ઘાટકોપરના ગુજરાતી પરિવાર સાથે ઓલાના ડ્રાઇવરની ગુંડાગીરી

Published: Mar 17, 2017, 07:18 IST

પહેલાં તો પુણેના હાઇવે પર રઝળતા મૂકી દીધા અને પછી ફૅમિલીના મોભીનું માથું ફોડી નાખ્યું : બેભાન થયેલા મહાવીર ઝાલાને ચોવીસ કલાક વેન્ટિલેટર સપોર્ટ પર રાખવા પડ્યા : ચાર કલાકની સર્જરીમાં માથા પર ૫૪ ટાંકા આવ્યા

સંતોષ વાઘ / નિમેશ દવે 

ઘાટકોપર (ઈસ્ટ)ના રહેવાસી મહાવીર ઝાલાને પુણેમાં ઓલા કૅબના ડ્રાઇવરની ગુંડાગીરીનો કપરો અનુભવ થયો હતો. મહાવીર ઝાલાની ફૅમિલી ગયા મહિને ઓલા કૅબમાં પુણે જતી હતી ત્યારે એ ટૅક્સીના બદમાશ ડ્રાઇવરે મહાવીર ઝાલાના માથા પર પ્રહાર કરતાં ઝાલા બેભાન થઈ ગયા હતા અને તેમને ૨૪ કલાક માટે વેન્ટિલેટર સપોર્ટ પર રાખવા પડ્યા હતા. ઉપચાર માટે ચાર કલાકની સર્જરીમાં માથા પર ૫૪ ટાંકા લેવા પડ્યા હતા. એ ઈજાને કારણે મહાવીર ઝાલાને બોલતી વેળા જીભ થોથવાય છે અને વારંવાર વર્ટિગોના હુમલા થાય છે. વળી ટૅક્સી-ડ્રાઇવરે એ ફૅમિલીને હાઇવે પર અડધે રસ્તે છોડી મૂકી હતી.

૧૮ ફેબ્રુઆરીએ ૪૮ વર્ષના મહાવીર ઝાલા તેમનાં પત્ની પ્રીતિ અને બે સંતાનો દીકરા ક્રિપાલ અને દીકરી ડિમ્પલ સહિત ઓલા કૅબમાં પુણેના આંબેગાવની યાત્રાએ નીકળ્યા હતા. ઝાલાફૅમિલીએ સવારે ૧૦ વાગ્યે પુણે પહોંચ્યા પછી ૨૦ કિલોમીટર દૂર આંબેગાવ સુધીની રાઇડ માટે ઓલા કૅબ બુક કરી હતી. રાઇડ બુક કરાવ્યા બાદ કૈલાસ રાઉત નામનો ડ્રાઇવર સફેદ ઇન્ડિકા ટૅક્સી લઈને આવ્યો હતો. માંડ ત્રણેક કિલોમીટરનું અંતર ટૅક્સીએ પસાર કર્યું હશે ત્યાં ડ્રાઇવર કૈલાસ રાઉતે રાઇડ કૅન્સલ થઈ હોવાનું કહીને ઝાલાફૅમિલીને અડધે રસ્તે છોડી દીધી હતી. મહાવીર ઝાલાના ૧૮ વર્ષના દીકરા ક્રિપાલે જણાવ્યું હતું કે ‘અમે કજિયાખોર ડ્રાઇવર કૈલાસ સાથે ઝઘડો કરવાને બદલે તેને ૯૭ રૂપિયા ભાડું ચૂકવીને બીજી ઓલા કૅબ બુક કરાવી હતી. થોડી મિનિટોમાં બીજો ડ્રાઇવર બાળાસાહેબ જાધવ ટૅક્સી લઈને આવ્યો હતો. એ વખતે અમને એક બૅગ રાઉતની ટૅક્સીમાં ભૂલી ગયા હોવાનો ખ્યાલ આવ્યો હતો. અમે રાઉતને ફોન કરીને બૅગ આપવા માટે મળવા જણાવ્યું ત્યારે તેણે ચોખ્ખી ના પાડી હતી. બૅગ પાછી આપે તો અમે આગળ વધી શકીએ એ માટે અમે વારંવાર રાઉતને અમને મળવાની વિનંતી કરી હતી, પરંતુ કૈલાસ કંઈ પણ સાંભળવા ઇચ્છતો નહોતો અને બૅગ પાછી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરતો હતો.’

ola1

ઝાલાફૅમિલીની પરેશાની જોઈને નવા ડ્રાઇવર બાળાસાહેબ જાધવે અમને સમજાવ્યું હતું કે કોઈ પણ ડ્રાઇવર અડધે રસ્તે ટ્રિપ કૅન્સલ કરી ન શકે. ક્રિપાલે જણાવ્યું હતું કે ‘જાધવે અમને કૈલાસ વિરુદ્ધ ટૅક્સી ઍિગ્રગેટર ઓલાની ઑફિસમાં ફોન કરીને ફરિયાદ નોંધાવવાનું સૂચન કર્યું હતું. એ સૂચન માનીને અમે ઓલા કૅબની ઑફિસમાં કૈલાસ રાઉત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.’

એ ફરિયાદ ઝાલાફૅમિલીને મોંઘી પડી હતી. કૈલાસ રાઉત ઝાલાફૅમિલીને આંબેગાવના રસ્તા પર મળવા તૈયાર થયો હતો, પરંતુ રસ્તામાં મળવા માટે કાર રોકતાંની સાથે રાઉતે ટૅક્સી ઍિગ્રગેટર ઓલાની ઑફિસમાં ફરિયાદ કરવા બદલ ઝાલાફૅમિલીને ગાળાગાળી કરવા માંડી હતી. ત્યાર પછી તેણે બૅગ પાછી આપવાનો ઇનકાર કર્યો હતો. એ ઝઘડા દરમ્યાન રાઉતે મહાવીર ઝાલાને નીચે પછાડ્યા હતા. એમાં માથામાં ગંભીર ઈજા થતાં મહાવીર ઝાલા બેભાન થઈ ગયા હતા. તેમનાં પત્ની પ્રીતિબહેને કૈલાસ રાઉતને સામાન પાછો આપીને ચાલ્યા જવાની વિનંતી કરી હતી, પરંતુ રાઉતે મચક આપી નહોતી. એ દરમ્યાન જાધવે વચ્ચે પડીને રાઉતના હાથમાંથી બૅગ ઝૂંટવી લીધી હતી. એ દરમ્યાન કૈલાસ રાઉતે મહાવીર ઝાલાને બેભાન હાલતમાં જોતાં તે ત્યાંથી નાસી ગયો હતો.

બાળાસાહેબ જાધવ મહાવીર ઝાલાને નવલે હૉસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાંથી ભારતી હૉસ્પિટલમાં અને પછી સાંજે સાડાચાર વાગ્યે સંચેતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સંચેતી હૉસ્પિટલે મહાવીર ઝાલાના મગજમાં બ્લડ-ક્લૉટિંગ થતું હોવાનું નિદાન કરીને ઉપચાર શરૂ કર્યા હતા. ચાર કલાક સુધી ચાલેલી સર્જરીમાં માથા પર ૫૪ ટાંકા લેવા પડ્યા હતા. એ ઉપરાંત ૨૪ કલાક વેન્ટિલેટર સપોર્ટ પર રાખવા પડ્યા હતા. ૨૦ ફેબ્રુઆરીએ મહાવીર ઝાલા ભાનમાં આવ્યા અને પાંચ દિવસ પછી તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. વારંવાર પુણે સુધી પ્રવાસ કરવાની તકલીફો ધ્યાનમાં રાખીને ઝાલાફૅમિલીએ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવાનું ટાળ્યું હોવાનું મહાવીરભાઈનાં પત્ની પ્રીતિ ઝાલાએ જણાવ્યું હતું.

ડ્રાઇવરને શું સજા થઈ? કંપનીએ માત્ર નોકરીમાંથી કાઢી મૂક્યો

ઝાલાફૅમિલીએ પુણેથી મુંબઈ પાછા આવ્યા પછી ૮ માર્ચે મહાવીરભાઈની દીકરી ડિમ્પલે ઓલા કૅબની ઑફિસમાં લેખિત ફરિયાદ કરી હતી. એ ફરિયાદ પછીની કાર્યવાહી બાબતે ડિમ્પલ ઝાલાએ જણાવ્યું હતું કે ‘ઓલાના પ્રતિનિધિએ મને ફોન કરીને જણાવ્યું હતું કે ડ્રાઇવર કૈલાસ રાઉતને ઓલાની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. ઓલાના મૅનજમેન્ટને આટલી કાર્યવાહી પૂરતી જણાઈ છે, પરંતુ એ હુમલામાં મારા ફાધરનું મૃત્યુ પણ થયું હોત. ઓલાના મૅનેજમેન્ટે એ ડ્રાઇવર વિરુદ્ધ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી જોઈએ.’

ઓલાના પ્રવક્તાએ કૈલાસ રાઉત ઓલાની સર્વિસમાં નહીં હોવાનું કન્ફર્મ કર્યું હતું. ઓલા કૅબના મૅનેજમેન્ટના આ પગલાથી ઝાલાફૅમિલીને સંતોષ થયો નથી. કૈલાસ રાઉતે હુમલો કર્યા બાદ એક મહિને મહાવીર ઝાલાને બોલવામાં તકલીફ પડે છે અને વારંવાર વર્ટિગોના અટૅકને કારણે ચક્કર આવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK