ગુનાનો ફોટો કે વિડિયો લો અને પાંચ હજાર રૂપિયા મેળવો

Published: 2nd December, 2014 03:17 IST

સેન્ટ્રલ રેલવેએ ક્રિમિનલ ઍક્ટિવિટીને ડામવા જાહેર કરી નવતર યોજના


mobile videoસૌકોઈ નજર રાખતા હોવાનું જાણીને ગુનેગારો ગુનો કરતાં ડરે એ માટે સેન્ટ્રલ રેલવેએ સેન્ટ્રલ રેલવેનાં સ્ટેશનો અને ટ્રેનો સહિત સમગ્ર નેટવર્કમાં ક્યાંય પણ ક્રિમિનલ ઍક્ટિવિટી ચાલતી હોવાના પુરાવા ફોટો, વિડિયો કે અન્ય રૂપે આપનાર વ્યક્તિને પાંચ હજાર રૂપિયા વળતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF), સેન્ટ્રલ રેલવેના ચીફ સિક્યૉરિટી કમિશનર એ. કે. સિંહે આ નિર્ણય વિશે વિગતો આપતાં જણાવ્યું હતું કે ‘અમે ટ્રેનોમાં અને રેલવેના પ્રિમાઇસિસમાં ગુના બાબતે બરાબર નિગરાની રાખીએ છીએ; પરંતુ ગુનો ક્યારે, ક્યાં, કયા સમયે બને છે એ બાબતો જાણતા નથી. એથી અમે પ્રવાસીઓ માટે ગુનાનો પુરાવો આપીને ઇનામ મેળવવાની જાહેરાત કરી છે.’

RPFના અધિકારીઓએ આ નિર્ણય વિશે જણાવ્યા મુજબ ચેઇન-સ્નૅચિંગ, મોબાઇલ ફોનની ચોરી, મહિલાઓને હેરાન કરવાની પ્રવૃત્તિ વગેરેના વિડિયો અનેક લોકો લેતા હોય છે અને એ વિડિયો કે ફોટોગ્રાફ્સ તેઓ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર પોસ્ટ કરતા હોય છે; પરંતુ વેબસાઇટ્સને આધારે ઘટના વિશે શોધખોળ કરવામાં પોલીસને ઘણો સમય લાગે છે અને તપાસમાં વિલંબ થાય છે. વળી જે વ્યક્તિએ ફોટો કે વિડિયો લીધો હોય એ પોતાની ઓળખ જાહેર કરવા નથી ઇચ્છતી અને એથી સામે આવવામાં ખચકાટ અનુભવે છે.

આ વિષયમાં વધુ સ્પષ્ટતા કરતાં એ. કે. સિંહે જણાવ્યું હતું કે ‘આવા અનેક પ્રૉબ્લેમ્સનો અંત આણવા માટે અમે આ પગલું લીધું છે જેમાં પ્રવાસીઓને આધારભૂત સાબિતી બદલ નાણાકીય લાભ પણ આપવામાં આવશે. રેલવે-પોલીસને સીધા પુરાવા મળે એ માટે વિગતો સાબિતી સહિત RPFના ચીફ સિક્યૉરિટી કમિશનરના છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST) ખાતેના હેડક્વૉર્ટરમાં આપી શકાશે અને એ માહિતી આપનારની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે. RPFના તંત્રે ફેસબુક, ટ્વિટર અને યુટ્યૂબ જેવી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર નજર રાખવા માટે ચાર સ્ટાફર્સની નિમણૂક કરી છે. રેલવે-નેટવર્કમાં કોઈ પણ ગુનો બને એના પર નજર રાખવા માટે તેઓ દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત આ સાઇટો ચેક કરીને એના રિપોટ્ર્સ સીધા મને આપે છે. એ પછી સંબંધિત પોલીસ-સ્ટેશનને ઇન્વેસ્ટિગેશન માટે સૂચનાઓ સાથે ફૉર્વર્ડ કરવામાં આવે છે.’ 


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK