નવી ઓલા ઍપમાં હજી પણ છેડછાડ શક્ય: પોલીસ

Published: 30th November, 2020 09:36 IST | Faizan Khan | Mumbai

જીપીએસ સાથે ચેડાં કરવાના મામલામાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ બાદ કહ્યું

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

જીપીએસ સાથે ચેડાં કરવાના કેસમાં મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે કરેલી તપાસમાં બે મહિના પહેલાં જ લૉન્ચ કરાયેલી ઍપના છેલ્લા વર્ઝનમાં પણ છેડછાડ કરવી શક્ય હોવાનું જણાતાં ઓલાની તકલીફો વધી શકે છે.

૧ નવેમ્બરે ઓલા ઍપના જૂના વર્ઝનમાં ઓલાના પાર્ટનર એવા ત્રણ ડ્રાઇવરની જીપીએસ ટ્રેકર સાથે છેડછાડ કરવા બદલ પોલીસે ધરપકડ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચે એ પણ નોંધ્યું હતું કે તપાસ હેઠળના અનેક ડ્રાઇવરોએ ઍપનું જૂનું વર્ઝન હટાવી દીધું છે.

અત્યાર સુધી પ્રવાસના અંતર સાથે છેડછાડ કરતા હોવાની શંકાના આધારે ચાર ડ્રાઇવરોના મોબાઇલ જપ્ત કરાયા છે તેમ જ નવી મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટથી વિવિધ સ્થળોએ પ્રવાસના અંતરમાં હેરફેર કરતાં ૩૫ ડ્રાઇવરોને ઓળખી કઢાયા છે.

મુંબઈ સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી રાજેશ આચાર્યની જામીનની અરજીને ફગાવતાં એડિશનલ સેશન્સ જજ અભિજિત નંદગાંવકરે કહ્યું હતું કે તેઓ પણ આનો ભોગ બન્યા છે.

ક્રાઇમ બ્રાન્ચને શંકા છે કે ઍપ સાથે થતાં ચેડાં વિશે ઓલાને પણ માહિતી છે.

ક્રાઇમ બ્રાન્ચ ઑફિસરે હાલમાં જ ઍપના નવા વર્ઝનનો ઉપયોગ કરતી ઓલા કેબમાં આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટથી પનવેલ સુધી પ્રવાસ કર્યો હતો, જેમાં તેમણે નોંધ્યું હતું કે કિલોમીટર વધારવા માટે નવી ઍપમાં પણ ધરપકડ કરાયેલા ડ્રાઇવરો જેવી જ ટેક્નિકનો ઉપયોગ કરીને છેડછાડ કરવામાં આવી હતી.

તાજેતરમાં ઓલાના ચીફ ટેક્નિકલ ઑફિસરે ક્રાઇમ બ્રાન્ચને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તેને આ છેડછાડ વિશે માહિતી નહોતી તથા ઍપમાં સમસ્યા છે કે ધરપકડ કરાયેલા ડ્રાઇવરો છેડછાડ કરે છે તે વિશે કંપની તપાસ કરશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK