મુંબઈ : વિરારમાં 4.25 કરોડની કૅશ સાથે ડ્રાઇવર પલાયન

Published: 14th November, 2020 11:11 IST | Mumbai Correspondent | Mumbai

સિક્યૉરિટી અને કૅશ વૅનનો સ્ટાફ એટીએમ મશીનમાં કૅશ ભરવા ગયા ત્યારે આરોપી વૅન લઈને રફુચક્કર

આ ડ્રાઇવર કરોડો રૂપિયા રાખેલી કૅશ સાથેની આ વૅન લઈને પલાયન.
આ ડ્રાઇવર કરોડો રૂપિયા રાખેલી કૅશ સાથેની આ વૅન લઈને પલાયન.

વિરાર-વેસ્ટના બોલિંજ વિસ્તારમાં ગુરુવારે સાંજે એક કૅશ વૅનનો અજાણ્યો ડ્રાઇવર આશરે ૪.૨૫ કરોડ રૂપિયા સાથે ભાગી ગયો હતો. આ ઘટનાની જાણકારી મળતાં જ અર્નાળા પોલીસ-સ્ટેશનના પોલીસ-અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

ગુરુવારે સાંજે સાત વાગ્યાની આસપાસ ડ્રાઇવર, મૅનેજર, સશસ્ત્ર સુરક્ષા ગાર્ડ અને એક સહાયક સાથે રોકડ રકમની વૅન નંબર-MH43 BP 4976 મશીનની અંદર રોકડ ભરવા માટે વિરાર-વેસ્ટના બોલિંજમાં આવેલા કોટક મહિન્દ્રા બૅન્કના એટીએમ સેન્ટર પર પહોંચી હતી. ડ્રાઇવર વૅનની અંદર બેઠો હતો, જ્યારે અન્ય ત્રણેય જણ એટીએમ સેન્ટરની અંદર રોકડ રકમ જમા કરાવવા ગયા હતા. એ વખતે ડ્રાઇવર અંદરના રોકડ રકમના બૉક્સ સાથે વૅન લઈને પલાયન થઈ ગયો હતો.

અર્ના‍ળા સાગરી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મહેશ શેટ્યેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ બનાવમાં ડ્રાઇવર મુખ્ય શંકાસ્પદ હોવાથી તે માસ્ટર માઇન્ડ લાગી રહ્યો છે. અત્યારે અમે અંદાજ લગાવીએ છીએ કે રોકડ રકમ ૪.૨૫ કરોડ રૂપિયાની હોઈ શકે છે, કારણ કે દિવાળીના તહેવારોમાં ગ્રાહકો પૈસા વધુ વિડ્રો કરાવતાં હોવાથી વિવિધ એટીએમ સેન્ટરોમાં રોકડ જમા કરાવવાની હતી. પોલીસે આઇપીસીની કલમ ૩૯૨ સહિત અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. રોકડ વૅનની શોધ કરવામાં આવી રહી છે, કારણ કે વૅનમાં જી.પી.એસ. હોવાથી વૅનને વિરાન સ્થળ નજીક મૂકી દેવામાં આવે છે. વૅનમાં ૧૦૦, ૨૦૦, ૫૦૦ની નોટ હતી. વૅન દ્વારા એક્સિસ બૅન્ક, આઇસીઆઇસીઆઇ, બૅન્ક ઑફ ઇન્ડિયા, કૉટક મહિન્દ્રા બૅન્કનાં ચોપન એટીએમ સેન્ટરમાં રોકડ રકમ ભરવાની હતી; જેમાંથી ૩ સેન્ટરમાં રોકડ રકમ ભરી લેવાઈ હતી. ડ્રાઇવરને સિસ્ટમની જાણ હોઈ શકે છે. અમે એટીએમની આજુબાજુનાં સીસીટીવી ફુટેજ પણ તપાસ કરી રહ્યા છીએ અને કૅશ ટ્રાન્સપોર્ટિંગ એજન્સી સાથે પૂછપરછ કરીને ડ્રાઇવર વિશે માહિતી મેળવવામાં આવી છે. ૨૬ વર્ષનો ડ્રાઇવર રોહિત બબન આરુ ચેમ્બુરના પ્રબુદ્ધનગરમાં રહે છે. વૅન અને આરોપી જલદી જ શોધી લેવામાં આવશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK