ભાનુશાળી સમાજના ભામાશા કરસનદાસ ચાન્દ્રાની સ્મૃતિમાં અમર કીર્તિ ફન્ડ શરૂ કરાયું

Published: Aug 12, 2020, 08:15 IST | Prakash Bambhrolia | Mumbai

એક દિવસમાં દોઢ કરોડ રૂપિયા ભેગા થયા અને હજી તો બીજું ફન્ડ આવી જ રહ્યું છે : આનો ઉપયોગ સમાજના જરૂરિયાતમંદો માટે થશે

ભાનુશાળી સમાજના ભામાશા કરસનદાસ ચાન્દ્રા
ભાનુશાળી સમાજના ભામાશા કરસનદાસ ચાન્દ્રા

કચ્છના અબડાસા તાલુકામાં આવેલા રામપર ગામના વતની અને ગાંધીધામના જાણીતા ઉદ્યોગપતિ કરસનદાસ પરષોતમ ચાન્દ્રાનું ૭ ઑગસ્ટે ૭૨ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. જીવનભર જરૂરિયાતમંદોની મદદ માટે કાયમ તત્પર રહેતા હોવાથી તેઓ ભાનુશાળી સમાજમાં ભામાશા તરીકે પ્રખ્યાત હતા. તેમની નામના કાયમ રહે એ માટે તેમના પુત્રો અને ભાનુશાળી સમાજના આગેવાનોએ અમર કીર્તિ ફન્ડ શરૂ કર્યું છે, જેમાં એક જ દિવસમાં દોઢ કરોડ રૂપિયાનું દાન ભેગું થયું હોવાનું જાણવા મળ્યું હતું.

કરસનદાસ પરષોતમ ચાન્દ્રાનું મોટી ઉંમર અને બીમારીને લીધે ૭ ઑગસ્ટે ગાંધીધામમાં અવસાન થયાના સમાચાર વાયુવેગે પ્રસરતાં ભાનુશાળી સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. તેમની સ્મશાનયાત્રા કઢાઈ હતી ત્યારે સમાજના ભામાશાની ચેતના અમર રહે એ માટે ભાનુશાળી સમાજના ગાંધીધામના પ્રમુખ દામજીભાઈ તથા કરસનદાસના પુત્રો વસંતભાઈ, દિનેશભાઈ અને જગદીશભાઈને તેમના નામે અમર કીર્તિ ફન્ડ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો જેને સૌએ વધાવી લીધો હતો.કરસનદાસ ચાન્દ્રાના દીકરા દિનેશભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પપ્પાએ જીવનભર સમાજ અને જરૂરિયાતમંદો માટે કામ કર્યું હતું. વતનથી ૧૯૭૧માં ગાંધીધામ સ્થાયી થયા બાદ બિઝનેસમાં સફળતા મળવાની સાથે તેમની પરોપકારની ભાવના બળવત્તર બનતી ગઈ હતી. તેમની હયાતીમાં જે કાર્ય તેમણે કર્યાં છે એને તેમની ગેરહાજરીમાં આગળ વધારવાના ઇરાદાથી અમર કીર્તિ ફન્ડ સ્થાપવાનો નિર્ણય અમે લીધો હતો. મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને સામાન્ય લોકોએ છૂટા હાથે આ ફન્ડમાં દાન નોંધાવતાં એક જ દિવસમાં દોઢ કરોડ રૂપિયા આવી ગયા છે. હજી તો એક જ દિવસ થયો છે. ભારતભરમાં વસતા ભાનુશાળી સમાજના લોકોનો દાનનો પ્રવાહ અવિરત વહી રહ્યો હોવાથી ટૂંક સમયમાં માતબર રકમ આ ફન્ડમાં એકત્રિત થવાની શક્યતા છે.’

ગ્રોમાના સેક્રેટરી અને મુંબઈની એપીએમસી માર્કેટમાં કામકાજ કરતા ભીમજી ભાનુશાળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શ્રી કચ્છી ભાનુશાળી ગાંધીધામ ટ્રસ્ટના નેજા હેઠળ કરસનદાસ પરષોતમ ચાન્દ્રાના નામે અમર કીર્તિ ફન્ડની શરૂઆત થઈ છે. આ ફન્ડનો ઉપયોગ સમાજના જરૂરિયાતમંદો તેમ જ સમૂહલગ્ન, આકસ્મિક અવસાન, શિક્ષણ સહિતનાં કામમાં કરવામાં આવશે. તેમણે ગૌશાળાથી માંડીને તમામ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ જીવનભર કરી હોવાથી દેશભરમાં વસતા પચીસ લાખ જેટલા ભાનુશાળી સમાજના લોકો માટે તેમનું નામ સૌથી આદરથી લેવાય છે. મુંબઈમાં વસતા દોઢ લાખ જેટલા ભાનુશાળીઓને પણ આ ભામાશા માટે ખૂબ માન છે અને કાયમ રહેશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK