કયા વિસ્તારોમાં કઈ દુકાનો ક્યારે બંધ રહેશે?: બીએમસીએ લિસ્ટ બહાર પાડ્યું

Published: 20th March, 2020 07:59 IST | Mumbai Correspondent | Mumbai

દાદર-ઘાટકોપરના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળવાનો લીધો નિર્ણય

દુકાનો બંધ
દુકાનો બંધ

વૈશ્વિક રીતે ફેલાઈ રહેલી મહામારીની આર્થિક વ્યવસ્થા પર ભારે અસર વર્તાઈ રહી છે ત્યારે ૩૧ માર્ચ સુધી શહેરના વ્યસ્ત રસ્તાઓ પર ખુલ્લી રહેતી દુકાનોને ઑલ્ટરનેટ દિવસે ખુલ્લી રાખવા માટેની પરવાનગી આપવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. કયા રોડ પર કઈ દુકાનો ખુલ્લી રહેશે એની પસંદગી વૉર્ડ અધિકારી સ્તરે કરવામાં આવશે એ સંદર્ભના આદેશ પણ બહાર પડી ગયા છે. જીવનજરૂરિયાતની દુકાનો, કરિયાણા, શાકભાજી, ફિશ અને મેડિસિનની દુકાનોને આમાંથી બાકાત રાખવામાં આવી છે. જોકે સૌથી વધુ ભીડ થાય છે એ દાદર માર્કેટની ૬૦૦ દુકાનો ગૂઢીપાડવા સુધી અને ઘાટકોપરના વેપારીઓએ ત્રણ દિવસ સુધી સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય લીધો છે.

પાલિકાના માર્કેટ વિભાગને આ સંદર્ભની નોટિસ મોકલવામાં આવી છે જેમાં જે બિન-જીવનાવશ્યક ચીજવસ્તુની દુકાનોને આ મહિનાના અંત સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. માર્કેટ વિભાગને મોકલવામાં આવેલી નોટિસના આદેશ મુજબ પાલિકા ક્ષેત્રની શહેરની તમામ ૯૨ માર્કેટની ૧૭,૦૦૦ દુકાનો પણ બંધ રહેશે. નાગરિકોને આને કારણે થોડી પરેશાની વેઠવી પડશે.

શહેરના રસ્તાઓ પર થતી ગિરદીને ઓછી કરવા માટે તમામ ૨૪ વૉર્ડ અધિકારીને પાલિકાના કમિશનરે નોટિસ મોકલાવીને ઉક્ત આદેશ બહાર પાડ્યો હતો. શહેરના મુખ્ય રસ્તા, શૉપિંગ માટે પ્રખ્યાત દાદર માર્કેટ, બાંદરા લિન્કિંગ રોડ, ક્રૉફર્ડ માર્કેટ અને મનીષ માર્કેટનો પણ સમાવેશ છે. જોકે દાદર માર્કેટની બિન-જીવનાવશ્યક ચીજવસ્તુઓની દુકાનના તથા ઘાટકોપરના વેપારીઓએ ત્રણ દિવસનો સ્વયંભૂ બંધ પાળ્યો છે. 

એક વખત ઈસ્ટની તો એક વખત વેસ્ટની દુકાનો બંધ રાખો

પાલિકાના કમિશનરે શહેરની દુકાનોને ઑલ્ટરનેટ એટલે કે ડાબી તરફની દુકાનો ખુલ્લી હોય તો જમણી તરફની દુકાનો બંધ રાખવી એવો આદેશ બહાર પાડ્યો છે ત્યારે ઘાટકોપરના વેપારીઓ વતી આગેવાની લેનારા બીજેપીના નેતા પ્રવીણ છેડાએ કહ્યું હતું કે પાલિકાનું એ પ્રપોઝલ ગળે નથી ઊતરતું. જોકે અમે આ વિશે ઘાટકોપરના ૧૦૦ વેપારીઓએ ભેગા થઈને ‘એન’ વૉર્ડના અધિકારીને ઑલ્ટરનેટ રીતે એક દિવસ ઈસ્ટની અને એક દિવસ વેસ્ટની દુકાનો ખુલ્લી રહે એવું સૂચન કર્યું છે. આ સંદર્ભે પાલિકાના અધિકારીને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે કમિશનરના આદેશનું પાલન કરવામાં આવશે. ઘાટકોપરના વેપારીઓ દ્વારા જે સૂચન કરવામાં આવ્યું છે એને અમે કમિશનરને મોકલાવી દીધું છે. તેઓ મંજૂર કરે તો અમે વેપારીઓના સૂચનને અમલમાં મૂકીશું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK