કોરાના કરફ્યુની પૉઝિટિવ સાઇડ ઇફેક્ટ: પૉલ્યુશન ઘટ્યું, ઇમ્યુનિટી વધી

Published: Mar 24, 2020, 07:17 IST | Mumbai Correspondent | Mumbai

શહેરમાં વાહનવ્યવહાર અને ઇન્ડસ્ટ્રીઝથી રિલીઝ થતાં નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડમાં ઘટાડો થવાથી ઍર પૉલ્યુશન ઇન્ડેક્સ ૬૨ થઈ ગઈ છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મુંબઈ ભારતનું સૌથી ગીચ વસ્તી ધરાવતું શહેર હોવાની સાથે અહીંની ટ્રાફિકની સમસ્યા જગજાહેર છે. દેશના આર્થિક પાટનગરમાં મોટા ભાગનું વાયુ અને ધ્વનિ પ્રદૂષણ વાહનવ્યવહારથી થતું હોવાનું મનાય છે. જોકે રવિવારના જનતા કરફ્યુ અને એ પહેલાંના આંશિક લૉકડાઉનથી રસ્તા પરથી મોટા ભાગનાં વાહનો ગાયબ થઈ ગયાં હોવાને કારણે શહેરના ઍર ક્વૉલિટી ઇન્ડેક્સમાં ખાસ્સો ૪૫ ટકાનો ઘટાડો થયો છે. બીજા શબ્દોમાં કહીએ તો લોકો ઘરની બહાર ન નીકળ્યા હોવાથી પૉલ્યુશન ઘટવાની સાથે ચારેબાજુ શાંતિ છવાઈ ગઈ છે.

શહેરના સૌથી ગીચ ગણાતા કાલબાદેવી, ભુલેશ્વર જેવા વિસ્તારમાં વાયુની સાથે ધ્વનિ પ્રદૂષણ સૌથી વધારે હોય છે. ત્યાં આજકાલ તમામ દુકાનો, ઑફિસ બંધ હોવાથી જ્યાં સામાન્ય સંજોગોમાં પગ મૂકવાની જગ્યા ન હોય ત્યાં આજે એકસાથે ચાર-ચાર વાહનો ચાલી શકે એટલા પહોળા અને ખુલ્લા સૂમસામ રસ્તા દેખાઈ રહ્યા છે.

સામાન્ય સંજોગોમાં મુંબઈમાં વાયુ અને ધ્વનિ પૉલ્યુશન ઇન્ડેક્સ ૧૨૫થી ૨૦૦ સુધી રહેતો હોય છે, પરંતુ જનતા કરફ્યુ અને એની આગળ અને પાછળના દિવસોમાં આ ઇન્ડેક્સ ૬૨ રહ્યો છે જે ૪૫થી ૫૦ ટકાનો ઘટાડો દર્શાવે છે. મુંબઈ સહિત આસપાસની વાત કરીએ તો ગઈ કાલે સૌથી વધુ નવી મુંબઈના મ્હાપેમાં ૧૩૭ તો સૌથી ઓછો નવી મુંબઈના જ ઐરોલીમાં ૨૬ ઍર પૉલ્યુશન ઇન્ડેક્સ નોંધાયો હતો. કોલાબામાં ૫૭, વરલીમાં ૫૯, વિલે પાર્લામાં ૬૧ અને બોરીવલીમાં ૮૮ ઇન્ડેક્સ જોવા મળ્યો હતો.

પ્રકૃતિપ્રેમી અને ભવન્સ નેચર ઍડ્‌વેન્ચર સેન્ટરના હિમાંશુ પ્રેમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે જનતા કરફ્યુ અને એની આગળના કેટલાક દિવસથી મુંબઈમાં મોટા ભાગનાં કામકાજ બંધ થવાની સાથે વાહનોની અવરજવર ઘટવાથી શહેરના વાતાવરણમાં પ્રદૂષણમાં સારો એવો ઘટાડો થયો છે, માણસની સાથે પશુ-પંખીઓ માટે પણ આ રાહત આપનારી બાબત છે. શહેરમાં સૌથી વધુ પ્રદૂષણ વાહનવ્યવહાર અને ઇન્ડસ્ટ્રીથી થાય છે. કોરોનાની સ્થિતિને કારણે ઊભી થયેલી મુશ્કેલી હોવા છતાં પર્યાવરણની દૃષ્ટિએ આ સ્થિતિ સૌ માટે લાભકારી છે. કાયમી આવી સ્થિતિ લાવવા માટે વસ્તી નિયંત્રણ થાય તો પ્રદૂષણની સ્થિતિમાંથી છૂટકારો મળે. મુંબઈમાં કદાચ પહેલી વખત આટલી શાંતિની સ્થિતિ ઊભી થઈ છે.’

ભીડભાડવાળા માર્કેટ વિસ્તાર પ્રાર્થના સમાજ નજીકની ખોતાચી વાડીમાં રહેલા પારુલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ બંધ હોવાથી આજકાલ અહીં લોનાવલા જેવું વાતાવરણ છે. શુદ્ધ હવા, ક્લિયર આકાશ અને પંખીઓનો અવાજ સંભળાઈ રહ્યો છે. બીએમસી દ્વારા રસ્તાઓ એકદમ સાફ કરાતા હોવાથી દક્ષિણ મુંબઈની ખરી બ્યુટી દેખાઈ રહી છે. સામાન્ય સંજોગોમાં તો અહીં ૨૪ કલાકમાંથી ૪ કલાક જ શાંતિ રહે છે.’

શહેરમાં ૩૭ લાખ વાહનો

મુંબઈમાં દોઢેક કરોડની વસ્તી સામે તમામ પ્રકારનાં મળીને અંદાજે ૩૭ લાખ વાહનો છે જે દરરોજ રસ્તા પર ટ્રાફિક જૅમ કરવાની સાથે ખૂબ જ પ્રદૂષણ ફેલાવે છે. સરકારના આંકડા મુજબ શહેરમાં દર વર્ષે ૨૦ ટકા રિક્ષા, ૫.૫ ટકા ઍમ્બુલન્સ, ૯ ટકા ટૂ-વ્હીલર અને ૮ ટકા કાર, જીપ, ટૅક્સી જેવાં હળવાં વાહનોનો ઉમેરો થાય છે.

હવા શુદ્ધ થાય તો સૌથી વધારે ફાયદો ફેફસાંના દરદીઓને થાય. શહેરના આવા પેશન્ટોને રાહત થશે. બીજું, કોરોના ફેફસાંમાં ફેલાવાથી દરદીને ન્યુમોનિયા થાય છે. શુદ્ધ હવા મળશે તો દરદીના ફેફસાં સ્વસ્થ રહેશે અને કોરોનાનો ચેપ લાગવાની શક્યતા ઘટી જાય છે. આથી મુંબઈને લૉકડાઉન કરવાનો નિર્ણય બહુ સારો છે અને એ જેટલો લંબાશે એટલો લોકોને ફાયદો થશે.
ડૉ. રાજીવ અગરવાલ, કસ્તુરી મેમોરિયલ હૉસ્પિટલ, ભાઈંદર

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK