મુંબઈ ડ્રગ્સ મૅટર : હવે એ સૌ સાથે કરવાનું શું જેમણે કબૂલી લીધું છે કે તેઓ ડ્રગનું સેવન કરે છે?

Published: 24th November, 2020 16:21 IST | Manoj Joshi | Mumbai

ઘરમાંથી ગાંજો મળ્યો અને ભારતી-હર્ષે કબૂલી પણ લીધું કે અમે એનું સેવન કરીએ છીએ. ભારતીય કાયદા મુજબ અમુક માત્રા સુધી મળેલો નશીલો પદાર્થ એવું પુરવાર નથી કરતો કે તમે એનું વેચાણ કરો છો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

રીહૅબિલિટેશન સેન્ટર.
હા, આ એક રસ્તો એવો છે જેના દ્વારા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો, ભારત સરકાર અને મહારાષ્ટ્ર સરકાર સૌકોઈની સામે ઉદાહરણરૂપ પગલું લીધાનું પુરવાર કરી શકશે તો સાથોસાથ એની આવશ્યકતા પણ છે. બે દિવસ પહેલાં ભારતી સિંહ અને તેના રાઇટર-હસબન્ડ હર્ષને ગાંજા માટે અરેસ્ટ કરવામાં આવ્યાં. ઘરમાંથી ગાંજો મળ્યો અને ભારતી-હર્ષે કબૂલી પણ લીધું કે અમે એનું સેવન કરીએ છીએ. ભારતીય કાયદા મુજબ અમુક માત્રા સુધી મળેલો નશીલો પદાર્થ એવું પુરવાર નથી કરતો કે તમે એનું વેચાણ કરો છો. અમુક માત્રાથી વધારે ક્વૉન્ટિટી મળે તો જ એવું પુરવાર થાય છે કે એ પદાર્થ વેચાણાર્થે ઘરમાં રાખવામાં આવ્યો છે. આ વાતને બહુ સહજ રીતે છટકબારી તરીકે પણ જોવામાં આવે છે અને એનો ઉપયોગ પણ થાય છે, પણ મુદ્દો અત્યારે છટકબારીનો કે પછી છૂપા રસ્તાનો નથી. મુદ્દો અત્યારે છે સેલિબ્રિટી અને આ ડ્રગ્સની દુનિયાનો. જો તમે ઇચ્છતા હો કે તમારા દેશનું યુથ આ દિશામાં આગળ ન વધે તો આ સમય છે એક નક્કર કાયદાની રચનાનો અને સાથોસાથ આ દિશામાં આગળ વધી ગયેલા સૌકોઈની સામે નક્કર પગલાં લેવાનો, પણ જે પગલાં પુરવાર કરે કે આ દિશામાં જવામાં સાર નથી.
આજે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અડધોઅડધ લોકોનું એવું કહેવું છે કે આ જે દૂષણ છે એ દૂષણ ઉપરથી લઈને નીચેની સપાટી સુધી પથરાયેલું છે. એને દૂર કરવાનું કામ હવેના સમયમાં કપરું થઈ ગયું છે. કપરું કે મુશ્કેલ એ જ કાર્ય હોય, જે કરવાની દાનત નથી હોતી. ડ્રગ્સ કેસમાં પણ હું એ જ કહીશ.
પકડાયેલી અને જેની પાસેથી સેવનના પર્દાથો મળ્યા છે એ સૌની સાથે કાયદાકીય જે પગલાં લેવાનાં હોય એ ભલે લેવાય, પણ સાથોસાથ જો તેમને રીહૅબિલિટેશન સેન્ટરમાં મોકલવામાં આવે તો લીધેલો એ નિર્ણય પણ આજના યુથ પર સકારાત્મક અસર છોડશે અને એ પગલું પણ સૌકોઈની આંખ ખોલવા માટે ઉપયોગી બની જશે. હર્ષ કે ભારતી મુદ્દો નથી. મુદ્દો એ સૌ છે કે જેની સામે આક્ષેપો થયા છે અને જેની સામે શિક્ષાત્મક પગલાં લેવાની ચર્ચા થઈ રહી છે. પગલાં લેવા જોઈશે, જો એ લેવામાં નહીં આવે તો નાર્કોટિક્સ બ્યુરો અને પોલીસ તંત્રની જે ઇમેજ છે એ ઇમેજને હાનિ પહોંચશે તો સાથોસાથ એનો ડર પણ ઘટશે, જે અત્યારના તબક્કે ખૂબ ખરાબ છે. ડર રહેવો જોઈએ પ્રશાસનનો, પોલીસનો ડર રહેવો જોઈએ. આજે ડર છે એટલે જ અમુક પ્રકારનાં કૃત્ય દેશમાં ઓછાં થાય છે. જો ડર નીકળી જશે તો યુથ ભટકી જશે અને આ એ સમયે છે જે સમયે અનુશાસન આવકાર્ય છે. અનુશાસન તો જ રહેશે જો એનો ઉપયોગ સૌકોઈની સામે કરવામાં આવશે. ડ્રગ્સ લેવાનું કબૂલી ચૂકેલા સૌ કોઈ રીહૅબિલિટેશન સેન્ટરમાં જશે, થોડાં અઠવાડિયાં કે મહિના ત્યાં રહેશે તો આપોઆપ યુથ સુધી એ સંદેશો પહોંચશે કે તમારે એ દિશા તરફ વિચારવું સુધ્ધાં નહીં, નહીં તો જીવન એવી જગ્યાએ લઈ જશે, જે જગ્યાએ આ ખ્યાતનામ લોકો પહોંચ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK