રસ્તા પરથી બચાવવામાં આવેલા 26/11ના હીરોને બીજેપી તરફથી 10 લાખની સહાય

Published: May 12, 2020, 09:44 IST | dharmedra jore | Mumbai

અજમલ કસબે કામા હૉસ્પિટલમાં જેમને ગોળી મારી હતી એ હરિશ્ચંદ્ર શ્રીવર્ધનકરની કલ્યાણની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે

દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કલ્યાણની આયુષ હૉસ્પિટલમાં શ્રીવર્ધનકરની મુલાકાત લીધી હતી.
દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કલ્યાણની આયુષ હૉસ્પિટલમાં શ્રીવર્ધનકરની મુલાકાત લીધી હતી.

૨૬/૧૧ના આતંકવાદી હુમલાના એક મહત્ત્વના સાક્ષી હરિશ્ચંદ્ર શ્રીવર્ધનકર શહેરની ચાલીમાં ખૂબ જ દારુણ જિંદગી જીવતા જોવા મળ્યા બાદ તેમનું કોરોના વાઇરસ ટેસ્ટિંગ કરાવાયું જે નેગેટિવ આવ્યું હતું. હવે તેમને થયેલી ઈજા અને અન્ય બીમારીઓની કલ્યાણની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

૧૦ દિવસ પહેલાં એક દુકાનદાર અને તેના સામાજિક કાર્યકર મિત્રએ શ્રીવર્ધનકરને સાત રસ્તા પરથી બચાવીને કલ્યાણમાં તેના સંબંધીઓને શોધી કાઢ્યા હતા. ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે કામા હૉસ્પિટલમાં હરિશ્ચંદ્ર શ્રીવર્ધનકર અજમલ કસબની ગોળીથી ઘાયલ થયા હતા અને પછીથી તેમણે કોર્ટમાં આતંકવાદીની ઓળખ કરી હતી.

મીડિયા અહેવાલો દ્વારા વડા પ્રધાનની ઑફિસને તેમની દુર્દશા વિશે જાણ થતાં તેમણે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમની સારી સારવાર કરાવવા અને આર્થિક સહાય મળે એની ખાતરી કરવા જણાવ્યું હતું.

ફડણવીસે ભૂતપૂર્વ પ્રધાન રવીન્દ્ર ચવાણ અને કલ્યાણના ધારાસભ્યને ૨૬/૧૧ના હીરોને શોધી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા જણાવ્યું હતું. ગઈ કાલે ફડણવીસે શ્રીવર્ધનકરની આયુષ હૉસ્પિટલમાં મુલાકાત લીધી હતી તથા હરિશ્ચંદ્ર શ્રીવર્ધનકરના સંબંધીઓ લાંબા સમય સુધી તેમને ટેકો આપવા તૈયાર ન હોવાથી બીજેપી તેમની સારવાર માટે ચુકવણી કરશે અને તેમના ભાવિને સુરક્ષિત કરવા માટે તેમને ૧૦ લાખ રૂપિયા પણ આપશે એની ખાતરી આપી હતી.

જ્યારે બચાવાયા ત્યારે શ્રીવર્ધનકરની તબિયત સારી ન હોવાથી તેમનું કોરોના વાઇરસ માટે પરીક્ષણ કરાયું હતું અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. હરિશ્ચંદ્ર શ્રીવર્ધનકરના પગની ઈજા અને અન્ય બીમારીઓ માટે સારવાર લેવાની જરૂર છે એમ ફડણવીસે કહ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK