મુંબઈ : કાંદિવલીમાં ફ્લૅટમાંથી સિનિયર સિટિઝન મહિલાની બૉડી મળી

Published: Oct 12, 2020, 18:30 IST | Samiullah Khan | Mumbai

બાથરૂમ પાસે ફર્શ પર તેમનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં આવેલા એમસીએ સચિન તેંડુલકર જિમખાના નજીકના બીના સારંગ બિલ્ડિંગના એક બંધ ફ્લૅટમાંથી ૬૫ વર્ષનાં વૃદ્ધાનો કોહવાયેલો મૃતદેહ ગઈ કાલે મળી આવ્યો હતો.

કાંદિવલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વિજય કાંદળગાંવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૃતક વિજયા કેડુસ્કર એકલા જ રહેતાં હતાં. તેમના પતિનું પાંચ વર્ષ પહેલાં અવસાન થયું હતું. પાડોશીઓને તેમના ફ્લૅટમાંથી બહુ જ દુર્ગંધ આવતા અને ફ્લૅટ અંદરથી બંધ હોવાથી અમને જાણ કરી હતી. અમારી ટીમે જઈને તપાસ કરી હતી અને બાદમાં ફાયરબ્રિગેડની મદદથી દરવાજો તોડી ફ્લૅટમાં પ્રવેશ કર્યો હતો. બાથરૂમ પાસે ફર્શ પર તેમનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. તેઓ ચાર પાંચ દિવસ પહેલાં જ મૃત્યુ પામ્યા હોવાની શક્યતા છે.’

પોલીસની તપાસમાં જણાયું હતું કે ફ્લૅટમાં કેટલાક કપડા પલંગ પર પડ્યા હતા. એથી એવી શક્યતા છે કે તે કપડા મૂકવા ગયા હશે અને લપસી પડ્યાં અને એથી તેમના માથામાં ગંભીર ઈજા થઈ હોય. તેમને થયેલી ગંભીર ઈજાથી એ કોઈને મદદ માટે બોલાવી ન શક્યાં અને ત્યાં જ તેમનું મૃત્યુ થયું. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમૉર્ટમ માટે ભગવતી હૉસ્પિટલ મોકલાવી દીધો હતો. સોસાયટીના રહેવાસીઓના કહેવા મુજબ તેમના કોઈ જ નજીકના સંબંધી નથી. પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરી કાર્યવાહી કરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK