Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ : પપ્પાની ટ્રીટમેન્ટ માટેના પૈસા ઑનલાઇન લૂંટાયા

મુંબઈ : પપ્પાની ટ્રીટમેન્ટ માટેના પૈસા ઑનલાઇન લૂંટાયા

20 September, 2020 10:45 AM IST | Mumbai
Prakash Bambhrolia

મુંબઈ : પપ્પાની ટ્રીટમેન્ટ માટેના પૈસા ઑનલાઇન લૂંટાયા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોનાના સંકટના સમયમાં એક-એક રૂપિયો મહત્ત્વનો છે ત્યારે કોઈ બીમાર પડે, તેમને હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કરવાના હોય અને બૅન્કના અકાઉન્ટમાંથી કોઈ ચીટર ૪ લાખ રૂપિયાની ઉચાપત કરી જાય તો કેવી હાલત થાય એ સમજી શકાય. કાંદિવલીના ગુજરાતી પરિવાર સાથે આવી જ ઘટના તાજેતરમાં બની હતી. ગુજરાતી બિઝનેસમૅનના સેવિંગ્સ અકાઉન્ટમાંથી બે લાખ અને તેમની કંપનીના કરન્ટ અકાઉન્ટમાંથી રાતે બીજા બે લાખ રૂપિયા બૅન્કમાંથી ફોન કરનારે પડાવી લીધા હતા. ચેસ્ટની બીમારીથી પીડાતા ૭૨ વર્ષના પિતાની ટ્રીટમેન્ટ કરાવવા માટે આ રકમ વેપારીએ અકાઉન્ટમાં રાખી હતી, પણ ગઠિયાએ એ ઉચાપત કરી લેવાથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે સમતાનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

કાંદિવલી-ઈસ્ટમાં અશોક ચક્રવર્તી માર્ગ પરની સોસાયટીમાં જિજ્ઞેશ કીર્તિભાઈ શાહ તેમના પરિવાર સાથે રહે છે. દવાના પૅકેજિંગનું કામકાજ કરતા જિજ્ઞેશભાઈ કાંદિવલીમાં બૅન્ક ઑફ બરોડામાં સેવિંગ્સ અને કંપનીનું કરન્ટ અકાઉન્ટ ધરાવે છે. તેમણે બૅન્કમાં M પાસબુક મેળવવા માટેની રિકવેસ્ટ મોકલી હતી. રિકવેસ્ટ મોકલ્યા બાદ તેમને એક કૉલ આવ્યો હતો, જેમાં પોતે બૅન્કમાંથી બોલે છે અને M પાસબુક મેળવવા માટેની રિકવેસ્ટ સિસ્ટમમાં દેખાતી નથી એટલે તમને ઓટીપી આવશે એ મને જણાવશો તો પાસબુક મળી જશે. કૉલ બૅન્કમાંથી આવ્યો હોવાનો વિશ્વાસ કરીને જિજ્ઞેશભાઈએ ઓટીપી નંબર આપતા થોડી વારમાં તેમના સેવિંગ્સ અકાઉન્ટમાંથી ચાર વખત ૫૦ હજાર રૂપિયા બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હતા.



જિજ્ઞેશભાઈ પિતાની સારવારમાં બિઝી હોવાથી તેમના ભાઈ કલ્પેશ શાહના સાળા વિવેક વખારિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બૅન્કના સ્ટાફે ફોન કર્યો હોવાનો વિશ્વાસ કરીને જિજ્ઞેશભાઈએ ઓટીપી નંબર આપી દીધા બાદ તેમણે ૧૬ સપ્ટેમ્બરે સવારે ૧૦થી ૧૧ વાગ્યા દરમ્યાન તેમના સેવિંગ્સ અકાઉન્ટમાંથી ૨ લાખ રૂપિયા ગુમાવ્યા હતા. તેમણે બૅન્કમાં જઈને આની જાણ કરીને આ અકાઉન્ટ સીઝ કરાવ્યું હતું. જોકે તેમના કરન્ટ અકાઉન્ટમાંથી રાત્રે બાર પછી બીજા ૨ લાખ રૂપિયા તેમને કોઈ મૅસેજ આવ્યા વિના ટ્રાન્સફર થઈ ગયા હતા. એક તરફ પિતાની સારવારની ચિંતા અને બીજી બાજું આવી રીતે બૅન્કના નામે થયેલી ચીટિંગથી તેઓ પરેશાન થઈ ગયા છે.’


બૅન્કમાં જઈને તપાસ કરતાં જાણ થઈ હતી કે કાંદિવલી (વેસ્ટ)માં આવેલી બૅન્કના એક અકાઉન્ટમાં ચાર લાખ રૂપિયા ટ્રાન્સફર થયા છે. અહીં તેમણે પૂછપરછ કરતાં ખ્યાલ આવ્યો હતો કે અજાણ્યા ગઠિયાએ એ અકાઉન્ટમાંથી બીજા કોઈ અકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરી છે. આથી જિજ્ઞેશ શાહે કાંદિવલીના સમતાનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધાવી છે. પોલીસે અપીલ કરી છે કે કોઈએ અજાણ્યા ફોન નંબર પરથી બૅન્કના કર્મચારી હોવાનો દાવો કરતો કૉલ આવે અને ઓટીપી માગે તો શૅર ન કરવી. બૅન્કની કોઈ સેવા અર્જન્ટ લેવાની જરૂર હોય તો બૅન્કમાં જવું.


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2020 10:45 AM IST | Mumbai | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK