ઓપન સ્પેસને મામલે મુંબઈ સૌથી ગરીબ

Published: 7th November, 2011 19:15 IST

મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો નહીં એ તો જૂની વાત થઈ. દેશભરમાં સૌથી વધુ વસ્તીની ગીચતા ધરાવતા આ શહેરે બાંધકામ વગરની ખુલ્લી જગ્યાનો મામલે ટોક્યો તથા ન્યુ યૉર્કને પણ પાછળ પાડી દીધાં છે. જોન્સ લૅન્ગ લસાલ ઇન્ટેલિજન્સ સર્વિસ નામની રિયલ એસ્ટેટ કંપનીના અહેવાલ અનુસાર મુંબઈમાં કુલ જગ્યાની ૨.૫ ટકા જ ઓપન સ્પેસ છે.

 

(વરુણ સિંહ)


મુંબઈ, તા. ૭

અત્યારે મુંબઈમાં એક કરોડ ચાલીસ લાખ લોકો ૪૮૦ સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં વસવાટ કરે છે જે પૈકી માત્ર ૧૪ કિલોમીટર જગ્યા જ ઓપન સ્પેસ એટલે કે કોઈ પણ બાંધકામ વગરની ખુલ્લી જગ્યા છે. આ ૨.૫ ટકા ખુલ્લી જગ્યામાં બાગ, રમત-ગમતનાં મેદાનો તથા અન્ય રેક્રીએશન મેદાનોનો પણ સમાવેશ થઈ જાય છે. આમ વ્યક્તિદીઠ માત્ર ૧.૯૫ સ્ક્વેર મીટર જગ્યા છે. યુનાઇટેડ નેશન્સ ફૂડ ઍન્ડ એગ્રિકલ્ચર દ્વારા વ્યક્તિદીઠ ૯ સ્ક્વેર મીટર જગ્યા હોવી જોઈએ એવો આદર્શ રાખવામાં આવ્યો છે. મુંબઈ કરતાં દિલ્હીની હાલત ઘણી જ સારી છે. અહીં વ્યક્તિદીઠ ૧૫ સ્ક્વેર મીટર જગ્યા છે. વિશ્વનાં અન્ય શહેરોની સરખામણી કરીએ તો ટોક્યોમાં વ્યક્તિદીઠ ૬ સ્ક્વેર મીટર છે તો મુંબઈની બરોબરીમાં ન્યુ યૉર્ક પણ ૨.૫ સ્ક્વેર મીટર ઓપન સ્પેસ ધરાવે છે. જોન્સ લૅન્ગ લસાલ ઇન્ટેલિજન્સ સર્વિસના હેડ આશુતોષ લિમયેએ કહ્યું હતું કે ‘શહેરની પશ્ચિમે આવેલો ૩૫ કિલોમીટર લાંબો દરિયાકિનારો તથા નૅચરલ હાર્બરની જગ્યાનો કોઈ જ ઉપયોગ થતો નથી. વૉટર સ્પોટ્ર્સ અને વૉટર ફ્રન્ટ પાર્કનો અભાવ જોવા મળે છે. ૫૦ સ્ક્વેર કિલોમીટરનો નૅશનલ પાર્કનો પણ જોઈએ એવો ઉપયોગ થતો નથી, વળી એના પર પણ ગેરકાયદે બાંંંંધકામો થતાં જોવા મળી રહ્યાં છે.’


મુંબઈ ઇન્ટેલેક્ચ્યુઅલ વૉઇસના જિતેન્દ્ર ગુપ્તાએ કહ્યું હતું કે ઓપન સ્પેસ બચાવવા માટે સરકારે પગલાં ભરવાં જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK