Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મુંબઈની મોટી સાહ્યબી, સુખ સ્વર્ગ સમાન દિલગીરીવાળી દેખાય છે...

મુંબઈની મોટી સાહ્યબી, સુખ સ્વર્ગ સમાન દિલગીરીવાળી દેખાય છે...

18 January, 2020 03:17 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

મુંબઈની મોટી સાહ્યબી, સુખ સ્વર્ગ સમાન દિલગીરીવાળી દેખાય છે...

મુંબઈની મોટી સાહ્યબી, સુખ સ્વર્ગ સમાન દિલગીરીવાળી દેખાય છે...


શેર બજારે આ શું કર્યું, વાળ્યો દુનિયાનો દાટ

લાજ લીધી લાખો લોકોની, ઉપજાવ્યા ઉચાટ



પ્રથમ તો પૈસા પમાડિયા,લલચાવિયા લોક


મૂડી વગર કીધા માનવી, ફાંફાં મારતા ફોક

મુંબઈની મોટી સાહ્યબી, સુખ સ્વર્ગ સમાન


દિલગીરીવાળી દેખાય છે, જેવું મોટું મસાણ

કૈંકે વાસણ વેચિયાં, વેચ્યા બંગલા બાગ

કોઈક કરજ દરિયે પડ્યા, તેનો ન જણાય તાગ

ઘરમાં સંતાઈ ઘણા રહે, લાગે લોકમાં લાજ

દલપતરામના દેવ તું, સૌની કરજે સહાય

આ પંક્તિઓ લખનાર કવીશ્વર દલપતરામ, મુંબઈનું શૅરબજાર અને અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન વચ્ચે સીધો સંબંધ છે એમ કોઈ કહે તો માનો? પણ એ હકીકત છે. આજે અમેરિકાના પ્રમુખને શરદી થાય તો ભારત સહિત બીજા ઘણા દેશોને છીંક આવવા લાગે છે. અને ૧૯મી સદીમાં પણ એવું જ બનેલું. યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની સ્થાપના થઈ ત્યારથી એનાં કેટલાંક રાજ્યોમાં ગુલામીની પ્રથા ઘર કરી ગઈ હતી અને દક્ષિણનાં રાજ્યોને એમાં ખાસ કશું ખોટું પણ લાગતું નહોતું. જ્યારે ઉત્તરનાં રાજ્યોમાં ગુલામીની પ્રથા ઓછી હતી અને એનો વિરોધ પણ અવારનવાર થતો હતો, પણ અમેરિકાના પ્રમુખ થયા પછી અબ્રાહમ લિંકને અમેરિકામાંથી ગુલામીની પ્રથા નાબૂદ કરવાનું નક્કી કર્યું અને એ અંગેનાં પગલાં લેવા માંડ્યાં. દક્ષિણનાં રાજ્યોએ એનો વિરોધ કર્યો અને પછી સંઘમાંથી અલગ થઈ ઉત્તરનાં રાજ્યોના લશ્કર સામે પોતાના લશ્કરને મેદાનમાં ઉતાર્યું. ૧૮૬૧ના એપ્રિલની ૧૨મી તારીખથી અમેરિકામાં આંતરવિગ્રહ શરૂ થયો.

એ જમાનો હતો સુતરાઉ કાપડની બોલબાલાનો. ગ્રેટ બ્રિટનની મિલો અમેરિકાથી રૂ આયાત કરતી, એનું કાપડ બનાવતી અને મોંઘા ભાવે એ કાપડ હિન્દુસ્તાન અને બીજાં સંસ્થાનોમાં વેચતી; પણ આંતરવિગ્રહને કારણે અમેરિકન રૂની આયાત બંધ થઈ ગઈ. એટલે એ મિલોએ હિન્દુસ્તાનથી રૂ આયાત કરવાનું મોટે પાયે શરૂ કર્યું. આથી આપણા દેશમાં રાતોરાત રૂના ભાવ વધીને આસમાને ગયા. કહે છે કે લોકોએ પોતાના ઘરનાં ગાદલાં-તકિયા ફાડીને એમાંનું રૂ પણ વેચી નાખેલું. હવે રૂ ‘સફેદ સોનું’ કહેવાતું હતું. અગાઉ વરસે દહાડે રૂની પાંચ લાખ ગાંસડીની નિકાસ થતી. ૧૮૬૫માં બાર લાખ ગાંસડીની નિકાસ થઈ. રૂની નિકાસની સાથે બીજા કેટલાય ધંધા-રોજગાર વધ્યા. આ બધાને લોન આપવા માટે નવી-નવી ખાનગી બૅન્કો શરૂ થઈ. તેમણે ઊંચા વ્યાજે પૈસા ધીર્યા. બચતના પૈસા જ નહીં, બૅન્કો પાસેથી કે ગમે ત્યાંથી પૈસા લઈને લોકોએ એ પૈસા શૅરોમાં રોક્યા. વેપારીઓ તો ઠીક પણ સરકારી નોકરો, મજૂરો, ઝાડુવાળાઓ, બધા શૅરબજારના વાદે ચડ્યા. ઘણાએ પોતાનાં ઘર, ઘરેણાં વેચી એ પૈસા શૅરમાં નાખ્યા. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ તો હજી શરૂ પણ નહોતું થયું. ટાઉનહૉલની સામે એક મોટું વડનું ઝાડ હતું એની છાયામાં વેપારીઓ અને દલાલો શૅર લિયા-દિયાનો વેપલો કરતા. કહે છે કે આ શૅર મેનિયા દરમ્યાન ત્યાં એટલા લોકો રોજ ભેગા થતા કે એ જમાનામાં પણ ત્યાં ટ્રાફિક જૅમ થઈ જતો. અને કેમ ન થાય? બેકબે રેક્લેમેશન કંપનીનો પાંચ હજાર રૂપિયાનો શૅર પચાસ હજાર રૂપિયામાં વેચાતો હતો, બૅન્ક ઑફ બૉમ્બેનો ૫૦૦નો શૅર ૨૮૫૦માં વેચાતો હતો.

શૅર-સટ્ટાના આ ઘોડાપૂર સામે લાલ બત્તી બતાવનાર એક જણ હતો: સર કાવસજી જહાંગીર રેડીમની. એવણ હતા બૅન્ક ઑફ બૉમ્બેના એક ડિરેક્ટર. એ બૅન્ક આડેધડ લોન આપતી હતી એનો વિરોધ કરી અટકાવવાની મહેનત કરી, પણ શૅર-સટ્ટાના ઢોલ વાગતા હોય ત્યારે પિપૂડીનો અવાજ કોણ સાંભળે? છેવટે તેમણે બૅન્કમાંથી રાજીનામું આપ્યું. તેમની જગ્યાએ આવ્યા કૉટન કિંગ પ્રેમચંદ રાયચંદ. વહેલી સવારથી તેમના ભાયખલાના બંગલા બહાર લોકોનું ટોળું જામતું. શેઠસાહેબ ખુશ થઈને એક-બે શૅર આપી દે તો ન્યાલ થઈ જવાય! અરે, શૅર નહીં, શૅરની ‘ટિપ’ આપે તોય ઘરવાળીનાં ઘરેણાં વેચી શૅર લેવાય.

અમદાવાદ અને ગુજરાતના પણ કેટલાય લોકોએ પોતાની નોકરીઓ છોડી ને શૅરના સટ્ટામાં પડ્યા. આ રીતે શૅરબજાર પાછળ પડનારાઓમાંના એક હતા કવીશ્વર દલપતરામ. ગુજરાત, તેનાં ભાષા, સાહિત્ય, ઇતિહાસ, સંસ્કૃતિના ચાહક અંગ્રેજ સરકારના એક ઉચ્ચ અધિકારી ઍલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ કવીશ્વરના મિત્ર અને માર્ગદર્શક. તેમના થકી દલપતરામ અમદાવાદમાં ફાર્બસે સ્થાપેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં વર્ષોથી કામ કરતા હતા. પાંચમાં પુછાતા હતા, કવીશ્વર તરીકે માનપાન પામતા હતા. નોકરીમાંથી રાજીનામું ન આપવા ફાર્બસે સમજાવ્યા, ઉપરી કર્ટિસે સમજાવ્યા; પણ લક્ષ્મી દેખી મુનીવર ચળે તો દલપતરામનું શુ ગજું? વર્ષો જૂની નોકરી છોડીને પડ્યા શેરના સટ્ટામાં. શરૂઆતમાં કમાયા, અમદાવાદમાં બંગલો બંધાવવાનું શરૂ કર્યું. એ માટે બૅન્ક પાસેથી લોન લીધી.

પણ પછી શૅરબજાર ઊંધે માથે પટકાયું. કેમ? કારણ કે ૧૮૬૫ના જૂન મહિનાની બીજી તારીખે અમેરિકાના આંતરવિગ્રહનો અંત આવ્યો. એ દેશમાંથી ગુલામીની પ્રથા નાબૂદ થઈ. એટલે તરત જ ગ્રેટ બ્રિટનની કાપડ મિલોએ હિન્દુસ્તાનથી રૂ મગાવવાનું બંધ કર્યું અને ફરી અમેરિકાથી રૂ આયાત કરવાનું શરૂ કર્યું. આપણા દેશમાં રૂના ભાવ રાતોરાત તૂટ્યા. રૂના વેપારીઓ કંગાળ થઈ ગયા. તેમણે બૅન્ક પાસેથી લીધેલી લોનના પૈસા ડૂબ્યા. પહેલી જુલાઈને દિવસે કેટલાય સટોડિયા શૅરબજારમાં વલણ ચૂકવી ન શક્યા અને દેવાળું કાઢ્યું. એટલે તેમને લોન આપનારી બૅન્ક એક પછી એક ભાંગી. મુંબઈમાં બેકારી, ઉદાસી, હતાશા, છવાઈ ગઈ. કેટલાય લોકો મુંબઈ છોડી પાછા ‘દેશ’ભેગા થઈ ગયા. ૧૮૬૪માં મુંબઈની વસ્તી ૮ લાખ ૧૬ હજારની હતી એ ઘટીને ૧૮૭૨ સુધીમાં ૬ લાખ ૪૪ હજારની થઈ ગઈ.

એ પહેલાં ૧૮૬૨માં ગ્રેટ બ્રિટનની રાણીએ એક ઢંઢેરા દ્વારા બૉમ્બે હાઈ કોર્ટની સ્થાપના કરી હતી અને એના પહેલા છ અંગ્રેજ ન્યાયાધીશની નિમણૂક કરી હતી. એમાંના એક હતા ફાર્બસ. એટલે ૧૮૬૨થી ફાર્બસ મુંબઈમાં હતા, દલપતરામ અમદાવાદમાં. ફાર્બસની તબિયત પણ સારી રહેતી નહોતી. જીવનમાં પહેલી વાર ફાર્બસની સલાહની અવગણના કરી હતી અને શૅરબજારના ફંદામાં ફસાયા હતા. એટલે ફાર્બસને મોઢું બતાવતાં પણ દલપતરામને સંકોચ થતો હતો, પણ આફતમાંથી ઉગારી શકે એવો એક જ જણ હતો, ફાર્બસ. એટલે ઑગસ્ટની શરૂઆતમાં દલપતરામ મુંબઈ આવ્યા. ભારે પગલે ફાર્બસના વાલકેશ્વરના બંગલે ગયા. ફાર્બસને મળી ખબરઅંતર પૂછ્યા. પણ જે વાત કહેવા આવ્યા હતા એ કહેતાં જીભ ઊપડે નહીં. માથું નીચું ઢાળીને બેસી રહ્યા. આંખમાં ઝળઝળિયાં. અનુભવી, ચતુર ફાર્બસ સમજી ગયા. કહે: ‘કવીશ્વર, સપડાઈ ગયા લાગો છો.’ તોય દલપતરામની જીભ ઊપડે નહીં. ‘કાંઈ ફિકર નહીં. મોટા-મોટા જજો તથા બૅરિસ્ટરો સપડાયા છે. જે વાત હોય એ કહો.’ અને દલપતરામે બધી વાત પેટછૂટી કરી. બીજી થોડી વાતો કરી બન્ને છૂટા પડ્યા. દલપતરામના ગયા પછી ફાર્બસે બૅન્કના ડિરેક્ટર ખરસેદજી નસરવાનજી કામાને અને પ્રેમચંદ રાયચંદને બોલાવ્યા. ચર્ચા કરી નક્કી કર્યું કે બૅન્કે ત્રણ હજાર રૂપિયા લઈ દલપતરામનું બાકીનું ૧૭ હજારનું દેવું જતું કરવું અને બંગલો પાછો સોંપવો. એ જ વખતે ફાર્બસે પોતાના ખિસ્સામાંથી એક હજાર રૂપિયા આપ્યા અને કહ્યું કે બાકીની રકમ બે-ચાર દિવસમાં કવીશ્વર પાસેથી મળી જશે.

બીજે દિવસે દલપતરામને બોલાવી બધી વાત કરી. વાત સાંભળી તેઓ કહે : પણ મારી પાસે તો એક રૂપિયો પણ નથી ત્યાં બે હજાર ક્યાંથી આપું? દલપતરામની સ્થિતિ કેટલી ખરાબ છે એનો ખ્યાલ આવતાં બાકીની રકમ પણ ઊભી કરવાનું ફાર્બસે માથે લીધું. ૬૦૦ રૂપિયા પ્રેમચંદ રાયચંદે અંગત રીતે આપ્યા. સર મંગળદાસ નથ્થુભાઈએ ૪૦૦ આપ્યા. વિનાયક શંકરશેટે ૧૫૦ આપ્યા. કરસનદાસ માધવદાસે ૧૦૦ રૂપિયા આપ્યા. ઠક્કર કરસનજી નારણજી અને રતનજી શામજીએ ૧૫૦ આપ્યા. વિનાયકરાવ વાસુદેવે ૧૦૦ રૂપિયા આપ્યા. તોય હજી ૫૦૦ રૂપિયા ખૂટતા હતા. એટલે ફાર્બસે લોહાણા ઠક્કર હંસરાજ કરમસીને બોલાવીને કહ્યું: ‘૧૦૦ કવિતા રચીને એનું પુસ્તક કવીશ્વર તમને અર્પણ કરશે એની ખાતરી હું આપું છું, પણ એક કવિતાના પાંચ રૂપિયા લેખે ૫૦૦ રૂપિયા તમે હમણાં જ આપો.’ બીજે દિવસે ફરી દલપતરામને બોલાવી ખૂટતી રકમ તેમના હાથમાં મૂકી. પછી અમદાવાદમાં કર્ટિસનો સંપર્ક કરી દલપતરામને નોકરીમાં પાછા લેવા કહ્યું, પણ તેમની જગ્યાએ તો વ્રજલાલ શાસ્ત્રીની નિમણૂક થઈ ગઈ હતી. તેને છૂટા કેમ કરાય? ફાર્બસ કહે, બંનેને રાખો. દલપતરામનો પગાર હું આપીશ. છેલ્લે દિવસે બંને મળ્યા ત્યારે દલપતરામનાં કેટલાંક પુસ્તકો, હસ્તપ્રતો વગેરે પોતાની પાસે હતાં એ ફાર્બસે પાછાં આપી દીધાં. અને ઑગસ્ટના ત્રીજા અઠવાડિયામાં દલપતરામ અમદાવાદ પાછા ગયા. તેમના ગયા પછી ફાર્બસની માંદગી ખૂબ વધી. હવાફેર અને સારવાર માટે પુણે લઈ ગયા અને ત્યાં જ ૩૧ ઑગસ્ટે ફાર્બસનું અવસાન થયું, માત્ર ૪૪ વર્ષની વયે.

ફાર્બસના આવા અકાળ અવસાનનો ઘા દલપતરામ માટે કારમો હતો.

ફાર્બસ વિરહ નામનું લાંબું કાવ્ય રચ્યું. એમાં લખ્યું:

દાખે દલપતરામ, પામરનો પાળનાર,

મુંબઈમાં હતો તે લુંટાઈ ગયો માળવો

બીજા જ વર્ષે ૧૮૬૬ના મે મહિનામાં હંસરાજ શેઠના આમંત્રણથી દલપતરામ સકુટુંબ મુંબઈ આવ્યા. શેઠે આગતાસ્વાગતા કીધી. કવીશ્વરને અને તેમના કુટુંબીજનોને ભેટો આપી. સાતમી મેએ મુંબઈના ભાટિયા મહાજનોએ સભા ભરી દલપતરામને માનપત્ર આપ્યું. વરસાદ શરૂ થતાં પહેલાં જૂનની શરૂઆતમાં દલપતરામ અમદાવાદ પાછા ગયા. દસેક વર્ષ પછી દલપતરામના આંખના દર્દે ફરી જોર કર્યું. અમદાવાદમાં ઉપચાર થાય એમ નહોતું. એટલે ૧૮૭૭માં કવીશ્વર ફરી મુંબઈ આવ્યા અને સર મંગળદાસની વાડીમાં ઊતર્યા. એ અગાઉ ૧૮૭૪માં ડૉ. ભાઉ દાજીનું તો અવસાન થયું હતું. બીજા ડૉક્ટરોને બતાવ્યું. તેમણે કહ્યું : ‘મોતિયો આવે છે પણ હજી પાક્યો નથી. પાકે પછી આવજો તો ઉતારી આપીશું.’ હતાશ થઈને ત્રણેક અઠવાડિયાં પછી કવીશ્વર અમદાવાદ પાછા ગયા. પણ પછી ૧૮૭૯માં અમદાવાદમાં નવી શરૂ થયેલી રણછોડલાલ ડિસ્પેન્સરીમાં મોતિયાનું ઑપરેશન કરાવ્યું, પણ સફળ ન થયું. આંખો લગભગ ગઈ. હૉસ્પિટલમાંથી જ ગુજરાત વર્નાક્યુલર સોસયટીની નોકરીમાંથી રાજીનામું મોકલી દીધું.

દલપતરામે મુંબઈની છેલ્લી મુલાકાત લીધી ૧૮૮૭માં. એ વર્ષે અમદાવાદમાં ‘દલપતમહોત્સવ’ ઊજવવાનું નક્કી થયું. ત્રણેક વર્ષની મહેનત પછી એ માટે સાડાબાર હજાર રૂપિયા એકઠા થઈ શક્યા હતા. મહોત્સવ સમિતિએ નક્કી કર્યું કે દલપતરામનું એક તૈલચિત્ર તૈયાર કરાવી હેમાભાઈ હૉલમાં મૂકવું. પણ એ વખતે આવું ચિત્ર તૈયાર કરી શકે એવો કોઈ કલાકાર અમદાવાદમાં નહોતો. એટલે સમિતિ પોતાને ખર્ચે મે મહિનામાં દલપતરામને મુંબઈ લાવી. બોર્ન ઍન્ડ શેફર્ડ નામની કંપનીમાં તેમનું તૈલચિત્ર તૈયાર થયું. મૂળ બ્રિટિશ કંપની કલકત્તામાં ૧૮૬૩માં શરૂ થઈ હતી અને છેક ૨૦૧૬માં બંધ થઈ. તેની મુંબઈ શાખા ૧૮૭૬માં શરૂ થઈ અને ૧૯૦૨ સુધી કામ કરતી હતી. ચિત્રનું કામ પૂરું થયે દલપતરામ પાછા અમદાવાદ ગયા.

દલપતરામના જન્મને બસો વર્ષ થયાં. પણ તેમની કેટલીક કવિતા ૧૯મી સદીમાં નહીં, પણ ૨૦૨૦માં લખાઈ હોય એવી લાગે છે. એવી એક ગરબીની થોડી પંક્તિઓ સાથે કવીશ્વરને આદરાંજલિ આપીએ:

દેશમાં સંપ કરો સંપ કરો,

દિલે દેખી કુસંપથી ડરો રે, દેશમાં...

હાં રે તમે ટંટા ધરમના ટાળો,

જે જે પ્યારો લાગે તે ધર્મ પાળો, દેશમાં...

હાં રે છળ દગા કપટ દો છોડી,

આખા દેશની થઈ આબરૂ થોડી રે, દેશમાં...

હાં રે વાંચો દલપતરામની વાણી,

પક્ષપાત વિના સત્ય પ્રમાણી રે, દેશમાં...

Whatsapp-channel Whatsapp-channel

18 January, 2020 03:17 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK