મુંબઈ : કમિશનરની એપીએમસીમાં સરપ્રાઈઝ વિઝિટથી ફફડાટ

Published: 2nd October, 2020 09:55 IST | Mumbai Correspondent | Mumbai

બિન્દાસ માસ્ક ન પહેરતા કે સોશ્યલ ડિસ્ટન્સિંગ ન રાખનારાઓનું આવી બન્યું

શાકભાજી અને કાંદા માર્કેટમાં ઍન્ટિજન ટેસ્ટ ચાલી રહી હતી ત્યાં કમિશનર અભિજીત બાંગર અને એપીએમસીના સેક્રેટરી અનિલ ચવાણ.
શાકભાજી અને કાંદા માર્કેટમાં ઍન્ટિજન ટેસ્ટ ચાલી રહી હતી ત્યાં કમિશનર અભિજીત બાંગર અને એપીએમસીના સેક્રેટરી અનિલ ચવાણ.

નવી મુંબઈના વાશીમાં આવેલી એપીએમસી હોલસેલ શાક અને કાંદા બજારમાં બુધવારે સવારે અચાનક નવી મુંબઈ મહાનગરપાલિકા કૉર્પોરેશનના કમિશનર અભિજીત બાંગરે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન માર્કેટોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાના કોવિડના નિયમોનું પાલન ન કરતા વેપારીઓ અને ગ્રાહકો પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

એપીએમસીમાં રોજ ૫૦,૦૦૦થી વધુ વેપારીઓ અને ગ્રાહકોની અવરજવર થાય છે. વિશ્વની આ સૌથી મોટી બજારમાં અત્યારના કાળમાં ખૂબ જ મુશ્કેલી ભરેલી છે. આવા સમયે કોવિડના સકંજામાં લોકો ન આવી જાય એટલે સુરક્ષાના પગલારૂપે સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે ફિઝિકલ ડિસ્ટન્સિંગ જાળવવું અને માસ્ક પહેરવું અત્યંત જરૂરી છે.

આ બાબતની માહિતી આપતાં નવી મુંબઈ મહાનગરપાલિકા કૉર્પોરેશનના કમિશનર અભિજીત બાંગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એપીએમસીના સંચાલકો અને વેપારીઓ કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે, પણ દસ ટકા લોકોને કારણે આ માર્કેટ રિસ્કી બની જાય છે. આથી બુધવારે વહેલી સવારે અચાનક મુલાકાત લઈને આવા લોકો પર દંડાત્મક કાર્યવાહી કરી હતી. આ દંડાત્મક કાર્યવાહીનો હેતુ ફક્ત લોકોને ઉજાગર કરવાનો છે. તેમને સમજાવવાનો છે કે એક વ્યક્તિની ભૂલથી અનેક લોકો મહામારીમાં સપડાઈ શકે છે.’

અભિજીત બાંગરની મુલાકાત સંબંધી માહિતી આપતાં એપીએમસીના મૂડીબજારના ડિરેક્ટર વિજય ભુતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દાણાબજાર, મસાલાબજાર અને મૂડીબજારમાં તો કોવિડના નિયમોનું કડક પાલન થાય છે. એપીએમસીના સંચાલકો પણ કોવિડના નિયમોનું પાલન થાય એના માટે સતત જાગરૂક રહે છે. આમ છતાં, શાકબજાર, ફ્રૂટબજાર અને કાંદા-બટેટા બજારમાં સવારના સમયે બહારથી ખરીદી માટે આવતા અનેક ગ્રાહકો અત્યારની ગંભીરતાને ભૂલીને કે અન્ય કોઈ કારણસર કોવિડના નિયમોનું પાલન કરતા નથી, જેની સામે બુધવારે કમિશનર અભિજીત બંગારે લાલ આંખ કરી હતી. અમારી માર્કેટમાં તો અમે સિકયૉરિટીને કડક રીતે આના પણ લક્ષ રાખવાની સૂચના આપી છે. અમારી સિક્યૉરિટી જ નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો પર દંડાત્મક કાર્યવાહી કરે છે. બુધવારે અમારી બજારમાં જ ૨૦થી વધુ લોકો પર કાર્યવાહી કરવામાં આવી હતી. એપીએમસીએ માર્કેટ બંધ કરીને શરૂ કરતાં પહેલાં જ આ બાબત સામે કમર કસી હતી. વેપારી સંગઠનોને કડક રીતે નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું.

શાકબજાર, ફ્રૂટબજાર અને કાંદા-બટેટા બજારમાં સવારના સમયે બહારથી ખરીદી માટે આવતા અનેક ગ્રાહકો અત્યારની ગંભીરતાને ભૂલીને કે અન્ય કોઈ કારણસર કોવિડના નિયમોનું પાલન કરતા નથી.
- વિજય ભુતા, એપીએમસીના મૂડીબજારના ડિરેક્ટર

એપીએમસીના સંચાલકો અને વેપારીઓ કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે, પણ દસ ટકા લોકોને કારણે આ માર્કેટ રિસ્કી બની જાય છે.
- અભિજીત બાંગર, નવી મુંબઈ મહાનગરપાલિકા કૉર્પોરેશનના કમિશનર

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK