મુંબઈ: ફર્સ્ટ ડે, ફ્લૉપ શો, માત્ર 30 ટકા જ રેસ્ટોરાં ખૂલી

Published: Oct 06, 2020, 07:17 IST | Rahul Parikh, Bakulesh Trivedi | Mumbai

માત્ર ૩૦ ટકા જ રેસ્ટોરાં ખૂલી : કલેક્ટરનો આદેશ ન આવ્યો હોવાથી મોટા ભાગના બાર બંધ રહ્યા

છ મહિના બાદ ગઈ કાલે ખૂલેલી દાદર ટીટીમાં આવેલી જ્યોતિ વેજ રેસ્ટોરામાં નિરાંતે જમી રહેલા લોકો. તસવીર : સુરેશ કરકેરા
છ મહિના બાદ ગઈ કાલે ખૂલેલી દાદર ટીટીમાં આવેલી જ્યોતિ વેજ રેસ્ટોરામાં નિરાંતે જમી રહેલા લોકો. તસવીર : સુરેશ કરકેરા

સરકારે ગઈ કાલથી હોટેલ, રેસ્ટોરાં, બાર અને ફૂડ કોર્ટ્સ ખોલવાની શરતી પરવાનગી તો આપી છે, પણ ગઈ કાલે પહેલા દિવસે મુંબઈમાં ફક્ત ૩૦-૪૦ ટકા હોટેલ, રેસ્ટોરાં અને બાર ખૂલ્યાં હતાં. એમાં પણ ઑલમોસ્ટ ઘરાકી નહીંવત રહી હતી. સવારના સમયે તો અનેક હોટેલોમાં કાગડા ઊડતા હતા. જોકે જે હોટેલો પાર્સલ-સર્વિસ આપી રહી છે એણે એની પાર્સલ- સર્વિસ ચાલુ રાખી છે.

રેસ્ટોરાં અને બારના માલિકો કહે છે કે ‘અમને હજી સુધી કલેક્ટર તરફથી બાર શરૂ કરવા માટે સ્પષ્ટતા કરવામાં આવી નથી. થાણે જિલ્લામાં સાંજના સાત વાગ્યા સુધી જ હોટેલો ચાલુ રાખવાની પરવાનગી આપવમાં આવી છે. મુંબઈમાં પહેલાંની જેમ પરવાનગી છે, પરંતુ બારની બાબતમાં એક્સાઇઝના અધિકારીઓ અલગ-અલગ વાત કરી રહ્યા છે. અમારા અસોસિએશન તરફથી સરકારના આદેશ પ્રમાણે શરૂ કરવાનું કહે છે, જ્યારે સરકારી અધિકારીઓ આ બાબતમાં અમને હજી અંધારામાં રાખી રહ્યા છે. આથી અનેક રેસ્ટોરાં અને બાર હજી બંધ છે.’

આહારના પ્રેસિડન્ટ શિવાનંદ શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલા દિવસે મુંબઈમાં ૩૦થી ૪૦ ટકા હોટેલો ખૂલી હતી. આનું મુખ્ય કારણ પહેલાં તો હોટેલિયરો પાસે સ્ટાફ ખૂબ જ ઓછો છે. સ્ટાફ અત્યારે દેશમાં છે. આના સિવાય છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા લૉકડાઉનને કારણે અન્ય માર્કેટોમાં હજી બિઝનેસ ઠંડા છે. લોકો આર્થિક ભીંસમાં છે. આની અસર પણ અમારી હોટેલ ઇન્ડસ્ટ્રીઝ પર અસર કરી રહી છે. આમ છતાં ગઈ કાલે હોટેલો ખૂલવાથી લોકોમાં ઉત્સાહ દેખાતો હતો. બધા જ હોટેલિયરો સરકારની માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે પંદર દિવસમાં અમારી ઇન્ડસ્ટ્રી ધમધમતી થઈ જશે. જોકે અમારે દરેક તબક્કે અમારો સ્ટાફ કે અમારા કસ્ટમરો ઇન્ફેક્ટેડ ન થાય એનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે નહીંતર ફરીથી અમારી ઇન્ડસ્ટ્રી લૉકડાઉન થઈ શકે છે.’

સાંજ ૪ સુધી માત્ર ૧૦ કસ્ટમર

અમને પહેલી વાર છૂટ મળી ત્યારથી પાર્સલ આપીએ છીએ. સાંજના સમયે પાર્સલની ડિમાન્ડ વધારે હોય છે. ગઈ કાલથી અમે સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીને હોટેલ ખોલી છે પણ ગઈ કાલે સાંજના ચાર વાગ્યા સુધી ફક્ત દસ ગ્રાહકો આવ્યા હતા. આમ પણ સોમવાર હોવાથી માટુંગામાં દુકાનો બંધ હોય છે. એ જ રીતે સ્કૂલો અને કૉલેજો પણ બંધ હોવાથી ઓછી ઘરાકી છે.
- પ્રવીણ શેટ્ટી, મૅનેજર, ક્લાસિક ફાસ્ટ ફૂડ્સ - માટુંગા

એક ટેબલ છોડીને...

પહેલા દિવસે લોકો આવવાનું ચાલુ થયું છે, પણ પ્રમાણ ઓછું છે. એક ટેબલ છોડીને એક ટેબલ પર સર્વ કરીએ છીએ. જે ટેબલ પર ગ્રાહક બેઠા હોય ત્યાંનું પ્લાસ્ટિક ગ્રાહક ઊઠી ગયા પછી તરત જ બદલાવી લેવાય છે. સૅનિટાઇઝર અને માસ્કના નિયમ પણ પાળીએ છીએ. નૉર્મલ મેન્યુ લોકોને મોંઘું પડી શકે એથી હાલ કૉમ્બો ઑફર પણ આપીએ છીએ, જેમાં નૉર્મલ કરતાં સસ્તામાં એક માણસ પેટ ભરીને જમી શકે. ઍટ ધ સેમ ટાઇમ તેના ખિસ્સાને પણ એ પરવડે એવી ઑફર આપી છે.
- પ્રકાશ શેટ્ટી, ગ્રીન તડકા-એસ.વી. રોડ, ગોરેગામ (વેસ્ટ)

સ્ટડી કરીશું પછી નિર્ણય

કપરા કાળમાં સુરક્ષાનું ધ્યાન રાખીને અમને હોટેલ ખોલવાની ઇચ્છા નથી. હજી વાતાવરણ બહુ જ ખરાબ છે. અમે એક-દોઢ મહિના સુધી હોટેલો અને રેસ્ટોરાં ખૂલ્યા પછી કોવિડનો ફેલાવો કેવો થાય છે એનો સ્ટડી કરીશું. જો અમને લાગશે કે હવે સુરક્ષિત છીએ તો જ હોટેલ શરૂ કરીશું. આ સિવાય છ મહિનાના લૉકડાઉનને કારણે આર્થિક સંતુલન પણ જાળવવાનું છે. એ પણ બહુ મોટો વિચાર માગી લે છે. અમારા કર્મચારીઓ કે સપ્લાયરોને કોઈ જ સમસ્યા ન થવી જોઈએ. અત્યારે અમારા કર્મચારી અને અન્ય સ્ટાફ મુંબઈમાં હાજર નથી.
- શાંતેરી નાગેશ નાયક, કૅફે મૈસૂર - કિંગ્સ સર્કલ

લોકો પાસે ખર્ચવા પૈસા જ નથી બચ્યા

લોકો પાસે પૈસા જ ક્યા બચ્યા છે. લોકો હાલમાં ઘર વ્યવસ્થિત ચાલે તો બહુ એવું વિચારી બહારનું ઓછું ખાઈ રહ્યા છે. બહુ ઓછા લોકો આવી રહ્યા છે. અમે ત્રણ વર્ષ થયા રેટમાં કોઈ ફેફાર કર્યો નથી. અત્યારે પણ નથી કર્યો. લોકો આવે છે, પણ બહુ લિમિટેડ. ધીમે-ધીમે વધારો થાય એવી આશા છે.
– નરસિમ્હા પૂજારી, ભગવતી પાંઉભાજી - મથુરાદાસ રોડ, કાંદિવલી

૫૦ ટકા જ સ્ટાફ છે

આજથી હોટેલોમાં ગ્રાહકોને બેસાડીને સર્વ કરવાનું ચાલુ કર્યું છે. સવારથી બપોરે ૩ વાગ્યા સુધીમાં માંડ ૧૦થી ૧૨ ગ્રાહક આવ્યા છે. જોકે સામે પક્ષે અમે પણ હાલ ૫૦ ટકા સ્ટાફ સાથે જ સર્વિસ આપી રહ્યા છીએ. અંદાજ હતો જ કે ઓછું પબ્લિક આવશે એટલે મેન્યુ પણ એકદમ ઘટાડી દીધું છે. ચાઇનીઝ, પંજાબી અને અન્ય મળી કુલ ૯ ડિશ ફક્ત રાખી છે.
- દિવાકર પૂજારી, હોટેલ સપના - એસ. વી. રોડ, મલાડ.

હોટેલ ખોલવાની હજી તૈયારી નથી

પાર્સલની ડિમાન્ડ સારી છે. અમારી હજી હોટેલ ખોલવાની તૈયારી નથી. હજી કોરોના ફેલાવો થશે એવો ભય લાગે છે. અમારી પાસે સ્ટાફ પણ ઓછો છે. ગઈ કાલથી મુંબઈમાં હોટેલો ખૂલી ગઈ છે એ સમાચાર અમારા કર્મચારીઓને મળશે પછી તેઓ મુંબઈ આવવાની શરૂઆત કરશે.
- દયાનંદ પૂજારી, વેલ્કમ હોટેલ (શીતલ) - બોરીવલી (ઈસ્ટ)

માણસો વગર કામ કરવું મુશ્કેલ

અમારો મોટા ભાગનો સ્ટાફ વતન જતો રહ્યો છે. અત્યારે માત્ર પાર્સલ-સેવા જ ચાલુ છે. જો લોકોને ટેબલ પર સર્વ કરવું હોય તો ઑર્ડર લેનારો જોઈએ, વેઇટર જોઈએ, પાણી આપનારો જોઈએ, વાસણ ઉપાડનારો જોઈએ, કિચનમાં રસોઈયા, એના કારીગર અને ચોકડીમાંય માણસો જોઈએ. આ કામ સ્ટાફ વગર કઈ રીતે કરવું? હવે અમે તેમને જણાવ્યું છે કે પાછા આવી જાવ, પણ તેમને ટિકિટ પણ મળવી જોઈએ. આમ હાલના તબક્કે હોટેલ ચાલુ નથી કરી. માણસો આવે એ પછી અઠવાડિયા-દસ દિવસ પછી જોઈશું.
- ગોપાલ અગ્રવાલ, જૈન સ્વીટ ઍન્ડ ફરસાણ (કાંદિવલી-વેસ્ટ)

બને એટલી વધુ કાળજી લઈએ છીએ

હોટેલ સ્ટેશન પાસે હોવાથી અહીં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે એટલે પહેલે દિવસે ૩૦ ટકા જેટલી પબ્લિક છે. લોકોને તકલીફ ન પડે એ રીતે અમુક ટેબલ છોડી અમુક ટેબલમાં લોકોને બેસાડીએ છીએ. માસ્ક અને ફેસ-શિલ્ડ સાથે જ ઑર્ડર લેવાય છે અને સર્વ પણ કરાય છે. એન્ટ્રી પહેલાં દરેકને હૅન્ડ સૅનિટાઇઝરથી હૅન્ડ વૉશ કરાવાય છે. બની શકે એટલી વધુ કાળજી લઈ લોકોને સર્વિસ પૂરી પાડીએ છીએ.
- ધીરજ રાય, સરોવર હોટેલ, કાંદિવલી (વેસ્ટ)

બારની બાબતમાં હજી અસ્પષ્ટતા

અમે સવારથી રેસ્ટોરાં ખોલી છે, પણ દિવસે ઘરાકી ઠંડી રહી છે. બીજું, હજી બારની બાબતમાં કોઈ સ્પષ્ટતા ન હોવાથી અમે વાઇન પીરસવો કે નહીં એ મુદ્દે અસમંજસ પરિસ્થિતિમાં છીએ. અમારી મુખ્ય ઘરાકી સાંજ પછી હોય છે. જોકે ગઈ કાલે સાંજના પણ ઘરાકી નહોતી. એવું લાગે છે કે હજી લોકોમાં કોવિડનો ભય છે. અમે સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરતા હોવા છતાં લોકો સંક્રમણથી દૂર રહે છે.
- પ્રેમ શેટ્ટી, પૅવિલિયન રેસ્ટોરાં અને બાર - ઘાટકોપર

ઑફિસર્સ ઉડાઉ જવાબ આપે છે

પહેલા દિવસે બધી જ હોટેલોમાં ઘરાકી નહીંવત જેવી રહી છે. મારી જ હોટેલ ઘાટકોપરમાં છે જ્યાં સવારથી તો ઘરાકી નહોતી પણ સાંજના પણ હોટેલમાં ગણ્યાગાંઠ્યા ઘરાકો આવ્યા હતા. મુંબઈનાં રેસ્ટોરાં અને બાર ખોલતાં હજી હોટેલિયરો ડરી રહ્યા છે. એક સરકારી અધિકારી કહે છે કે સરકારના આદેશ પ્રમાણે બાર શરૂ કરી શકો છો, જ્યારે એક્સાઇઝ વિભાગના અધિકારીઓ આ બાબતમાં હજી કન્ફ્યુઝ્ડ છે. તેઓ સાંજના ૭ વાગ્યા પછી હોટેલ ખૂલી રાખવાની જ ના પાડે છે તો બાર શરૂ કરવાથી કોઈ ફાયદો નથી. આજે આખા દિવસમાં મુંબઈના અનેક બારમાલિકોએ અલગ-અલગ અધિકારીઓ સાથે આ સંદર્ભમાં વાતચીત કરી હતી. બધા જ અધિકારીઓએ ઊડતા જવાબ આપ્યા હતા. આથી હજી અમારા બિઝનેસને લાઇન પર આવતાં ઓછામાં ઓછા પંદર દિવસ લાગી જશે. એ સમય દરમ્યાન સ્ટાફ પણ આવી જશે.
- સુનીલ પાટીલ, વાઇસ-પ્રેસિડન્ટ, આહાર

સ્ટાફ હજી ડરે છે

અમે હજી પાર્સલ-સર્વિસ જ ચાલુ રાખી છે. દેશમાંથી પાછા આવતાં હજી સ્ટાફના માણસો પણ ડરી રહ્યા છે. અમે તેઓ વહેલી તકે મુંબઈમાં પાછા ફરે અને કામે લાગે એની રાહ જોઈ રહ્યા છીએ. આ સિવાય હજી સરકારના કોવિડના નિયમો અને માર્ગદર્શિકાને અનુસરવા માટે અમારા સ્ટાફને ટ્રેઇનિંગ પણ આપી રહ્યા છીએ. અત્યારે અમારા અંદાજ પ્રમાણે બુધ-ગુરુવાર સુધીમાં અમે અમારી હોટેલ રેગ્યુલર શરૂ કરીશું.
- અજિત શાહ, સ્ટેટસ રેસ્ટોરાં - નરીમાન પૉઇન્ટ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK