મલાડના કચ્છી યુવકની ઘરની વિન્ડોમાંથી પડવાની દુર્ઘટના?

Published: 7th November, 2020 10:18 IST | Preeti Khuman Thakur | Mumbai

મા-બાપનો એકનો એક દીકરો પાંચમા માળના ટૂ-બીએચકે ફ્લૅટના બેડરૂમની નાની વિન્ડોમાંથી પડતાં જીવ ગુમાવી બેઠો

જીવ ગુમાવનાર મલાડનો રહેવાસી ધવલ શાહ.
જીવ ગુમાવનાર મલાડનો રહેવાસી ધવલ શાહ.

મલાડ-ઈસ્ટમાં દફતરી રોડ પર આવેલા પુષ્પા પાર્કમાં રહેતા 32 વર્ષના કચ્છી વાગડ વીસા ઓસવાળ સમાજના ધવલ નાનાલાલ જીવણ શાહ પાંચમા માળે આવેલા પોતાના ફ્લૅટ-નંબર ૫૦૧માં બેડરૂમની નાની વિન્ડોમાંથી નીચે પડતાં જીવ ગુમાવી બેઠો હતો. હાલમાં દિંડોશી પોલીસે ઍક્સિડન્ટલ ડેથનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. જોકે ઘરનો એકમાત્ર દીકરો આ રીતે જીવ ગુમાવતાં પરિવારજનો ભારે આઘાતમાં આવી ગયા છે. મૂળ ગાગોદર ગામના નાનાલાલ શાહને ત્રણ દીકરીઓ અને ધવલ એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે. દિંડોશી પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર અને કેસના તપાસ અધિકારી સંદીપ મ્હસ્કેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પાંચમા માળે આવેલા તેમના પ૦૧ નંબરના ફ્લૅટમાં પરિવાર સાથે તેઓ રહેતા હતા. ગુરુવારે મોડી સાંજે પરિવારના બધા સભ્યો ઉપસ્થિત હતા ત્યારે આ બનાવ બન્યો હતો. પોલીસની પૂછપરછમાં તેમના પેરન્ટ્સે કહ્યું કે બેડરૂમની નાની વિન્ડોમાં તે કંઈક લેવા ગયો અને ત્યાંથી નીચે પડી ગયો હતો. ધવલ શાહ મૅરિડ છે અને તેને એક દીકરો પણ છે. નાની વિન્ડોમાંથી કેવી રીતે પડ્યો, શું થયું હતું જેવી તપાસ પોલીસ કરી રહી છે.’જ્યારે ધવલ શાહના સાળા દીપક છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ધવલ તેમના પિતા સાથે રિયલ એસ્ટેટનું કામકાજ કરતો હતો. બેડરૂમની વિન્ડોમાંથી પડતાં આ બનાવ બન્યો છે. તેમને કોઈ પણ પ્રકારની ચિંતા કે બીજું કંઈ ટેન્શન નહોતું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK