બદલાપુરના ગુજરાતી પરિવારમાં ડબલ ટ્રૅજેડી: તું જઈશ તો હું તારી પાછળ આવીશ

Published: 15th October, 2020 07:37 IST | Mehul Jethva | Mumbai

એવું હમેશાં કહેનાર દીકરાનું સાચે જ મમ્મીના બારમાની ક્રિયા પૂરી થયા બાદ નિધન થયું

મણિબહેન અને પુત્ર મનોજ ચૌહાણ
મણિબહેન અને પુત્ર મનોજ ચૌહાણ

‘જો તું મને છોડીને જઈશ તો તારી પાછળ હું પણ આવીશ’ એવું કહેનાર બદલાપુરમાં રહેતા મનોજ ચૌહાણનું મંગળવારે મમ્મી મણિબહેનની બારમાની ક્રિયા કર્યા પછી તરત જ અવસાન થયું હતું. આ ઘટનાને પગલે આખો પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. તેના એક નજીકના સંબંધીએ જણાવ્યું હતું કે માતા-પુત્રના પ્રેમની એક અદ્ભુત ઘટના બની છે.

બદલાપુર-વેસ્ટમાં રહેતાં મણિબહેન  ચૌહાણ ૯૧ વર્ષની ઉંમરે બીજી ઑક્ટોબરે મૃત્યુ પામ્યાં હતાં. તેમની બારમાની વિધિ કરવા માટે પુત્ર મનોજ ચૌહાણ ૧૨મીએ ગયો હતો. મમ્મીના અવસાનનો ઘેરો આઘાત મનોજને લાગ્યો હતો. વિધિ કરીને ૧૩ ઑક્ટાબરે સવારે તે ઘરે પાછો ફર્યો અને સાંજે મનોજને અચાનક માઇનર અટૅક આવતાં તેનું મુત્યુ થયું હતું.

એક સંબધીએ જણાવ્યું હતું કે ‘તેઓ ટેલર હતા અને દીકરા તથા પત્ની સાથે રહેતા હતા. તેમની અને મમ્મી વચ્ચે ઘણો પ્રેમ હતો. છેલ્લા કેટલાક દિવસથી તેમની મમ્મીને કમજોરી આવતાં મનોજ પરેશાન રહેતા હતા. તેમને મમ્મીના મોતનો આઘાત લાગ્યો હતો. મમ્મીના મુત્યુ બાદ તેઓ એકદમ ગુમસુમ રહેતા હતા.’

મનોજભાઈના ભત્રીજા રાજેશ ચાવડાએ કહ્યું કે ‘તે હંમેશાં મમ્મીને કહેતો જો તું ચાલી જઈશ તો તારી પાછળ હું પણ આવીશ. તેમણે માતા પ્રત્યેનો સાચો પ્રેમ સાબિત કરી બતાડ્યો. તેઓ એકદમ નિખાલશ મનના હતા.’

મૃત્યુ પામનારા મનોજભાઈના પુત્ર સાગર ચૌહાણે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘મને જન્મથી મારા પપ્પા અને દાદીનો ખૂબ જ પ્રેમ મળ્યો છે, હવે ફકત ૧૩ દિવસમાં બંનેમાંથી એકપણ મારી પાસે નથી. ભગવાને એક સાથે મારી ઉપરનો આ છાંયડો લઈ લીધો છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK