આજે પિક્ચર ક્લિયર થશે મહારાષ્ટ્રમાં કોને શું મળશે?

Published: Nov 22, 2019, 08:21 IST | Dharmendra Jore | Mumbai

બીજેપીએ છેલ્લી ઘડીએ સમાધાનના પ્રયાસ કર્યા હોવાનો શિવસેનાનો દાવો

કૉંગ્રેસ લીડર શરદ પવારના ઘરે
કૉંગ્રેસ લીડર શરદ પવારના ઘરે

એક તરફ બીજેપી દ્વારા શિવસેના સાથે સમાધાનના છેલ્લા પ્રયાસ કરવામાં આવ્યા હોવાની ચર્ચા ચાલે છે ત્યારે કૉન્ગ્રેસ અને એનસીપીએ શિવસેના સાથે સરકાર રચવાના તમામ મુદ્દે સર્વસંમતિપૂર્વક નિર્ણય લેવાઈ ચૂક્યા હોવાની જાહેરાત કરી હતી. કૉન્ગ્રેસ અને એનસીપી તરફથી જણાવવામાં આવ્યું હતું કે બન્ને પક્ષના નેતાઓ આજે મુંબઈમાં સત્તાવહેંચણી અને કૉમન મિનિમમ પ્રોગ્રામ વિશે ચર્ચા કરશે અને ત્યાર પછી ત્રિપક્ષી સરકારનું માળખું જાહેર કરવામાં આવશે. 

બીજેપીએ સમાધાનના આખરી પ્રયાસરૂપે પંચવર્ષીય સરકારના પ્રથમ પાંચ વર્ષમાં પણ મુખ્ય પ્રધાનપદ સોંપવાની ઑફર કરી હોવાનો દાવો કરતાં શિવસેનાએ કહ્યું હતું કે ‘અમે તેમને કહ્યું કે હવે ઘણું મોડું થઈ ગયું છે અને અમારા નેતાઓએ ઑફર સ્વીકારી નથી.’ જોકે આ બાબતને બીજેપીના નેતાઓએ શિવસેના તરફથી ધડમાથા વગરનો પ્રચાર ગણાવ્યો હતો.

શિવસેનાએ આજે મુંબઈમાં યોજેલી નવા વિધાનસભ્યોની બેઠકમાં દરેકને આધાર કાર્ડ કે પૅન કાર્ડ જેવાં આઇડેન્ટિટી કાર્ડ અને પાંચ દિવસનાં કપડાં લઈને આવવાની સૂચના આપી છે. મહારાષ્ટ્ર પર સતત ૧૫ વર્ષ શાસન કરનાર ગઠબંધનના ભાગીદાર પક્ષોએ ગુરુવારે તેમના નાના સહયોગી પક્ષો સાથે ચર્ચા કરીને લીધેલા નિર્ણયની જાહેરાત આજે કરવાનો નિર્ણય લીધો હતો. આજે કૉન્ગ્રેસમાં ૪૪ વિધાનસભ્યોના મતના આધારે વિધાનસભા પક્ષના નેતા ચૂંટાશે. એ નેતા ભાવિ સરકારમાં નાયબ મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર ગણાશે. કૉન્ગ્રેસે નવી ત્રિપક્ષી સરકારમાં નાયબ મુખ્ય પ્રધાનના હોદ્દાની માગણી કરી છે.

કૉન્ગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવાણે અગાઉ નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં સરકાર રચવા બાબતે કૉન્ગ્રેસ અને એનસીપી વચ્ચે તમામ બાબતોમાં સર્વસંમતિ છે. શિવસેના સાથે ચર્ચા કરીને સંમતિપૂર્વક લેવાયેલા નિર્ણયની જાહેરાત કરવામાં આવશે. આ મંત્રણા આજે યોજાઈ શકે છે.’

જાણકાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ સત્તાવહેંચણીનું માળખું રચાઈ ગયું છે. એમાં શિવસેનાને મુખ્ય પ્રધાનપદ સોંપાય તો પણ એ પાંચ વર્ષ માટે હોદ્દો પોતાની પાસે રાખશે કે નહીં એ નક્કી નથી. એના મુખ્ય પ્રધાનપદના ઉમેદવારોમાં સુભાષ દેસાઈ અને એકનાથ શિંદેનાં નામ ચર્ચાય છે. કૉન્ગ્રેસ અને એનસીપી બન્નેને નાયબ મુખ્ય પ્રધાનપદ આપવાની જોગવાઈ હોવાનું મનાય છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK