Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેમાં ચાલતા નકલી કૉલ સેન્ટરનો પર્દાફાશ કર્યો મિડ-ડેના રિપોર્ટરે

થાણેમાં ચાલતા નકલી કૉલ સેન્ટરનો પર્દાફાશ કર્યો મિડ-ડેના રિપોર્ટરે

17 February, 2020 08:00 AM IST | Mumbai
Shirish Vaktania, Diwakar Sharma

થાણેમાં ચાલતા નકલી કૉલ સેન્ટરનો પર્દાફાશ કર્યો મિડ-ડેના રિપોર્ટરે

મિડ-ડેના રિપોર્ટર શિરીષ વક્તાણિયા

મિડ-ડેના રિપોર્ટર શિરીષ વક્તાણિયા


પોલીસ દ્વારા થાણે, મીરા રોડ અને ભાઈંદરમાં સંખ્યાબંધ ફેક કૉલ સેન્ટરોનો પર્દાફાશ કરવામાં આવ્યો છતાં હજીય આ ગોરખધંધા ચાલી જ રહ્યા હોવાનું લાગે છે. થાણ‌ેના એ લોકો અન્ય કૉર્પોરેટની જેમ જ કામ કરે છે. પોતાના કર્મચારીઓનો કમ્પલ્સરી ફૉર્મલ ડ્રેસકોડ, શિફ્ટ ટાઇમિંગ જેવા નિયમમાં રહેવાનું કહે છે, પણ આ બધી દેખીતી શરાફત પાછળ કાયદાનું ઉલ્લંઘન કરતાં ખોટાં કામ કરવામાં આવે છે અને એ પણ ટાર્ગેટ નક્કી કરીને. આ પ્રકારનાં ખોટાં કામ કરી કંપની દર મહિને કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે અને ભોળા, નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવે છે. આ ગોરખધંધાનો પર્દાફાશ કરવા ‘મિડ-ડે’ના રિપોર્ટર શિરીષ વક્તાણિયાએ એક અઠવાડિયા સુધી સ્ટેજ ડોર કમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ (એસડીસીપીએલ) કંપનીના કર્મચારી બનીને કામ કર્યું. આની કાર્યપદ્ધતિ સિમ્પલ છે અને એ છે જરૂરિયાતમંદ લોકોને વીમા પૉલિસી સામે આકર્ષક શરતોએ લોન આપવાની.

call-centre



ફેક કૉલ સેન્ટરનું સ્ટિંગ ઑપરેશન


મુંબઈ અને થાણે પોલીસે ૨૦૧૯માં થાણે, મીરા રોડ અને ભાઈંદરમાં આવાં છ કૉલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો, પણ હજી તેમના ગોરખધંધા ચાલુ જ છે એના પરથી ફલિત થાય છે કે તેમની સામે લેવામાં આવેલાં પગલાં પર્યાપ્ત નથી. તેમની કાર્યપદ્ધતિ એ રીતની છે કે તેઓ જરૂરિયાતમંદ લોકોને આકર્ષક શરતોએ વીમા પૉલિસીની સામે લોન આપે છે. ‘મિડ-ડે’ દ્વારા હાથ ધરવામાં આવેલી એક અઠવાડિયાની તપાસના ભાગરૂપે ‘મિડ-ડે’ના પ્રતિનિધિએ ઘટનાસ્થળની મુલાકાત લઈને તેમની સિસ્ટમમાં ઘૂસીને છેતરપિંડી કરનાર કંપનીનો પર્દાફાશ કર્યો છે. રિપોર્ટર શિરીષ વક્તાણિયાએ થાણેની કંપની ‘સ્ટેજ ડોર કમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ’ (એસડીસીપીએલ)માં નોકરી મેળવી હતી. આ કંપનીમાં લગભગ ૨૦૦ કૉલર્સ સહિત કુલ ૩૦૦ લોકો નોકરીમાં છે. કંપનીનું માસિક ટર્નઓવર લગભગ ૧.૫ કરોડ રૂપિયા છે. કંપનીના કૉલર્સ મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોના નાગરિકોને ફસાવવાની કોશિશ કરે છે.

રોજના સેંકડો લોકો તેમના નેટવર્કનો શિકાર બનીને જાળમાં ફસાય છે. અનેક લોકો કાયદાની આંટીઘૂંટીને કારણે પોલીસમાં ફરિયાદ કરવાનું ટાળે છે અને જે લોકો હિંમત કરીને ફરિયાદ કરે છે તેઓ એક ઑફિસથી બીજી ઑફિસના ધક્કા ખાતા રહે છે અથવા તો કંટાળીને ફરિયાદ પડતી મૂકે છે.


fake-call-centre

શિરીષ વક્તાણિયાના કંપનીમાં પ્રવેશની શરૂઆત પોતાને એક બેરોજગાર યુવાન તરીકે રજૂ કરવાથી થાય છે, જેને નોકરીની સખત જરૂર છે. ઇન્ટરવ્યુના બે રાઉન્ડ પાર કર્યા પછી તેને અન્ય ૧૧ યુવાનો સાથે નોકરી પર રાખી લેવામાં આવે છે. કૉલર્સ તરીકે લાઇન પર મૂકતાં પહેલાં તેને બે દિવસ વીમા પૉલિસી વેચવાની તાલીમ આપવામાં આવે છે.

કૉલર્સને બજાજ ફાઇનૅન્સના નામે લોન ઑફર કરવામાં આવે છે. કૉલર્સને એસડીસીપીએલ વિશે કોઈ માહિતી નથી. શિરીષ કંપનીના કર્મચારીઓમાં જાણીતો ચહેરો બની ગયા પછી તેને જણાવવામાં આવે છે કે હકીકતમાં કંપની ઝીરો ટકા વ્યાજે લોન ઑફર કરીને લોકોને છેતરવાનું કામ કરે છે.

શિરીષે ૭ ફેબ્રુઆરીએ શુક્રવારે એક વખત ઇન્ટરવ્યુ આપવા માટે થાણે-વેસ્ટમાં રોડ નંબર-૨૨, વાગળે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી કંપનીની ઑફિસની મુલાકાત લીધી હતી. બે એચ. આર. તેજશ્રી અને એક અજાણ્યા શખસે શિરીષનો અલગ-અલગ ઇન્ટરવ્યુ લીધો હતો. વક્તાણિયાએ જણાવ્યું કે તેના એક મિત્ર દિવાકર શર્મા દ્વારા તેને આ નોકરી વિશે માહિતી મળી હતી. ઇન્ટરવ્યુમાં તેને વીમા વિશેની તેની જાણકારી વિશે પૂછવા ઉપરાંત કેટલાક અંગત સવાલ પૂછવામાં આવ્યા હતા. વક્તાણિયાને મહિને ૧૦,૦૦૦ રૂપિયાના પગારે નોકરી પર રાખી લેવામાં આવ્યો અને સોમવારે ૧૦ ફેબ્રુઆરીએ સવારે સાડાનવ વાગ્યે કામ પર હાજર થવાનું જણાવાયું.

staff

થાણેમાં ચાલતું કૉલ-સેન્ટર.

તાલીમના બે દિવસ દરમમ્યાન અસિસ્ટન્ટ મૅનેજર સાગરિકાએ તમામ ટ્રેઇની સ્ટાફને ગ્રાહકની વય, જરૂરરિયાત, આવક અને લોન પાછી ચૂકવવાની ક્ષમતા વિશે માહિતી મેળવીને એના આધારે કંપનીની બે પ્રોડક્ટ ઇન્શ્યૉરન્સ પ્રોડક્ટ અને હૉલિડે પૅકેજ વિશે કૉલ કરવાની પદ્ધતિની તાલીમ આપી.

સાગરિકાએ દાવો કર્યો કે કંપની (એસડીસીપીએલ) આઇઆરડીએનું લાઇસન્સ ધરાવે છે જે તેને વીમા પાલિસી વેચવા અધિકૃત કરે છે. કંપનીમાં કામના સમયે એસડીસીપીએલ તેના કર્મચારીઓને મોબાઇલ ફોન વાપરવાની પરવાનગી નથી આપતી. કંપનીના ફ્લોર પર કૉલર્સની હારમાળા છે, જેમાં એક લાઇનમાં ઓછામાં ઓછા ૨૦ કૉલર્સ બેઠા હોય છે. આ ઉપરાંત ટ્રેઇનિંગ-રૂમ, એચ.આર.ની કૅબિન, સીવર રૂમ, બૅક-અપ ઑફિસ, પૅન્ટ્રી અને વૉશરૂમ્સ પણ છે. ટીમ-લીડર્સ કૉલર્સને મૅનેજ કરે છે અને તેમને ટાર્ગેટ આપે છે તેમ જ મીટિંગ પણ કરે છે, જ્યાં તેઓ નબળી કામગીરી બદલ કૉલર્સને અપશબ્દો પણ કહે છે. ‘મિડ-ડે’એ એના સ્ટિંગ ઑપરેશનમાં એક ટીમ-લીડરને તેના જુનિયરને ગાળો ભાંડતાં પકડ્યો છે. ટીમ-લીડર કહેતો હતો કે ‘તુમ્હારી લાયકી નહીં હૈ યે કામ કરને કી, બાહર જાકે ભીખ માંગો ઇસસે અચ્છા.’

shirish

૭૦,૦૦૦ રૂપિયા કરતાં વધુ રકમના ઇન્શ્યૉરન્સ મેળવનારને પ્રોત્સાહનરૂપે મળનારી રકમ તેના પગારમાં જમા કરાય છે. કૉલર ધમ્મદીપ અવથારેએ જણાવ્યું હતું કે ઈએમઆઇ ઊંચો હોવા છતાં કઈ રીતે ટ્રેઇની ૨૦,૦૦૦ રૂપિયા પગાર મેળવે છે એ પણ ઘણું કહેવાય. તેના કહેવા મુજબ ‘એકદા કસ્ટમરની પૈસે ભરલે કી તો ફસલા.’

પોતાનો ટ્રૅક સાચવવા એસડીસીપીએલ ખાતરીપૂર્વક કહે છે કે તેનો લૅન્ડલાઇન નંબર ટ્રેસ કરી શકાતો નથી. જોકે ડૉક્યુમેન્ટ્સ મેળવવા કે મોકલવા ઉપયોગમાં લેવાતા મોબાઇલ-નંબર ટ્રેસ કરી શકાય છે. દિવસના અંતે ટીમ-લીડર દરેક ફોનની બૅટરી કાઢી એને ઘરે લઈ જાય છે અને કૉલર્સને ગ્રાહકોને ચેતવતા રોકવા માટે હૅન્ડસેટ ઑફિસના ડ્રૉઅરમાં લૉક કરી દેવામાં આવે છે.

ગ્રાહક સાથે કઈ રીતે વાત કરવી એ તારે શીખવું પડશે. અમારામાંના કેટલાક પિકનિક માટે ગોવા જઈ રહ્યા છીએ, પણ ટીમ-લીડરની નજર તમારા પર રહેશે. ફોનથી જ કસ્ટમરને અપ્રોચ કરવાનો અને પોતાની ડેસ્ક છોડતો નહીં. જો બરાબર કામ કરીશ તો અમે તને બૅન્ગકૉક લઈ જઈશું.

- નામદેવ, સિનિયર મૅનેજર

અમારી પાસે એસડીસીપીએલ વિરુદ્ધ કોઈ ફરિયાદ નથી. અમારી ફ્રૉડ કન્ટ્રોલ ટીમ કંપની અને એની સામે કરવામાં આવેલી ફરિયાદના સંદર્ભમાં તપાસ કરશે. 

- બાબુરાવ, બજાજ ગ્રુપના જનરલ કાઉન્સેલર

ગ્રાહકો સાથે વિનમ્રતાથી વાત કરો. અમે ગૂગલ પે અને નેટ બૅન્કિંગ દ્વારા રૂપિયા સ્વીકારીએ છીએ. કસ્ટમરને ડૉક્યુમેન્ટ્સ મોકલીએ છીએ અને વૉટ્સઍપ દ્વારા તેમની સાઇન લઈએ છીએ અને તેમને ઇન્શ્યૉરન્સ પૉલિસીની માહિતી ઈ-મેઇલ અથવા વૉટ્સઍપ દ્વારા મોકલી આપીએ છીએ.

- સાગરિકા, અસાઇનમેન્ટ મૅનેજર

તમે ૨૦,૦૦૦ રૂપિયાનો વાર્ષિક ઇન્સ્ટૉલમેન્ટ ભરીને લોન રિપે કરી શકો છો. આ ૨૦,૦૦૦ રૂપિયા તમારે ૧૦ વર્ષ સુધી ભરવાના રહેશે. આ સ્કીમ અપ્રૂવ કરાવવા તમારે ૨૦,૦૦૦ રૂપિયાનો ઇન્સ્ટૉલમેન્ટ ઍડ્વાન્સમાં ભરવો પડશે. આ લાઇફ ઇન્શ્યૉરન્સ ૨૦ વર્ષનું છે. અમે આ નાણાંથી બજારમાં રોકાણ કરીશું જેના થકી મળનારા વ્યાજની બજાજ ફાઇનૅન્સ કમાણી કરશે. વધારામાં અમે તમને પાંચ લાખ રૂપિયાનું ઍક્સિડન્ટલ ઇન્શ્યૉરન્સ અને પંત પ્રધાન આવાસ યોજના હેઠળ ૫૦,૦૦૦ રૂપિયા આપીશું.
- ધર્મેન્દ્ર અવથારે, કૉલર અમર જાધવના સ્વાંગમાં એકદા કસ્ટમરની પૈસે ભરલે કી તો ફસલા...

એસડીસીપીએલની ઑફિસમાં મિડ-ડેનો રિપોર્ટર અને થાણેમાં કંપનીની ઑફિસ.

Whatsapp-channel Whatsapp-channel

17 February, 2020 08:00 AM IST | Mumbai | Shirish Vaktania, Diwakar Sharma

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK