હિકેન શાહ : મુંબઈ ક્રિકેટનો ગુજરાતી સ્ટાર

Published: 9th December, 2012 09:14 IST

રણજી ટ્રોફીમાં ઉપરાઉપરી ત્રણ સદી ફટકારીને છવાઈ ગયેલા ૨૮ વર્ષના હિકેન શાહને મળો
(ફાલ્ગુની જડિયા-ભટ્ટ)

નૅશનલ લેવલ પર રમાતી ક્રિકેટમાં ચારે બાજુ ગુજરાતી ચેતેશ્વર પુજારાની ચર્ચા ચાલી રહી છે ત્યારે રણજી ટ્રોફી ટુર્નામેન્ટમાં ગુજરાતી હિકેન શાહના ફૉર્મે ચકચાર જગાવી છે. પાછલી ત્રણ મૅચમાં લગાતાર ત્રણ સદી ફટકારીને આ ગુજરાતી લેફ્ટહૅન્ડ બૅટ્સમૅન અને લેગ બ્રેક બોલરે ભારતભરના ક્રિકેટ-સમીક્ષકોને પોતાના ફૅન બનાવી લીધા છે. છેલ્લાં સાત વર્ષથી મુંબઈની ટીમ તરફથી રમતા હિકેને ૩ ડિસેમ્બરે મુંબઈના બ્રેબૉર્ન સ્ટેડિયમમાં બંગાળની ટીમ સામે ૧૧૮ રન કરીને બધાને આર્યચકિત કરી દીધા હતા. એ પહેલાં તેણે રાજસ્થાન સામે ૧૪૦ તથા હૈદરાબાદ સામે ૧૫૬ રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. SUNDAY સરતાજને આપેલી એક ખાસ મુલાકાતમાં ભારતીય ક્રિકેટજગતનો આ નવો સિતારો પોતાના અંગત જીવન અને સપનાંઓની વાતો દિલ ખોલીને કરે છે.

૧૯૮૪ની ૧૫ નવેમ્બરે મુંબઈમાં જન્મેલા મૂળ વેરાવળના ૨૮ વર્ષના સ્થાનકવાસી જૈન હિકેન શાહનું સપનું હંમેશાં ક્રિકેટર બનવાનું હતું. અત્યારે બોરીવલીમાં રહેતા હિકેનના પિતા મૂળજી જેઠા માર્કેટમાં સર્વિસ કરે છે. પિતાની આંગળી પકડીને ક્રિકેટજગતમાં પાપા પગલી માંડનાર હિકેન બાળપણના એ દિવસોને યાદ કરતાં કહે છે, ‘મારા પિતા નરેશ શાહને ક્રિકેટનો ખૂબ શોખ. અમે દક્ષિણ મુંબઈમાં રહેતા હતા ત્યારે તેઓ વિવિધ ક્લબ તરફથી ક્રિકેટ રમવા જતા. બાળપણમાં દરેક પુત્રના જીવનનો પહેલો હીરો સ્વાભાવિક રીતે જ તેના પિતા હોય એટલે હું પણ મારા હીરોને ક્રિકેટ-ફીલ્ડ પર જોવા તેમની મૅચ જોવા પહોંચી જતો. ત્યાં રમતા પ્લેયરોના ઉત્સાહ તથા સમગ્ર વાતાવરણે મારા મન પર એટલી ઊંડી અસર કરી કે પછી તો મેં પણ મોટા થઈને ક્રિકેટર બનવાનું સપનું સેવી લીધું.’


હિકેન શાહ ફિયાન્સે નિધી દોશી સાથે


હિકેનના આ નિર્ણયને ઘરના બધાએ વધાવી લીધો. પરિણામે આઠ વર્ષની ઉંમરે પહેલાં હિન્દુ જિમખાનામાં અને ત્યાર બાદ ક્રૉસ મેદાનની નૅશનલ ક્રિકેટ ક્લબના કોચ વિદ્યાધર પરાડકરના હાથ નીચે તેની તાલીમ શરૂ થઈ જે આજ સુધી ચાલુ છે. ચીરાબજારમાં આવેલી પોતાની સ્કૂલ સેન્ટ સૅબેસ્ટિયન તરફથી બે વર્ષ રમ્યા બાદ હિકેન બાંદરાની રિઝવી કૉલેજનો મુખ્ય પ્લેયર બની ગયો અને વિવિધ આંતર-કૉલેજ ટુર્નામેન્ટ બાદ આંતર-યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં તેના સફળ પર્ફોર્મન્સે તેને ૨૦૦૬માં મુંબઈની ટીમનો સભ્ય બનાવી દીધો. જોકે મુંબઈની ટીમનો

મિડલ-ઑર્ડર પહેલેથી રોહિત શર્મા, અભિષેક નાયર તથા અમોલ મુઝુમદાર જેવાં મોટાં નામોથી ભરેલો હતો. આ ઉપરાંત સચિન તેન્ડુલકર પણ અનુકૂળતા હોય ત્યારે મુંબઈની ટીમ તરફથી રમતો હતો. આવાં મોટાં માથાંઓને કારણે હિકેન અહીં બહુ લાંબો સમય પોતાનું સ્થાન જાળવી ન શક્યો, પરંતુ ૨૦૧૨ની એક ટુર્નામેન્ટ તથા ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં તેના પર્ફોર્મન્સને પગલે આ વર્ષે રણજી ટ્રોફી ટુર્નામેન્ટમાં મુંબઈની ટીમના બૅટિંગ-ઑર્ડરમાં તેને ત્રીજા નંબરે રમવાની તક આપવામાં આવી. તે કહે છે, ‘દરેક ક્રિકેટરની કરીઅરમાં ઉતારચડાવ તો આવે જ, પરંતુ એ બધાથી વિચલિત થયા વગર તમે તમારું ધ્યાન સતત સારા પર્ફોર્મન્સ પર કેન્દ્રિત કરો તો કોઈ તમને રોકી શકે નહીં. હું આઠ વર્ષની ઉંમરથી ક્રિકેટ રમું છું. આ પહેલાં અન્ડર-૧૪, અન્ડર-૧૬, અન્ડર-૧૯ તથા અન્ડર-૨૧ની મૅચો રમી ચૂક્યો છું; પરંતુ સિલેક્શનની બાબતમાં મને ક્યાંય કોઈ સમસ્યા નડી નથી.’

પોતાની અત્યાર સુધીની કરીઅરમાં સચિન અને હરભજન સિંહ જેવાં ક્રિકેટજગતનાં મોટાં માથાં સાથે અનેક મૅચ રમી ચૂકલો હિકેન તેન્ડુલકર તથા લારાને પોતાના આદર્શ માને છે. તે કહે છે, ‘મારી જેમ લારા પણ લેફ્ટહૅન્ડ બૅટ્સમૅન હોવાથી તેની પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે. તેની ખાસિયત એ છે કે તે સ્ટાઇલિશ પ્લેયર હોવા છતાં મૅચવિનર છે. બીજી બાજુ સચિનનું તો શું કહેવું? માત્ર ભારત જ નહીં, દુનિયાભરના પ્લેયરો તેને ક્રિકેટ-ગૉડ તરીકે જુએ છે, પરંતુ સચિનના મનમાં એનો રતીભાર પણ અહમ્ નથી. ફીલ્ડ પર તે હંમેશાં સાથીપ્લેયરોને સર્પોટ કરતો રહે છે. ક્યાંક ભૂલ થઈ જાય તો પણ હંમેશાં પ્રોત્સાહન આપ્યા કરે છે.’કારકર્દિીની સૌથી યાદગાર ક્ષણની વાત કરતાં હિકેન કહે છે, ‘ગયા વર્ષે પહેલાં ટીમમાં મારું સિલેક્શન થયું નહોતું, પણ પાછળથી લેવામાં આવ્યો. જે દિવસે મારી કમબૅક મૅચ હતી એ જ દિવસે મારી મમ્મીનો બર્થ-ડે હતો. સવારે તેમની સાથે ફોન પર વાત કરતાં મેં તેમને બર્થ-ડે ગિફ્ટ તરીકે ૧૦૦ રન કરવાનું પ્રૉમિસ કર્યું હતું. મારી એ સદીથી મમ્મીના ચહેરા પર ગવર્‍ની જે રેખાઓ છવાઈ ગઈ હતી એ હું ક્યારેય નહીં ભૂલું.’

ક્રિકેટની સાથે છેલ્લાં ચાર વર્ષથી કસ્ટમ્સમાં જૉબ કરતા હિકેનનું અલ્ટિમેટ સપનું સ્વાભાવિક રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ટીમ તરફથી રમવાનું છે અને એ માટેની તૈયારીઓ પણ પુરજોશમાં ચાલી રહી છે. ખાવા-પીવાથી માંડીને રહેણીકરણી સુધી બધી જ બાબતોમાં તે નિયમિતતા જાળવે છે. એ સિવાય છેલ્લાં બે વર્ષથી તે યોગ પણ કરી રહ્યો છે, જેને પગલે તેનું ફોકસ સુધર્યું હોવાનું તે માને છે. ૨૬ ડિસેમ્બરે લગ્ન હોવા છતાં રોજ ટ્રેઇનિંગ માટે જવામાં પણ તે જરાય બાંધછોડ નથી કરતો. ભાવિ પત્ની નિધિ દોશી તેની જવાબદારીઓને સમજતી હોવાથી તેને પૂરેપૂરો સર્પોટ આપે છે અને મુંબઈમાં હિકેનની જેટલી પણ મૅચ હોય એ બધામાં અચૂક હાજર રહે છે. હિકેન કહે છે, ‘આ ક્ષેત્રમાં હાર્ડવર્ક, ફોકસ અને ડિસિપ્લિનનો કોઈ પર્યાય નથી. મને વિશ્વાસ છે કે હું સતત સારો પર્ફોર્મન્સ આપતો રહીશ તો મને મારી મંજિલ સુધી પહોંચતાં કોઈ અટકાવી નહીં શકે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK