મુંબઈ : સાંતાક્રુઝમાં ગૅન્ગ-રેપ પછી યુવતીની હત્યા

Published: Feb 08, 2020, 07:36 IST | Prakash Bambhrolia | Mumbai

દારૂના નશામાં યુવાનોએ પાડોશી યુવતી પર બળજબરી કરતાં યુવતીએ બૂમાબૂમ કરતાં હત્યારાઓએ ઓશીકાથી મોઢું દબાવી દીધું : પોલીસે આરોપીને થાણે રેલવે સ્ટેશનેથી પકડ્યા

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સાંતાક્રુઝ-વાકોલામાં એક યુવતી પર સામૂહિક બળાત્કાર કરીને તેની હત્યા કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ બનાવથી પરિસરમાં ખળભળાટ મચી ગયા બાદ પોલીસે બે આરોપીને થાણે રેલવે સ્ટેશન પરથી ઝડપી લીધા હતા.

પોલીસે જણાવ્યા મુજબ સાંતાક્રુઝ (ઈસ્ટ)માં વાકોલા વિસ્તારમાં આવેલી એક બેઠી ચાલમાં પીડિત યુવતી તેના પરિવારજનો સાથે ભાડે રહે છે. યુવતીના ઘરની નજીક એક રૂમમાં ત્રણ યુવાન પણ ભાડેથી રહે છે. બે દિવસ પહેલાં સાંજે બે યુવાન દારૂ પીવા માટે બેઠા હતા. સાતેક વાગ્યે પીડિત યુવતી યુવાનોની રૂમ સામેથી નીકળી ત્યારે તેમણે યુવતીને બૂમ પાડીને ઘરમાં બોલાવી હતી. યુવતી બન્નેને ઓળખતી હોવાથી તે ઘરમાં ગઈ હતી.

પોલીસે આ મામલામાં નોંધેલી ફરિયાદ મુજબ યુવતી ઘરમાં ગયા બાદ દારૂના નશામાં ચૂર યુવાનોએ યુવતી પર જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે બૂમાબૂમ કરી મૂકતાં યુવાનોએ તેનું મોઢું બંધ કરી દઈને તેના પર વારાફરતી કથિત બળાત્કાર કર્યો હતો. બળાત્કાર બાદ યુવતી કોઈને આ બાબત ન કહે એટલે આરોપી યુવાનોએ ઓશીકાથી તેનું મોઢું દબાવીને તેની હત્યા કરી નાખી હતી અને તેઓ પલાયન થઈ ગયા હતા.

ઘટનાના થોડા સમય બાદ રૂમમાં રહેતો ત્રીજો યુવાન આવ્યો હતો. તેણે યુવતીનો મૃતદેહ જોઈને પાડોશીઓને જાણ કરી હતી. પાડોશીઓએ પોલીસને માહિતી આપી હતી. વાકોલા પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચીને યુવતીના મૃતદેહનો તાબો લઈ પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલ મોકલી આપ્યો હતો. રિપોર્ટમાં તેના પર બળાત્કાર થયાનું જણાયું હતું.

આ પણ વાંચો : મિડ-ડેના ફોટો જર્નલિસ્ટ આશિષ રાજેની મારઝૂડ કરનાર પોલીસો સામે હજી પગલાં નથી લેવાયાં

વાકોલા પોલીસે સામૂહિક બળાત્કાર અને હત્યાનો કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. આરોપીઓ થાણેમાં હોવાની માહિતી મળતાં પોલીસે બન્ને આરોપીને થાણે રેલવે સ્ટેશન પરથી ઝડપી લીધા હતા.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK