સાઈકો-અટેકર યુવતીના હાથ પર ઘા કરીને ભાગ્યો

Published: Mar 16, 2015, 04:15 IST

૨૦૧૦માં બાળ ઠાકરેના સંબંધીની દીકરી પર આરોપી સિરાજ અલીએ હુમલો કરેલો : આ ગુનામાં તેને છ મહિનાની જેલ થઈ હતી ને બે વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો હતો : ગઈ કાલે તેણે એકતરફી પ્રેમમાં યુવતી પર મીઠીબાઇ કૉલેજ પાસે ભરરસ્તે સવારે અટૅક કર્યોસૌરભ વક્તાણિયા


૨૦૧૦માં શિવસેનાના ચીફ બાળ ઠાકરેના દૂરના એક સંબંધી પર હુમલો કરનાર ૩૦ વર્ષના સાઇકો-અટૅકર સિરાજ અલીએ ગઈ કાલે સવારે સાડાઆઠ વાગ્યે ઑફિસ જતી બાવીસ વર્ષની એક યુવતીના હાથ પર ચાકુના ઘા મારીને તેને ઘાયલ કરી હતી. આ બનાવ VM રોડ પર મીઠીબાઈ કૉલેજ પાસે બન્યો હતો. હુમલો કરીને ભાગતા અલીને ઘટનાસ્થળેથી એકાદ કિલોમીટરના અંતરે નાણાવટી હૉસ્પિટલ પાસે જુહુ પોલીસ-સ્ટેશનની પૅટ્રોલિંગ કરતી ટીમે ઝડપી લીધો હતો. અલી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. તેને આજે ર્કોટમાં રજૂ કરવામાં આવશે.સિરાજ અલી જુહુના એ જ રોડ પરની એક હોટેલમાં નોકરી કરે છે. મહિલાને જોયા પછી ગુસ્સે થઈને તે હોટેલમાં ગયો અને રસોડામાંથી ચપ્પુ લઈને બહાર આવ્યો હતો.

ત્યાર બાદ મહિલાને હાથ પર આડેધડ ચપ્પુના ઘા મારવા માંડ્યો હતો. હાથ પરથી સતત લોહી વહેવા માંડતાં મહિલાએ મદદ માટે બૂમો પાડી હતી, પરંતુ રવિવાર હોવાથી ત્યાં લોકોની અવરજવર ઓછી હતી. જોકે એમ છતાં લોકો ભેગા થવા માંડતાં આરોપી ત્યાંથી ભાગવા માંડ્યો હતો. મહિલાને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હુમલાનો ભોગ બનેલી યુવતીના શરીરમાંથી મોટા પ્રમાણમાં લોહી વહી જતાં તેને સારવાર માટે KEM હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.દરમ્યાન ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસની સાથોસાથ સ્થાનિક લોકો પણ આરોપીનો પીછો કરતા હતા. એકાદ કિલોમીટર સુધી દોડ્યા પછી નાણાવટી હૉસ્પિટલની સામેની નાની ગલીમાં આરોપી પકડાઈ ગયો હતો.સિરાજ અલી યુવતીને પ્રેમ કરતો હતો અને તેણે અનેક વખત પ્રપોઝ કર્યું ત્યારે યુવતીએ સ્વાભાવિક રીતે ઇનકાર કરી દીધો હતો. માનસિક અસ્થિરતા ધરાવતા સિરાજ અલીએ એકતરફી પ્રેમમાં ચિડાઈને હુમલો કર્યો હોવાનું મનાય છે. સિરાજ અલીએ અગાઉ પણ અમુક યુવતીઓ પર હુમલા કર્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK