કોરોનાના વધુ વીસ દર્દીઓને કસ્તુરબા હૉસ્પિટલમાં દાખલ કરાયા

Published: Mar 13, 2020, 10:51 IST | Arita Sarkar | Mumbai

મુંબઈના સિનિયર સિટિઝન દંપતીના સંપર્કમાં આવેલા ૨૦ જણનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

કસ્તુરબા હૉસ્પિટલ
કસ્તુરબા હૉસ્પિટલ

મુંબઈમાં એક વૃદ્ધ દંપતીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ અને એમની જોડેના વીસ જણનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યાના બીજા દિવસે ગઈ કાલે ચિંચપોકલીની કસ્તુરબા હૉસ્પિટલમાં કોરોના વાઇરસના નવા વીસ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. નવા વીસ દર્દીઓના ટેસ્ટના રિપોર્ટ્સની રાહ જોવાઈ રહી છે. જેમાં બે કેસ પૉઝિટવ આવ્યા છે. એક મુંબઈનો રહેવાસી છે અને એક થાણેનો એમ રાજ્યમાં કુલ ૧૪ કેસ પૉઝિટવ છે. મહાનગરપાલિકાનાં નાયબ આરોગ્ય અધિકારી ડૉ. દક્ષા શાહે જણાવ્યું હતું કે ‘પશ્ચિમના પરાંના રહેવાસી વૃદ્ધ દંપતીના ત્રણ સહયોગીઓને બુધવારે રાતે કસ્તુરબા હૉસ્પિટલના આઇસોલેશન વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ દંપતીની નોકરાણી, એમને એરપોર્ટથી ઘર સુધી પહોંચાડવા કાર ડ્રાઇવ કરનારા ડ્રાઇવર અને એમના પાડોશીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ એમના કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ મળ્યો છે. હાલ કોરોના રોગચાળાના અનુસંધાનમાં કસ્તુરબા હૉસ્પિટલમાં ૪૦ જણને દાખલ કરવામાં આવ્યા છે.’

કોરોના ટેસ્ટનો પૉઝિટિવ રિપોર્ટ ધરાવતા વૃદ્ધ દંપતીની સ્થિતિ વિશે પૂછતાં આરોગ્ય ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘એ બન્નેમાં હજુ હળવાં લક્ષણો જણાય છે. અમે રોગનાં લક્ષણો દૂર કરવાની સારવાર કરીશું. જોકે લક્ષણોમાં તીવ્રતા નથી. એથી વિશેષ સારવારની જરૂર જણાતી નથી. સારવારના પ્રોટોકોલ પ્રમાણે બીમારીનાં લક્ષણો નાબૂદ થયા પછી ચોવીસ કલાકના અંતરે લોહીના બે સૅમ્પલ્સ લેવામાં આવે છે. એ બ્લડ ટેસ્ટના રિપોર્ટ્સ નેગેટિવ મળશે તો બન્નેને ડિસ્ચાર્જ કરવામાં આવશે, પરંતુ ટેસ્ટ કરતાં પહેલાં વધુ સાત-આઠ દિવસ એમના પર નિગરાણી રાખવી પડશે. એમના પરિવારના એક સભ્ય આસામ ગયા છે. અમે ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામના આસામસ્થિત અધિકારીઓનો સંપર્ક સાધ્યો છે. એ અધિકારીઓ આ દંપતીના કુટુંબના સભ્યનો સંપર્ક સાધશે અને એમના પર કોરોના ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરશે.’

આ પણ વાંચો : કોરોનાનો રેલો પગ સુધી ન પહોંચે એ માટે પ્રિકોશન અનિવાર્ય: ડૉ અનંત ભાણ

દરમ્યાન વધુ સંખ્યામાં લોકો કોરોના ટેસ્ટ કરાવવા કસ્તુરબા હૉસ્પિટલમાં પહોંચી રહ્યા છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે કસ્તુરબા હૉસ્પિટલની ક્ષમતા ૬૦ બેડથી વધારીને ૧૦૦ બેડની કરવાની તૈયારી કરાઇ છે. ૪૦ ડૉક્ટરો અને ૨૦ પેરામેડિકલ સ્ટાફર્સ ત્રણ શિફ્ટ્સમાં એરપોર્ટ્સ પર મુસાફરોના સ્ક્રીનિંગની કામગીરી બજાવે છે. પરેલના કમલા મિલ પાસેના મકાનમાં કોરોનાનો એક શંકાસ્પદ દર્દી મળ્યો હોવાની ચર્ચા સોશ્યલ મીડિયા પર ચાલે છે, પરંતુ પાલિકાના અધિકારીઓએ એ વાતોને અફવા ગણાવતાં જણાવ્યું હતું કે હજુ નોટિસ ઑફ ઇવેક્યુએશન બહાર પાડવામાં આવી નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK