CSMT બ્રિજના દુર્ઘટનાગ્રસ્તોના વળતરને આચારસંહિતાનું ગ્રહણ

રોહિત પરીખ | મુંબઈ | Apr 05, 2019, 08:15 IST

રાજ્ય સરકાર તરફથી છ મરનાર અને ૩૬ ઈજાગ્રસ્તોના પરિવારોને ૨૭ મે પછી ચીફ મિનિસ્ટરે જાહેર કરેલી રકમ ચૂકવવામાં આવશે

CSMT બ્રિજના દુર્ઘટનાગ્રસ્તોના વળતરને આચારસંહિતાનું ગ્રહણ
વળતર માટે જોવી પડશે રાહ

ગુરુવાર, ૧૪ માર્ચે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સાથે જોડાયેલા હિમાલય ફુટઓવર બ્રિજનો સ્લૅબ તૂટી ગયો હતો જેમાં છ લોકોનાં મૃત્યુ અને ૩૬ લોકો ઈજા પામ્યા હતા. આ બધાને દુર્ઘટનાના થોડા જ કલાકમાં મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના એક-એક પરિવારને પાંચ લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયા તેમ જ તેમના હૉસ્પિટલના સારવારના ખર્ચ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે સરકારની આ જાહેરાતને આચારસંહિતાનું ગ્રહણ નડ્યું હોવાની માહિતી ગઈ કાલે પ્રકાશમાં આવી હતી. આ દુર્ઘટનાના મરનાર અને ઈજાગ્રસ્તોના પરિવારોને ૨૭ મે પછી ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફન્ડમાંથી વળતર ચૂકવવામાં આવશે.

ગઈ કાલે ડોમ્બિવલીના જિનલ ફોફલિયા નામના યુવાનના પિતા હસમુખ ફોફલિયાએ જ્યારે મંત્રાલયમાં ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફન્ડ વિભાગમાં તેમના હૉસ્પિટલનાં બિલ અને ચીફ મિનિસ્ટરે જાહેર કરેલા ૫૦,૦૦૦ રૂપિયાના વળતર માટે સંપર્ક કયોર્ ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે આચારસંહિતા અમલી હોવાથી ૨૭મી મે પછી વળતરની ચુકવણી કરાશે.

દુર્ઘટનાને દિવસે ડોમ્બિવલીથી ઑફિસના કામે CSMT ગયેલો ૩૨ વર્ષનો જિનલ ફોફલિયા હિમાલય બ્રિજ પરથી સ્લૅબ સાથે જ નીચે રોડ પર પડતાં તેને માથામાં અને ચહેરા પર મલ્ટિપલ ફ્રૅક્ચરો આવ્યાં હતાં. તરત જ તેને પાસેની સેન્ટ જ્યૉર્જ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. તેની માથાની ઈજા ખૂબ જ ગંભીર હતી એટલે તેને ન્યુરોસર્જનની જરૂર હતી.

આ બાબતની માહિતી આપતાં હસમુખ ફોફલિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સેન્ટ જ્યૉર્જ હૉસ્પિટલના ડૉકટરોએ તરત જ જિનલની સારવાર શરૂ કરી હતી. તેમણે ખૂબ જ સારી સારવાર આપી હતી, પરંતુ અમારા કમનસીબે આ હૉસ્પિટલમાં ન્યુરો ડિપાર્ટમેન્ટ ન હોવાથી અમારે શુક્રવાર, ૧૫ માર્ચે જિનલને ઘાટકોપરની હિન્દુ સભા હૉસ્પિટલમાં શિફટ કરવો પડ્યો હતો. ત્યાંના ન્યુરોસજ્ર્યનોએ તેની સારવાર શરૂ કરી હતી. આ સમયે જિનલના મિત્રોએ હૉસ્પિટલના ખર્ચની વ્યવસ્થા કરી હતી.’

અમને ખબર નહોતી કે ચીફ મિનિસ્ટરની જાહેરાત પ્રમાણેનું વળતર લેવા માટે અમારે દરદીની સ્ટેટ ગવર્નમેન્ટ હૉસ્પિટલમાં જ સારવાર લેવી પડે એમ જણાવતાં જિનલના ઘાટકોપર રહેતા મિત્ર સુનીલ જોઈસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે તો અમારા દરદીની ગંભીર હાલત જોઈને અને સેન્ટ જ્યૉર્જ હૉસ્પિટલમાં ન્યુરો ડિપાર્ટમેન્ટ ન હોવાથી જિનલને હિન્દુ સભામાં શિફ્ટ કયોર્ હતો જ્યાં તેની સારવારનો ખર્ચ અંદોજ સવાબે લાખ રૂપિયાથી વધુ થઈ ગયો હતો. જોકે અમે મિત્રોએ અને તેના પિતાએ મળીને હિન્દુ સભાનું આ બિલ ચૂકવી દીધું હતું.’

‘મિડ-ડે’માં ઘાટકોપરના સિનિયર સિટિઝન દિલીપ પારેખ કે જેઓ પણ આ દુર્ઘટનામાં ઈજા પામીને બૉમ્બે હૉસ્પિટલમાં દાખલ થયા હતા તેમને ‘મિડ-ડે’એ કરેલી મદદનો અહેવાલ વાંચ્યા બાદ અમે તરત જ ‘મિડ-ડે’નો સંપર્ક કયોર્ હતો. આ જાણકારી આપતાં સુનીલ જોઈસરે કહ્યું હતું કે ‘અમને તરત જ ‘મિડ-ડે’એ મદદ કરી હતી. તેમણે ચીફ મિનિસ્ટરને મેસેજ કરીને અમને મદદ કરવા કહ્યું હતું. તરત જ દેવેન્દ્ર ફડણવીસના પર્સનલ અસિસ્ટન્ટ દિલીપ રાજલકરે અમને મંત્રાલયમાં જઈને પ્રશાંત મયેકરનો સંપર્ક કરવા કહ્યું હતું. ગઈ કાલે બપોરે જિનલના પિતા હસમુખ ફોફલિયા પ્રશાંત મયેકરને મળવા મંત્રાલયના છઠ્ઠા માળે ગયા હતા.’

હું જેવો પ્રશાંત મયેકરને મળ્યો કે તેમણે મને ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફન્ડ ડિપાર્ટમેન્ટમાં જવા કહ્યું હતું એમ જણાવતાં હસમુખ ફોફલિયાએ કહ્યું હતું કે ‘હું હિન્દુ સભાનાં બિલો કે જે અમે ઑલરેડી ચૂકવી દીધાં હતાં એ લઈને સંબંધિત ડિપાર્ટમેન્ટમાં સબમિટ કરવા ગયો હતો. ત્યાંની મૅડમે મારી પાસેથી બધા જ દસ્તાવેજો લઈ લીધા હતા. આ પહેલાં હું એક વાર ગયો ત્યારે મારી પાસે જિનલનું ઇન્કમ સર્ટિફિકેટ ડિમાન્ડ કર્યું હતું. મને નવાઈ લાગી હતી કે ચીફ મિનિસ્ટરની જાહેરાત પછી આ બધાં પેપરો શેના માટે જોઈએ છીએ. જોકે ગઈ કાલે આ ડિમાન્ડ થઈ નહોતી. પણ મને મૅડમે કહ્યું હતું કે તમારા હૉસ્પિટલના બિલની તો મને ખબર નથી, પણ તમને જે વળતરના ૫૦,૦૦૦ રૂપિયા આપવાના છે એ આચારસંહિતા હોવાથી ૨૭ મે પછી મળશે. આ પહેલાં પ્રશાંત મયેકરે પણ મને આ જ માહિતી આપી હતી.’

આ પણ વાંચોઃ આવી હતી પહેલા મુંબઈ નગરી, જુઓ વિન્ટેજ તસવીરો

આ પહેલાં દિલીપ પારેખને થયેલા અનુભવની માહિતી આપતાં તેમના પરિવારના કમલેશ કપાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચીફ મિનિસ્ટરને ‘મિડ-ડે’નો મેસેજ ગયા પછી અમને થોડી રાહત થઈ હતી. જોકે અમારું બિલ બૉમ્બે હૉસ્પિટલ તરફથી જ માફ કરવામાં આવ્યું હતું. એ સમયે અમને હૉસ્પિટલ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે અમે તમારું બિલ માફ કરી દીધું છે, પરંતુ તમારા અન્ય સરકારી વળતર માટે તમારે રાજ્ય સરકારનો સંપર્ક કરવો પડશે. અમને આજદિન સુધી રાજ્ય સરકાર તરફથી એક પણ રૂપિયો મળ્યો નથી.’

ડોમ્બિવલીના જયેશ અવલાણીના સંબંધીએ તેમના સ્ટેટ ગવર્નમેન્ટ હૉસ્પિટલના અનુભવની જાણકારી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જયેશને પોલીસે પહેલાંથી જ ઞ્વ્ હૉસ્પિટલમાં અને ત્યાર પછી જે. જે. હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કયોર્ હતો જ્યાં પ્રાઇવેટમાં જે ચેકઅપ કરાવ્યું અને ઍમ્બ્યુલન્સના પૈસા અમારે ચૂકવવા પડ્યા હતા, જે પચાસ હજાર રૂપિયા જાહેર કરવામાં આવ્યા હતા. એ કેવી રીતે અમને મળશે એની અમને કોઈ જ જાણકારી નથી.’

જોકે આ વિશે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પર્સનલ અસિસ્ટન્ટ પ્રશાંત મયેકર સાથે ‘મિડ-ડે’એ વાત કરતાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ સાથે એકાદ બે દિવસમાં વાત કરીને વહેલામાં વહેલી તકે વળતર ચૂકવવાનો પ્રયત્ન કરીશું.

આ પણ વાંચોઃ મુંબઈઃ કચ્છ વીસા ઓસવાળ સમાજની સ્પેશિયલ ચાઈલ્ડ પૂજાએ જીત્યો ગોલ્ડ મેડલ

આકરા સવાલો

હિમાલય બ્રિજની દુર્ઘટનામાં જેટલા ઈજાગ્રસ્તો છે તેમના પરિવારોએ ‘મિડ-ડે’ની સામે એક આકરો સવાલ મૂક્યો હતો. આ પરિવારોએ કહ્યું હતું કે ચીફ મિનિસ્ટરની જાહેરાત પ્રમાણે અમને ૫૦,૦૦૦ રૂપિયા અને હૉસ્પિટલની સારવારનો ખર્ચ કદાચ મળી જશે. પરંતુ અમારી હાલત એટલી ગંભીર છે કે બાર મહિના સુધી અમે અમારા કામકાજ કરવા અસમર્થ છીએ. અમારા દવાના ખર્ચ ચાલુ રહેશે. આ બધા ખર્ચ સરકાર અમને આપશે કે નહીં? આપશે તો એની પ્રોસીજર શું છે? આની માહિતી અમને ક્યાંથી અને ક્યારે મળી શકશે?

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK