મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે. આ આખી પ્રક્રિયાને કારણે માત્ર મુંબઈમાં જ નહીં, રાજ્યમાં પણ સારો વરસાદ થઈ રહ્યો છે.’

વરસાદને કારણે ગઈ કાલે શહેરના તાપમાનમાં પણ ભારે ઘટાડો નોંધાયો હતો. કોલાબામાં મૅક્સિમમ ટેમ્પરેચર ૨૬ ડિગ્રી સેલ્સિયસ અને મિનિમમ ટેમ્પરેચર ૨૪.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે સાંતાક્રુઝમાં મૅક્સિમમ ટેમ્પરચર ૨૬.૬ ડિગ્રી સેલ્સિયસ અને મિનિમમ ટેમ્પરેચર ૨૪.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગઈ કાલે કોલાબામાં ૬૫.૬ મિલીમીટર અને સાંતાક્રુઝમાં ૪૫ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

મુંબઈ સહિત કોંકણ વિસ્તારમાં પણ ગઈ કાલે સારો વરસાદ થયો હતો એમ જણાવીને વી. કે. રાજીવે કહ્યું હતું કે ‘જોકે એમાં થોડી કમી આવી શકે એમ છે. એમ છતાં જે રીતનાં વાદળાં છવાયેલાં છે એ જોઈને અમને આશા છે કે આવતા ૨૪ કલાકમાં ત્યાં પણ સારો વરસાદ થવો જોઈએ.’

તેમને એમ પૂછવામાં આવ્યું કે શું ગઈ કાલે આ સીઝનનો સૌથી વધુ વરસાદ પડ્યો હતો? ત્યારે તેમણે ના પાડી હતી.

પાણીકાપ પાછો ખેંચવાનો નિર્ણય ૧૫ સપ્ટેમ્બરે

કોલાબા વેધશાળાએ આવતા ૨૪ કલાકમાં સારા વરસાદની કરેલી આગાહી અને જળાશયોમાં પાણીની આવક થઈ હોવા છતાં સુધરાઈ અત્યારે ચાલી રહેલા ૧૦ ટકા પાણીકાપને પાછો ખેંચવાનો નિર્ણય ૧૫ સપ્ટેમ્બરે રિવ્યુ કર્યા બાદ જ લેશે. હાલમાં પડેલા સારા વરસાદ બાદ મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોની પાણીની આવક થઈ છે. અત્યારે જળાશયોમાં ૯,૦૩,૩૪૮ મિલ્યન લિટર પાણી છે જે આવતા ૨૬૦ દિવસ ચાલી શકે એમ છે.

છેલ્લા કેટલાક દિવસોમાં બધાં જ જળાશયોની સપાટીમાં વધારો થયો છે અને જો વેધશાળાની આગાહી માનવામાં આવે તો આવનારા દિવસોમાં તાનસા લેક છલકાઈ જશે. એના છલકાવામાં હવે માત્ર એક મીટર લેવલ બાકી રહ્યું છે. એ જ રીતે તુલસી પણ ટૂંક સમયમાં છલકાઈ જશે. તુલસી લેકમાં આ ફરક બે મીટરનો છે. સુધરાઈના પ્રવક્તાએ આ બાબતે કહ્યું હતું કે ‘અમે ઇચ્છીએ છીએ કે સતત વરસાદ વરસે, જેને કારણે મુંબઈની પાણીની સમ્ાસ્યાનો અંત આવે. આવતા ૨૪ કલાકમાં જો ધોધમાર વરસાદ આવે અને જળાશયોમાં આવક થાય તો પાણીકાપ વગર પાણીનો સપ્લાય થઈ શકશે.’

સુધરાઈના ચીફ હાઇડ્રોલિક એન્જિનિયર રમેશ બાંબળેએ કહ્યું હતું કે ‘અમને આશા છે કે ટૂંક સમયમાં જળાશયો છલકાઈ જશે અને મુંબઈને પૂરતું પાણી મળી રહેશે. અમે ૧૫ સપ્ટેમ્બરે આ બાબતે રિવ્યુ કરીશું. એ દરમ્યાન ક્લાઉડ સીડિંગ કરી કૃત્રિમ વરસાદ વરસાવવાની પ્રક્રિયા ચાલુ રહેશે.’    

સપ્ટેમ્બરમાં સારો વરસાદ

આ મહિનાની શરૂઆતમાં વેધશાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પૅસિફિક મહાસાગરમાં ગરમી વધવાને કારણે અલ નિનો ઇફેક્ટ સંકડાઈ હતી જેને કારણે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ ઓછો થવાની શક્યતાઓ હતી. જોકે હવે અલ નિનોનું જોર ઓસરવા લાગતાં સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થવાના ચાન્સિસ વધી ગયા છે.

Whatsapp-channel Whatsapp-channel

28 August, 2012 05:29 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK