Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: અસમથળ રોડે લીધો પિતા-પુત્રનો જીવ

મુંબઈ: અસમથળ રોડે લીધો પિતા-પુત્રનો જીવ

18 January, 2019 10:56 AM IST | મુંબઈ
રોહિત પરીખ

મુંબઈ: અસમથળ રોડે લીધો પિતા-પુત્રનો જીવ

જાના મના હૈ : અંધેરી લિન્ક રોડ પર લક્ષ્મીનગર સિગ્નલ પાસે રાખી જાધવના નેતૃત્વ હેઠળ રહેવાસીઓ દ્વારા ચાલી રહેલું રસ્તારોકો આંદોલન. તસવીરો : રોહિત પરીખ

જાના મના હૈ : અંધેરી લિન્ક રોડ પર લક્ષ્મીનગર સિગ્નલ પાસે રાખી જાધવના નેતૃત્વ હેઠળ રહેવાસીઓ દ્વારા ચાલી રહેલું રસ્તારોકો આંદોલન. તસવીરો : રોહિત પરીખ


ઘાટકોપર (વેસ્ટ)ના અંધેરી લિન્ક રોડ પર આવેલા લક્ષ્મીનગર સિગ્નલ પાસે ગઈ કાલે સાંજે 4.30 વાગ્યાની આસપાસ એક ઍક્ટિવા અસમથળ રોડને લીધે સ્લિપ થઈ જતાં પાછળ આવેલી ટ્રક ઍક્ટિવા પર બેઠેલા પિતા-પુત્ર પર ફરી વળી હતી. બાપ-દીકરો ટ્રકનાં ટાયર નીચે કચડાઈ જતાં દીકરાનું ઘટનાસ્થળે જ અને પિતાનું રાજાવાડી હૉસ્પિટલમાં લઈ ગયા બાદ મૃત્યુ થયું હતું. આ ઘટનાથી ઉશ્કેરાયેલા સ્થાનિક રહેવાસીઓએ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીની પંતનગરની નગરસેવિકા રાખી જાધવના નેતૃત્વ હેઠળ બે કલાક સુધી રસ્તારોકો આંદોલન કર્યું હતું. એને લીધે LBS માર્ગ અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જૅમ થઈ ગયો હતો.

ગઈ કાલે સાંજે 4.30 વાગ્યે ઘાટકોપર (વેસ્ટ)ના નિત્યાનંદનગરના રહેવાસી અને પીપરમેન્ટની સપ્લાયનો બિઝનેસ કરતો 35 વર્ષનો મોહમ્મદ જુનૈદ બસીરઅહમદ સૈયદ તેના સિનિયર સ્ટાન્ડર્ડમાં ભણતા સાત વર્ષના પુત્ર રઝા જુનૈદ સૈયદને ઘાટકોપર (ઈસ્ટ)ની શિવાજી ટેãક્નકલ સ્કૂલમાંથી ઍક્ટિવા પર ઘરે લઈ જઈ રહ્યો હતો. લક્ષ્મીનગર સિગ્નલ પછી તેનું ઍક્ટિવા અસમથળ રોડ હોવાથી સ્લિપ થઈ ગયું હતું. એને કારણે બાપ-દીકરો રોડ પર પડી ગયા હતા. આ જ સમયે એક ટ્રક પાછળથી આવીને બાપ-દીકરાની પર ચડી ગઈ હતી. એને કારણે રઝા સૈયદનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે જુનૈદ સૈયદને પોલીસ અને સ્થાનિક રહેવાસીઓ લોહી નીતરતી હાલતમાં રાજાવાડી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે ત્યાં પહોંચતાં જ થોડી વારમાં તેનું પણ મૃત્યુ થયું હતું.



આ બાબતની માહિતી આપતાં આ બનાવને નજરે જોનારા બાદશાહ શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સ્થળે અવારનવાર અકસ્માતો થતા હોવા છતાં ટ્રાફિક-પોલીસ તરફથી આ સ્થળ પર દુર્લક્ષ સેવાય છે. બાર મહિના પહેલાં જ પાસે આવેલા શ્રેયસ સિનેમા પાસે એક જૈન પરિવારના પુત્રનું આ જ રીતે મૃત્યુ થયું હતું. આ સિવાય પણ અકસ્માતના અનેક બનાવો આ વિસ્તારમાં બની રહ્યા છે. સિમેન્ટ-કૉન્ક્રીટના બનેલાની રોડની બાજુમાં પેવર બ્લૉક્સ બેસાડવામાં આવ્યા છે જેને લીધે આ રોડ અસમથળ બની ગયો છે. પેવર બ્લૉક્સ જમીનમાં બેસી ગયા છે જેને સમથળ કરવાની તાતી જરૂર છે, પણ રોડ વિભાગ આ બાબત પર દુર્લક્ષ સેવી રહ્યો છે.’


બે વર્ષ પહેલાં આ જ સ્થળે રોડ ક્રૉસ કરતી વખતે એક જ પરિવારનાં ત્રણ બાળકોનાં અકસ્માતમાં મૃત્યુ થયાં હતાં. એ સમયે રાખી જાધવ અને રહેવાસીઓએ બે કલાક સુધી રોડરોકો આંદોલન કયુર્ં હતું. આ બાબતમાં સ્થાનિક રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ સમયે અમારી પોલીસ પાસે આ સ્થળે સિગ્નલ બેસાડવાની માગણી હતી જેને ટ્રાફિક વિભાગે તરત જ પૂરી કરી હતી. જોકે અકસ્માતના એક મહિના સુધી રોડ ટ્રાફિક વિભાગ દ્વારા વાહનચાલકો કાયદાનું પાલન કરે છે કે નહીં અને ક્રૉસ કરતાં બાળકો અને રાહદારી પર ધ્યાન રાખવામાં આવ્યું હતું. જોકે ત્યાર પછી રાત ગયી બાત ગયીની જેમ આ બનાવને બધા જ ભૂલી ગયા હતા.’

આ દરમ્યાન 2016માં રાખી જાધવની આ વિસ્તારમાં સબવે રોડ બનાવવાની માગણી હતી જેને BMC તરફથી સ્વીકારવામાં આવી હતી અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારે આ સબવેના પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. ત્યાર બાદ પંતનગર સાઇડથી સબવેનું કામ ચાલી રહ્યું છે.


જોકે અંધેરી લિન્ક રોડ જે સિમેન્ટનો બનેલો છે એની બાજુનો ભાગ અસમથળ છે જેને કારણે બાપ-દીકરાનો અકસ્માત થયો અને તેમનાં મૃત્યુ થયાં એવી જાણકારી આપતાં નગરસેવિકા રાખી જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સિમેન્ટના રોડની બાજુમાં જ પેવર બ્લૉક્સ બેસાડવામાં આવ્યા છે જે જમીનમાં નીચે ઊતરી ગયા છે અને એને કારણે રોડ અસમથળ બની ગયો છે. આ રોડને સમથળ બનાવવા માટે રોડ વિભાગ પાસે માગણી કરવામાં આવી હતી, પરંતુ રોડ વિભાગે આ કામને મહત્વ ન આપતાં ગઈ કાલે બાપ-દીકરાની બાઇક સ્લિપ થઈ અને ટ્રક નીચે તેઓ આવી જતાં તેમનાં મૃત્યુ થયાં હતાં. રોડ વિભાગે આ કામ સમયસર કર્યું હોત તો આ બાપ-દીકરાની જેમ અનેક જણના જાન બચાવી શકાયા હોત. આથી રોડ વિભાગના અધિકારીઓ સામે પંતનગર પોલીસમાં મેં ફરિયાદ નોંધાવીને આ અધિકારીઓ વિરુદ્ધ તપાસ કરવામાં આવે એવી માગણી કરી છે.’

બે કલાકના પોલીસ-દબાણ પછી પણ રાખી જાધવ રસ્તારોકો આંદોલન પૂÊરું કરવા તૈયાર નહોતી એમ જણાવીને એક પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે કલાક સુધી આંદોલન ચાલવાથી ચારે બાજુ ટ્રાફિક-જૅમની સમસ્યા સર્જાઈ હતી. એને કારણે ઝોન-૭ના ડેપ્યુટી પોલીસ-કમિશનર અખિલેશ સિંહ પણ દોડીને મામલાના નિરાકરણ માટે ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. આ સમય દરમ્યાન અમારે લિન્ક રોડનો બધો જ ટ્રાફિક ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વાળવો પડ્યો હતો. અખિલેશ સિંહ આવ્યા બાદ રાખી જાધવે BMCના રોડ વિભાગના અધિકારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવે એવી માગણી કરી હતી. આ બાબતનું અમારા અધિકારીઓ તરફથી આશ્વાસન આપ્યા બાદ રાખી જાધવ અને રહેવાસીઓએ રસ્તારોકો આંદોલન આટોપી લીધું હતું અને તેઓ પંતનગર પોલીસ-સ્ટેશન પર મોરચો લઈને ગયા હતા જ્યાં તેમણે આવેદનપત્ર આપીને રોડ વિભાગના અધિકારીઓ સામે કાયદાકીય પગલાં લેવાની ડિમાન્ડ કરી હતી.’

આઝમગઢમાં દફનાવાશે

એક બાજુ રાખી જાધવ લોકોના જીવ માટે લડી રહી હતી એ જ સમયે ઘાટકોપરના વૉર્ડ-નંબર 130ની ભારતીય જનતા પાર્ટીની નગરસેવિકા બિન્દુ ત્રિવેદી અને તેમના કાર્યકરોની ટીમ સૈયદ પરિવારને રાજાવાડી હૉસ્પિટલમાં મદદ કરવા પહોંચી ગયાં હતાં. તેની પત્ની રોઝી સૈયદનો બિન્દુબહેન અને કાર્યકરો આશરો બનીને રહ્યાં હતાં. તેમણે બાપ-દીકરાના પોસ્ટમૉર્ટમની વિધિ પણ રાતના જ પૂરી કરાવી દીધી હતી. ત્યાર બાદ સૈયદ પરિવાર રાતના બાપ-દીકરાની ડેડ-બૉડીને દફનક્રિયા માટે ઉત્તર પ્રદેશના આઝમગઢ લઈ ગયો હતો.

આ પણ વાંચો : રિપોર્ટિંગ કરી રહેલા મિડ-ડેના પત્રકારને ધમકી આપનાર સામે ફરિયાદ નોંધાઈ

બેફામ બાઇકરો

ગઈ કાલના રસ્તારોકો આંદોલન સમયે જ લક્ષ્મીનગરના રહેવાસીઓએ બેફામ બાઇકરો સામે ફરિયાદ કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા રોડ પરથી મોટાં વાહનોથી કદાચ બચી શકવાના ચાન્સિસ છે, પરંતુ બાઇકરોથી અમે બચી શકીએ એમ નથી. અહીંની ફુટપાથ અને ડિવાઇડરોનો ઉપયોગ ટ્રાફિકના સમયે બાઇકરો બેફામ રીતે કરે છે જેને લીધે અમને અમારો જાન સતત જોખમમાં રહે છે.’

Whatsapp-channel Whatsapp-channel

18 January, 2019 10:56 AM IST | મુંબઈ | રોહિત પરીખ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK