‘હિંમત હાર્યા નથી, સેન્ટરને ફરી ધમધમતું અને ઝળહળતું કરીશું’

Published: 27th October, 2020 11:23 IST | Rohit Parikh | Mumbai

આગમાં મોટા પાયે નુકસાન થયું હોવા છતાં મોબાઇલના વેપારીઓએ કમર કસી

સિટી સેન્ટરમાં પાણી ભરાઈ જવાથી સાફસફાઈ ચાલી રહી છે.
સિટી સેન્ટરમાં પાણી ભરાઈ જવાથી સાફસફાઈ ચાલી રહી છે.

મુંબઈ સેન્ટ્રલ પાસેના સિટી સેન્ટરનો અસલી માહોલ દિવાળીના તહેવારોમાં જામવા સામે આ સેન્ટરના વેપારીઓ શંકા સેવી રહ્યા છે. બધા વેપારીઓ એટલાબધા હતાશ થઈ ગયા છે કે તેઓ રડમશ ચહેરે એક જ વાત કરે છે, ‘દિવાળીના તહેવારોના સમયમાં હમ સબ કા દિવાલા નિકલ ગયા.’ બીજી જ ક્ષણે જોશમાં આવીને તેઓ કહે છે કે આટલા મોટા નુકસાન પછી પણ અમે હિંમત નથી હાર્યા. અમે આ સેન્ટરને ફરી પાછું ધમધમતું અને ઝળહળતું કરીશું.

સિટી સેન્ટરમાં ગયા શુક્રવારે લાગેલી ભીષણ આગમાં સેંકડો દુકાનો તારાજ થઈ ગઈ હતી. આગ બુઝાવી દીધા પછી ફાયરબ્રિગેડ દ્વારા કૂલિંગનું કાર્ય બે દિવસ ચાલ્યું હતું. ગઈ કાલથી માર્કેટમાં હવે સાફસફાઈની શરૂઆત થઈ છે. માર્કેટમાં બધા જ ફ્લોર પર પાણી ભરાઈ ગયાં છે. બહુ મોટી સ્વીપર્સ-ટીમ માર્કેટમાં કામે લાગી છે. બીજી બાજુ બધા વેપારીઓ અત્યારે એક જ પ્રયાસમાં લાગ્યા છે કે સેન્ટરમાં ફરીથી દિવાળીના સમયમાં રોશની ઝળહળી ઊઠે. મોબાઇલ અને ઍક્સેસરીઝ માર્કેટ ફરીથી ધમધમી ઊઠે. અત્યારની પરિસ્થિતિ જોતાં આ માર્કેટના વેપારીઓ દિવાળી સુધીમાં માર્કેટ ફરીથી ધમધમી ઊઠે અને પહેલાં જેવી રોશની ઝળહળી ઊઠે એ બાબતે શંકા સેવી રહ્યા છે. જોકે એમ છતાં માર્કેટના વેપારીઓમાં રહેલી એકતા આ માર્કેટને ફરીથી ઝળહળતી કરશે એવો તેમનામાં આત્મવિશ્વાસ છે.

સિટી સેન્ટર પછી મોબાઇલની એક નવી માર્કેટ ઊભી કરવા માટે આ સેન્ટરની નજીક નાથાણીમાં આ પહેલાં પ્રયાસ કરવામાં આવ્યા હતા. એ જ રીતે એક ડેવલપરે રેડ લાઇટ એરિયાના પીલા હાઉસમાં પણ અનેક મોબાઇલના વેપારીઓને આકર્ષિત કર્યા છે. આ ડેવલપરની આકર્ષિત ઑફરને કારણે સિટી સેન્ટરના ૩૦ ટકાની આસપાસ વેપારીઓએ પીલા હાઉસમાં જગ્યા બુક કરી છે.

આ સંજોગોમાં સિટી સેન્ટરના મુંબઈ મોબાઇલ ઍન્ડ ઍક્સેસરીઝ અસોસિએશનના કમિટી-મેમ્બરો અમિત શર્મા, જવાહર દવે, આરિફભાઈ, જસપ્રીત સાહની અને બરકતભાઈએ સાથે બેસીને ‘મિડ-ડે’ સાથે તેમની આગ લાગ્યા પછીની વ્યથા જણાવતાં કહ્યું હતું કે ‘અત્યારે અમે જે સિટી સેન્ટરમાં સ્થાયી છીએ ત્યાં અમારા બિઝનેસને જબરો પુશઅપ મળ્યો છે. અમે બધા જ સંઘર્ષ કરીને ભારે જહેમત ઉઠાવીને આ સેન્ટરને મોબાઇલ અને ઍક્સેસરીઝ માર્કેટમાં પરિવર્તિત કરી છે. અમારા પર નાની-મોટી મુસીબતો આવતી રહી છે, પણ અમે સૌ સાથે મળીને એ મુસીબતમાંથી પાર ઊતર્યા છીએ.’

કમિટી મેમ્બરોએ તેમની વ્યથા સાથે તેમનામાં રહેલા જોશની માહિતી આપતાં કહ્યું હતું કે ‘જ્યાંથી અમારી બરકત થઈ એ જ જગ્યાએ પહેલાં કોવિડને કારણે અને ત્યાર પછી ભીષણ આગને કારણે અમારી મુશ્કેલીઓ વધી ગઈ છે. જોકે અમારું અસોસિએશન અને અમે બધા જ વેપારીઓ સાથે મળીને અમારા આ બિઝનેસ સેન્ટરને ફરીથી ધમધમતું અને ઝળહળતું કરીશું. અમારે માટે આ એક મોટી અગ્નિપરીક્ષા છે, પણ અમને સૌને પૂરો વિશ્વાસ છે કે એમાંથી પણ અમે જેમ બને એમ જલદીથી પાર ઊતરી જઈશું. અમારી સાથે અમારા સપ્લાયરો પણ પહેલાંની જેમ જ બિઝનેસમાં વ્યસ્ત થઈ જશે.’

સિટી સેન્ટર ક્યારે ખૂલશે?

મહાનગરપાલિકાના પ્રવક્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગ બહુ મોટી હતી. અત્યારે સેન્ટરમાં કૂલિંગ પછી સાફસફાઈ ચાલી રહી છે. ફાયરબ્રિગેડના અધિકારીઓની ટીમ આગ કેવી રીતે લાગી એની તપાસ કરશે. આમ પ્રાઇમરી તપાસના રિપોર્ટ આવ્યા પછી સિટી સેન્ટરને ક્યારે અને કેવી રીતે ખોલવામાં આવશે એનો ફાયરબ્રિગેડના અધિકારીઓ અને સિટી સેન્ટરના વેપારીઓ સાથે મળીને નિર્ણય લેશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK