બંધ દરવાજા સાથેની લોકલ ટ્રેનોની ટ્રાયલનાં આ બે છે તારણ ગૂંગળામણ અને વિલંબ

Published: Jan 11, 2020, 08:51 IST | Rajendra B Aklekar | Mumbai

સ્ટૉપેજનો સમય વધી જતાં ટાઇમ-ટેબલમાં ૬થી ૧૦ મિનિટ વધી જતી હતી

લોકલ ટ્રેન
લોકલ ટ્રેન

મુંબઈની સબર્બન ટ્રેનોમાં દરવાજા પર ઊભા રહેતા અને લટકતા લોકો ચાલુ ટ્રેનમાંથી પડવાની ઘટનાઓને ટાળવા માટે રેલવેતંત્રે ઑટોમૅટિક દરવાજાવાળી નૉન-ઍરકન્ડિશન્ડ ટ્રેનોની ટ્રાયલ પીક-અવર્સમાં અને નૉન-પીક-અવર્સમાં હાથ ધરી હતી. ચર્ચગેટ-વિરારના પટ્ટા પર બીજી જાન્યુઆરીથી પાંચમી જાન્યુઆરી સુધી ચાર દિવસની ટ્રાયલમાં ટ્રેનોના છેલ્લા ત્રણ કોચમાં ઑટોમૅટિક દરવાજા હતા.

એ પ્રયોગમાં પ્રવાસીઓને વિલંબ ઉપરાંત બંધ દરવાજે ગૂંગળામણનો અનુભવ થયો હતો, કારણ કે બંધ ડબ્બામાં હવાની અવરજવર અને પૂરતા પ્રકાશની જોગવાઈ નહોતી. વેન્ટિલેશનના અભાવે બંધ કોચમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જતાં પ્રવાસીઓને ગૂંગળામણ થતી હતી. રેલવે તંત્રે ઑટોમૅટિક દરવાજાવાળી ટ્રેનોના ટ્રાયલ રનના રિપોર્ટમાં હવા અને પ્રકાશની તંગી ઉપરાંત સમયપત્રકમાં થોડી મિનિટનો વિલંબ પણ નોંધ્યો છે.

રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે ટ્રેનો સ્ટેશનના પ્લૅટફૉર્મ પર પહોંચે ત્યારે ચોક્કસ ડબ્બામાં સ્વયંસંચાલિત દરવાજાનો કે એની સિસ્ટમનો ખ્યાલ ન હોવાથી મુસાફરો બહારથી બારણું ખોલવાના પ્રયત્ન કરે છે. એવા સંજોગોમાં દરવાજાના બહારનાં હૅન્ડલ કાઢી નાખવા વિશે વિચારવું જોઈએ.

પશ્ચિમ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ ટ્રાયલ રન વિશે જણાવ્યું હતું કે ‘સ્વયંસંચાલિત દરવાજાવાળી ટ્રેનોના આગમન બાબતે સ્ટેશનો પર લાઉડસ્પીકર્સ દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવતી હતી અને રેલવે પોલીસના જવાનો પણ ત્યાં હાજર રહેતા હતા, પરંતુ લોકોની ભીડ અને ધસારો વધતો જતો હોવાથી ટોળાને સંભાળવાનું મુશ્કેલ બનતું હતું. ટ્રેનને દરેક સ્ટેશને એક મિનિટ થોભાવવી પડતી હોવાથી એકંદરે સ્ટૉપેજના નિર્ધારિત સમય કરતાં પચીસથી ત્રીસ સેકન્ડ વધારે રોકાતી હતી એથી ચર્ચગેટથી બોરીવલી કે વિરાર સુધીના સર્વસાધારણ સમયમાં થોડી મિનિટનો વધારો થાય છે.

ચર્ચગેટ અને બોરીવલી વચ્ચે સામાન્ય સ્લો ટ્રેનોને ૬૫ મિનિટ લાગે છે, પરંતુ ટ્રાયલ રનમાં વિવિધ કારણસર વિલંબને કારણે એમાં ૮થી ૧૦ મિનિટ વધી જાય છે. એવી જ રીતે ચર્ચગેટથી વિરાર વચ્ચે સામાન્ય ફાસ્ટ સર્વિસને ૮૦ મિનિટ લાગે છે, પરંતુ એમાં પણ ૬-૭ મિનિટ વધી જાય છે. જોકે ટ્રાયલ રન દરમ્યાન ટ્રેનો બન્ને દિશામાં મરીનલાઇન્સ, ચર્ની રોડ અને ગ્રાન્ટ રોડ સ્ટેશનોએ પર થોભાવાઈ ન હોવાથી ત્રણેક મિનિટ બચી હતી. પ્રકાશ ઘટી જતો હોવાથી ડબ્બાની લાઇટ ચાલુ રાખવી પડતી હતી.’

રેલવેતંત્રની માર્ગદર્શક સૂચનાઓ મુજબ ટ્રેનના ડબ્બામાં સામાન્ય વાતાવરણ માટે કાર્બન ડાયોક્સાઇડનું કૉન્સન્ટ્રેશન ૭૦૦ પીપીએમ (પાર્ટ્સ પર મિલ્યન)થી ઓછું હોવું જોઈએ, પરંતુ ટ્રાયલ રન દરમ્યાન એ પ્રમાણ વધીને ૭૧૦ પીપીએમથી ૯૬૦ પીપીએમ જેટલું રહેતું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK